રાજકોટમા સળગતા પાન પછી હવે સળગતી પાણીપૂરીનો લાગ્યો ચસ્કો, ખાવા માટે લાગી લાંબી લાઈનો

રાજકોટ: ગુજરાતમાં શહેરથી માંડી ગામડાં અને ગલીએ ગલીએ લોકોની સૌથી વધુ પ્રિય ખાણીપીણી હોય તો એ છે પાણીપૂરી. સાદી પાણીપૂરી, રગડો પાણીપૂરી, સેવપૂરી, દહીંપૂરી, પાપડીપૂરી સહિત અનેક પાણીપૂરી પાણીના વિવિધ ફ્લેવર સાથે ગુજરાતીઓ ગપાગપ આરોગે છે, પરંતુ તમે સાંભળ્યું પણ નહીં હોય અને જોયું પણ નહીં હોય કે સળગતી પાણીપૂરી પણ મળી શકે. જી હા, સૌરાષ્ટ્રના પાટનગર સમાન રંગીલા રાજકોટમાં સળગતા પાન બાદ સળગતી પાણીપૂરીની મિજબાની પણ સ્વાદરસિકો માણી રહ્યા છે. શહેરના કાશ્મીરાબેન રાઠોડ ફાયર પાણીપૂરી બનાવે છે અને લોકો ખાવા માટે અધીરા બને છે. કાશ્મીરાબેનની કપૂરવાળી પાણીપૂરીએ આગ લગાવી છે અને કડકડતી ઠંડીમાં રાજકોટિયન્સને સળગતી પાણીપૂરી ખાવાનું ઘેલું લાગ્યું છે.

રાજકોટની સ્વાદપ્રિય લોકો માટે જીવન માંગલીય ટ્રસ્ટ દ્વારા રેસકોર્સના બાલભવનમાં ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ખાન-પાનની જુદી જુદી વાનગીઓ અને એને બનાવવા માટેના ઓર્ગેનિક ચીજવસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાની વિશેષતા એ હતી કે સળગતી પાણીપૂરીનો સ્વાદપ્રેમી જનતાએ ભરપૂર લાભ લીધો હતો.

સળગતી પાણીપૂરી બનાવતાં કાશ્મીરાબેન રાઠોડે જણાવ્યું હતું કે હું ઘણા સમયથી સૌરાષ્ટ્રભરમાં યોજાતા મેળાઓમાં ખાસ પાણીપૂરી સ્ટોલ રાખું છું. કંઇક નવું આપવાની મહેચ્છાથી સળગતી પાણીપૂરી 7 જાન્યુઆરીથી યોજાયેલા આ મેળામાં શરૂઆત કરી હતી. આ પાણીપૂરીમાં બટાટાં, ચણા, દહીં, લાલ-લીલી ચટણી, બુંદી, ગુલકંદ સહિતની ચીજવસ્તુઓ નાખવામાં આવે છે.
આ ફાયર પાણીપૂરી ખાનારી વ્યક્તિના મોંમાં મૂકવામાં આવે છે, પરંતુ તેને કોઇ દાઝી જવા જેવી કોઇ અસર થતી નથી. 7 જાન્યુઆરીથી ત્રણ દિવસના આ મેળામાં ફાયર પાણીપૂરીની અનેક લોકોએ મોજ માણી હતી અને તેમાં સૌથી વધુ બહેનો હતી.

કાશ્મીરાબેન સળગતી પાણીપૂરી બનાવવાની રીત સમજાવતાં જણાવ્યું હતું કે સળગતી પાણીપૂરીમાં બટાટાંનો મસાલો, ચણા, ડુંગળી પૂરીમાં ભરવામાં આવે છે, બાદમાં મસાલો ભરેલી પૂરીમાં પાણી ભરવામાં આવે છે. બાદમાં પાણીપૂરી પર પ્રાકૃતિક કપૂર મૂકવામાં આવે છે અને બાદમાં લાઇટરથી કે દીવાસળથી એને સળગાવી ગ્રાહકના મોઢામાં મૂકવામાં આવે છે.

સળગતી પાણીપૂરી જેવી ગ્રાહકના મોઢામાં જાય ત્યારે મોઢું બંધ કરવાથી આગ ઓલવાય જાય છે અને ધુમાડા બહાર નીકળે છે. આ સળગતી પાણીપૂરીનો ગ્રાહકોને અલગ જ ટેસ્ટ આવે છે. પ્રાકૃતિક કપૂર ખાય પણ શકાય છે, જેનાથી શરીરને ફાયદા પણ થાય છે.

કાશ્મીરાબેને વધુમાં જણાવ્યું હતું કે પાણીપૂરીના ચાહકોની સંખ્યા દેશમાં ખૂબ છે. લગભગ કોઈ એક એવી વ્યક્તિ નહિ મળે, જેને પાણીપૂરી પસંદ નહીં હોય. મોટા ભાગના લોકોને તીખી, મીઠી અને ઠંડા પાણી સાથે પાણીપૂરી પસંદ હોય છે, પરંતુ કોઈ સળગતી પાણીપૂરી ખાય તો? હા, સળગતી પાણીપૂરી. રાજકોટમાં કપૂરવાળી પાણીપૂરીએ આગ લગાડી છે. હું આવા મેળા અને ઘર ઘરાવ જ સળગતી પાણીપૂરીનું વેચાણ કરું છું.

પાનના બીડામાં જો અગનજ્વાળા નીકળતી હોય અને એને મોંઢામાં મૂકતાં ઠંડકનો અનુભવ થતો હોય તો એ ખરેખર આશ્ચર્યની વાત છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક દુકાનમાં આવાં પાન મળે છે. દુકાનમાલિક 47 વર્ષથી પાનની દુકાન ચલાવે છે. લાંબા અનુભવ બાદ તેમણે 7 વર્ષ પહેલાં નવો પ્રયોગ કર્યો અને ફાયર પાન બનાવવાની શરૂઆત કરી હતી.

એક વખત મોંમાં સળગતું પાન જાય એટલે એક સેકન્ડમાં આગ ઠરી જાય અને પછી એની સ્મેલ ગળામાં ઊતરે ત્યારે વર્ણવી ન શકાય તેવા અદભૂત સ્વાદનો અનુભવ થાય છે.. પાન ઉપર લવિંગ લગાવીને એને સળગાવવામાં આવે છે, એ આયુર્વેદિક ઔષધિનું કામ કરે છે. અત્યારે પણ સળગતું પાન રાજકોટમાં મળી રહ્યું છે.

error: Content is protected !!