ભેદ ઉકેલાયો: ભાભીને પામવા માટે ભાઈનો કાંટો કાઢી નાખતો પિતરાઈ ભાઈ, પોલીસે આ રીતે દબોચ્યો

મોરબીઃ મોરબીના લીલાપર રોડ ઉપર ગત મોડી રાત્રે એક યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ હત્યાના બનાવનો પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં યુવાનની પત્ની સાથેના આડા સબંધને લઈને યુવાનની તેના જ પિતરાઈ ભાઈએ હીંચકારી હત્યા કરી હોવાનું ખુલ્યું છે. આથી હાલ પોલીસે આરોપી પિતરાઈ ભાઈને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાસે રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર (ઉ.વ.25)ને ગત મોડીરાત્રે મકરાણી વાસમાં રહેતા તેના જ કાકાના દીકરા સરફરાજ ફિરોઝશા શાહમદારે અચાનક જ ધસી આવીને પેટના ભાગે છરીના ઘા ઝીકી દેતા ગંભીર હાલતમાં ઇમરાન શાહમદારને 108 મારફતે ગંભીર હાલતમાં મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છરીના ઘા ઝીકવાથી ગંભીર રીતે ઘાયલ ઇમરાન શાહમદારને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું મોત નિપજતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.

આ ગંભીર બનાવ મામલે મૃતકના મોટાભાઈ જાવીદશા ઉમરશા શાહમદારની ફરિયાદ સંદર્ભે મોરબી સિટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી હત્યારા પિતરાઈ ભાઈને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

ગત મોડી રાત્રે હત્યાનો બનાવને લઈને એલસીબી, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ડીવાયએસપી રાધિકા ભારાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આરોપી સરફરાઝને મૃતક ઇમરાનની પત્ની ગમતી હતી.આથી સરફારઝે ઇમરાનને તેની પત્ની સાથે સબંધ પૂર્ણ કરી દેવાનું કહ્યું હતું.આથી ઇમરાને આ વાતને નકારી કાઢી હતી.આથી ગુસ્સે ભરાયેલા સરફરાઝે ઇમરાનનું કાસળ કાઢી નાખ્યું હતું. આ હત્યાના બનાવને પગલે એ ડિવિઝન પોલીસે આરોપીને તુરંત જ દબોચી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી છે

error: Content is protected !!