મોટો ઘટસ્ફોટઃ ફેનિલે ગ્રીષ્માની હત્યા ઘર સામે નહીં, પરંતુ આ જગ્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો
સુરતના લસકાણામાં થયેલી ગ્રીષ્મા વેકરિયાની ચકચારી હત્યાથી સૌકોઈ રોષ વરસાવી રહ્યા છે, ત્યારે હાલ હત્યાનો આરોપી ફેનિલ પોલીસની પકડમાં છે. પોલીસે હાલ સમગ્ર કેસમાં યુદ્ધના ધોરણે તપાસ આદરી છે. હત્યાનો આરોપી ફેનિલ માથે કાળ લઈને ફરતો હોવાનું સામે આવ્યું છે. હત્યાના દિવસે પ્લાનિંગપૂર્વક હત્યા કરવાનું નક્કી કરાયું હોય તેમ ફેનિલ સૌપ્રથમ ગ્રીષ્માની અમરોલી ખાતે આવેલી કોલેજ પહોંચી ગયો હતો. ત્યાં ગ્રીષ્માની સહેલીને કહ્યું, મારે તેને મળવું છે, બહાર લઈને આવ.
જોકે ગ્રીષ્માની સહેલીએ કહ્યું હતું કે તે ક્લાસમાં છે એટલે મળી શકશે નહી. બીજી તરફ ગ્રીષ્માએ તેની માસીને કેમ્પસ પર બોલાવીને તેની સાથે ઘરે જતી રહી હતી, જેથી કોલેજમાં તે બચી ગઈ હતી. જોકે માથે કાળ લઈને ફરતો ફેનિલ સાંજના સમયે તેના ઘરે પહોંચી ગયો અને ત્યાં જ જાહેરમાં ગળું કાપી હત્યા કરી નાખી હતી.
12મી ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગ્રીષ્માને મળવા કોલેજ ગયો હતો. ત્યારે કોલેજમાં રોજની જેમ ગ્રીષ્મા કલાસમાં અભ્યાસ કરી રહી હતી. બહાર ગ્રીષ્માની બહેનપણી ફેનિલને મળી હતી. તેણે ગ્રીષ્માને મળવાની વાત કરી હતી. ત્યારે બહેનપણીએ કહ્યું, ગ્રીષ્મા ક્લાસમાં છે, અત્યારે ન આવી શકે.
બીજી તરફ ગ્રીષ્માને જાણ થતાં તેણે માસીને કોલેજ પર લેવા બોલાવી હતી. માસી ગ્રીષ્માને અમરોલી કોલેજ લેવા ન આવી હોત તો કદાચ ફેનિલે ગ્રીષ્માની હત્યા કોલેજ કેમ્પસમાં જ કરી નાખત, તેવો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં સામે આવ્યો છે.
છેલ્લા ઘણા દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પપ્પા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. યુવકે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું.
એ બાદ યુવતીના મોટા પપ્પાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતાં છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતાં યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડાવવા જતાં તેના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
હોસ્પિટલમાંથી ફેનિલ ડિસ્ચાર્જ થતાં જ તેની કામરેજ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેને લઈને આ ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે, જેમાં એક એસપી, બે ડીવાયએસપી, 5 પીઆઈ, પીએસઆઈ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ છે.
પોલીસ તપાસમાં ડિજિટલ એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યા છે તેમજ ફોરેન્સિક વિભાગની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીવાયએસપી બીકે વનારે જણાવ્યું હતું કે હાલ આરોપીની ઓળખ પરેડ કરવાની સાથે ઇન્ટેરોગેશન કરવામાં આવી રહ્યું છે.
આરોપીએ જ્યારે ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે નશો કર્યો હોય એવું હાલ કંઈ સામે આવ્યું નથી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ઝડપથી ચાર્જશીટ ફાઈલ થાય એ માટેના પ્રયાસ કરાયા છે.