દુલ્હનને લેવા રેલવે એન્જીનિયર દુલ્હાએ હેલિકોપ્ટરથી મારી ગ્રાન્ડ એન્ટ્રી, જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી
બિહારઃ બિહારના બક્સરમાં પહેલીવાર કોઈ વરરાજાની જાન ગાડી નહીં પરંતુ હેલિકોપ્ટર લઈને નીકળી. હેલિકોપ્ટર પર લગ્ન કરવા જનાર દુલ્હો આંધ્ર પ્રદેશ રેલવેમાં એન્જીનિયર છે. ગામમાં પહેલીવાર હેલિકોપ્ટરને જોવા હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી. બક્સરથી ઉડીને દુલ્હો ભોજપુર લગ્ન કરવા નીકળ્યો. જાન નીકળ્યા પહેલા ત્યાં હાજર રહેલા લોકો હેલિકોપ્ટર સાથે ફોટા તથા સેલ્ફી ખેંચાવતા જોવા મળ્યાં.
દુલ્હા રાજૂએ જણાવ્યું કે લગ્નમાં તેનો પરિવાર કોઈ પણ પ્રકારનું દહેજ લેવાનો નથી. દહેજ કુપ્રથાને કારણે ગરીબ પરિવારની છોકરીઓના લગ્નમાં મુશ્કેલીઓ આવતી હોય છે. આ લગ્ન દ્વારા રાજ્ય સરકારના દહેજ મુક્ત લગ્નના અભિયાનને સમર્થન પુરુ પાડી સમાજને એક સંદેશ આપવા માગતો હતો. જેથી દહેજના અભાવમાં છોકરીઓ લગ્નથી વંચિત ન રહે.
આ લગ્ન બાબતે DM દેવેન્દ્ર પ્રતાપ શાહીએ જણાવ્યું કે દુલ્હાના પરિવારજનોએ હેલિકોપ્ટર લેડિંગની પરવાનગી માટે આવેદન આપ્યું હતું. ત્યાર બાદ સ્થાનીય અધિકારીઓની તપાસ બાદ ગાઈડલાઈનનું પાલન કરીને પરવાનગી આપવામાં આવી હતી.
રાજૂ તિવારીના લગ્ન ઈતિહાસ બની ગયા છે. આ પ્રથમ વખત બન્યું છે કે ગામમાં કોઈ વરરાજા હેલિકોપ્ટરથી લગ્ન કરવા સાસરે પહોંચ્યો છે. આ અગાઉ ભૂતપૂર્વ ધારાસભ્ય દદન પહેલવાનના પુત્ર પણ હેલિકોપ્ટરથી પોતાના સાસરે ગયા હતાં.