સત્સંગ કરતા કરતા અચાનક ઢળી પડ્યા પ્રભાબેન, દુનિયાને અલવિદા કહેતા પહેલા 5 લોકોને આપતા ગયા નવું જીવન

સુરતવાસીઓ અવારનવાર અંગદાન થકી સેવાની સરવાણી વહાવી રહ્યા છે. માનવતાને મહેકાવતું આવું જ એક પ્રેરક કદમ અંગ દાન મહાદાન ના સૂત્રને સાર્થક બનાવવા માટે સુરતના ભુવા પરિવારે સમાજને એક નવી દિશા આપી છે. સુરતના ભુવા પરિવારે ઉઠાવી સમાજને દિશા ચીંધી છે. સરથાણામાં રહેતાં ધીરૂભાઈ કુરજીભાઈ ભુવાના ૬૩ વર્ષીય બ્રેઈનડેડ પત્ની પ્રભાબેનના કિડની, લિવર અને ચક્ષુઓના દાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

ધીરૂભાઈ નિવૃત્ત જીવન વિતાવે છે, જ્યારે તેમના બે પુત્રો રત્નકલાકાર છે.મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના રહેવાસી લેઉવા પાટીદાર ભુવા પરિવાર વર્ષોથી સરથાણા જકાતનાકા પાસે આવેલી શાંતિવન સોસાયટીમાં રહે છે. ધીરૂભાઈના પત્ની પ્રભાબેન સાંજના સમયે સોસાયટીમાં વડીલ મહિલાઓ સત્સંગ કરી રહ્યા હતા, એ સમયે અચાનક ચક્કર આવતા બેભાન થઈ પડી ગયાં હતાં.

જેથી પરિવારજનો તેમને તાત્કાલિક વરાછાની આસ્થા હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જુરુર હોવાથી તેને વિનસ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. હિતેશ ચિત્રોડાની સારવાર માટે લઈ ગયાં હતાં. જ્યાં સીટી સ્કેનમાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. બીજા દિવસે મેડિકલ ટીમે પ્રભાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા. જેના કારણે પરિવાર ગમગીન બન્યો હતો.

પ્રભાબેનનાં પુત્રોએ જણાવ્યું, અમારી માતા ખુબ જ ધાર્મિક હતા. તેઓ દરરોજ સત્સંગ માં જતા હતા. જયારે તેઓ અંગદાનના સમાચાર સાંભળતા ત્યારે કહેતા કે મૃત્યુ પછી શરીર બળીને રાખ થઈ જાય છે. દરેક વ્યક્તિએ મૃત્યુ પછી અંગોનું દાન કરવું જોઈએ. તે એક મહાદાન છે. આજ આમારા માતાની વાતોને યાદ કરીને અમારા માતાના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. ખુશીથી અંગદાન કરીશું અને માતાની આત્માને શાંતિ મળે આવી પ્રાર્થના ભગવાનને કરીશું.

પરિવારની સંમતિ મળ્યા બાદ નિષ્ણાત ડોકટરોની ટીમે ડોનેટ લાઇફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી પ્રભાબેનના બ્રેઈનડેડ થવાં અંગેની જાણકારી આપી હતી. જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પ્રભાબેનના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. અંગદાન કરવામાં આવે તો પાંચ વ્યક્તિઓને નવજીવન મળી શકે અને પ્રભાબેનના દુઃખદ નિધન બાદ પણ અન્ય વ્યક્તિઓમાં તેમની સ્મૃત્તિ જળવાઈ રહેશે.

સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદી સાથે વાત કરીને ડોનેટ સંસ્થાના પ્રમુખે કિડની અને લિવરના દાન માટે જણાવ્યું. SOTTOએ આ બંને અંગોને અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરને આપ્યા હતા. આ રિસર્ચ સેન્ટરે સુરત આવીને પ્રભાબેનના અંગ દાનનો સ્વીકાર કર્યો. આ 2 કિડની અને લીવરના દાનથી 3 જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળ્યું. જયારે બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયા ને સોંપાયું.

error: Content is protected !!