પુત્રવધૂ બંસરીના હાથની મહેંદી પણ નહોતી સુકાઈ અને સાસુમાંને નડ્યો અકસ્માત, વહુએ બતાવી ખાનદાની

નડિયાદ: ‘પુત્રના લક્ષણ પારણાંમાં અને વહુના લક્ષણ બારણામાં’ આ ઉક્તિ નડિયાદમાં સાર્થક બની છે. નડિયાદમાં રહેતા એક પટેલ પરિવારના ઘરે આભ તૂટી પડ્યો તેવા સંજોગો ઉભા થયા હતા. જોકે, તે સમયે પુત્રવધુએ પોતાની ફરજ અદા કરી સમાજમાં દાખલો બેસાડ્યો છે. જે આજની સ્ત્રીઓએ શીખવા જેવો છે. અકસ્માતમાં પેરાલીસીસનો ભોગ બનેલા સાસુની સેવામાં જોતરાયેલી પુત્રવધુ છેલ્લા પાંચ વર્ષથી પિયરનું ઘર સાંભળ્યું નથી. જે પુત્રવધુનું આજે સમ્માન કરાયું છે.

પુત્રવધુ પોતાની માતા સમાન સાસુની સેવામાં લાગી
આ પુત્રવધુના લગ્નની હજી મહેંદી પણ નહોતી સુકાઈને સાસુ સસરાને અકસ્માત થયો હતો. જે બાદ સાસુ પેરાલીસીસનો શિકાર થતાં પુત્રવધુ પોતાની માતા સમાન સાસુની સેવામાં લાગી ચૂકી હતી. આજે આ બનાવને પાંચ વર્ષ સુધીનો સમય વીત્યો છે. પરંતુ આજ દિન સુધી પુત્રવધુ પોતાના પિયરનું ઘર નથી સાંભળ્યું અને સતત સાસુની સેવામાં રચી પચી રહે છે. આ જમાનામાં સાસુ-વહુના ઝઘડાના કિસ્સા રોજ સામે આવતા હોય છે, તે જોતાં ખરેખર આ પુત્રવધુ તો ધન્યતાને પાત્ર છે જ સાથે સાથે તેણીને જન્મ આપનાર માતા પણ ધન્ય છે.

હાથની મહેદી પણ નહોતી સુકાઈ અને એક આકસ્મિક ઘટના ઘટી
ખેડા જિલ્લાના નડિયાદમાં પટેલ બેકરી રોડ પરની રામેશ્વર સોસાયટીમાં રહેતા સુમન પટેલના ઘરે પાંચ વર્ષ પહેલાં આભ તૂટી પડ્યો તેવા આકસ્મિક સંજોગો સર્જાયા હતા. સુમન પટેલના દિકરાના લગ્ન થયાને આંગળીના વેઢે ગણાય તેટલા દિવસ વિત્યા હતા. હજુ તો પુત્રવધુના હાથની મહેદી પણ નહોતી સુકાઈ અને એક આકસ્મિક ઘટનાએ સૌને હચમચાવી મુકી દીધા હતા.

સુમન પટેલ અને તેમના પત્ની ઉર્મિલાબેન દેવા મુકામે સ્કુટર લઈને ગયા હતા અને પરત આવતા આ દંપતિને અકસ્માત નડ્યો હતો. જેમાં સુમન પટેલ કરતાં ઉર્મિલાબેન વધુ ઘવાયા હતા. જેના કારણે ઉર્મિલાબેનને પેરાલીસીસ થઈ ગયો હતો. ઘરની સંપૂર્ણ જવાબદારી પુત્રવધુ બંસરીના શીરે આવી ગઈ, નવી પુત્રવધુ ઘરમાં કઈ ચીજ ક્યાં મુકી હોય તે માલુમ નહોતું. પરંતુ બંસરીએ હિંમત ન હારી અને સાસુને આ બીમારીથી વહેલી તકે બહાર લાવવા લક્ષ્ય સાંધી રાત દિવસ સેવા કરવા લાગીવ હતી.

કહેવા છતાં પાંચ વર્ષથી બંસરીએ પિયરનો ઉંબરો પણ નથી જોયો
બંસરીની આ સેવાને જોતજોતામાં પાંચ વર્ષ જેટલો સમય વીત્યો છે, છતાં પણ આજ દિન સુધી બંસરી પોતાના પિયરમાં ગઈ નથી. તેણીએ પિયરની વાટ છોડી રાત દિવસ માતા સમાન સાસુની સેવામાં સમર્પિત થઈ ગઈ છે. લગ્નને પાંચ વર્ષનો સમય વીતી ચૂક્યો પણ બંસરીએ પોતાના માતા-પિતાના ઘરનો ઉંબરો પણ જોયો નથી. સુમન પટેલ અવારનવાર કહે કે, ‘બેટા તુ પિયરમાં થોડો સમય જઇ આવ’ પણ બંસરી ના કહે કે, ‘પપ્પા હું જાઉ તો અહીંયા મમ્મીની દેખભાળ ન થઈ શકે એક સ્ત્રી જ સ્ત્રીની વેદના સમજી શકે’. ધન્ય છે આવી પુત્રવધુને જે દિકરી કરતાં પણ સવાઈ દિકરી બની સાસરીમાં રહે છે.

બંસરીનું સાલ ઓઢાડી સન્માન કરાયું
આજે પીપલગ સમાજ વાડી ખાતે ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ નડિયાદ ઘટક સંલગ્ન સિનિયર સિટીઝન ક્લબ નડિયાદ દ્વારા પુત્રવધુ બંસરી પટેલનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ કાંતિ પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ વી. એમ. પટેલ, ઘટકના પ્રમુખ કલ્પેશ પટેલ, ઉપપ્રમુખ ગીરીશ પટેલ, નિરંજન પટેલ, એન. પી.પટેલ સહિત સમાજના શ્રેષ્ઠિઓએ બંસરીનું સાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું.

error: Content is protected !!