ઘોડે ચડી પરણવા જાય તે પહેલા જ જવાનને મળ્યું મોત, લગ્ન ગીતોને બદલે મરશિયા ગવાયા
એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. પટનામાં એક પોલીસ જવાનનું હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ 24 કલાકમાં જ મોત નીપજ્યું છે. હેર ટ્રાન્સપ્લાન્ટ બાદ યુવક પોતાના કેમ્પ પર ગયો હતો. રાતમાં તેના માથામાં અને છાતીમાં અચાનક દુખાવો થવા લાગ્યો. સ્થિતિ ગંભીર લાગતાં સાથી જવાનો તેને હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર પર લઈ ગયા, જ્યાંથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન જવાનનું મોત થયું હતું.
BSAP (બિહાર સ્પેશિયલ આર્મ્ડ પોલીસ)માં તહેનાત 28 વર્ષીય મનોરંજન પાસવાનના 11 મેના રોજ લગ્ન થવાના હતા. તેના માથાની આગળની બાજુના વાળ ખરી ગયા હતા, તેથી તેણે લગ્ન પહેલાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો નિર્ણય લીધો હતો. નાના ભાઈ ગૌતમ કુમાર (બિહાર પોલીસમાં સબ-ઈન્સ્પેક્ટર)એ જણાવ્યું હતું કે મનોરંજન પટનાના બોરિંગ રોડ સ્થિત હેર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ સ્કિન કેર સેન્ટરમાં સારવાર કરાવી રહ્યો હતો.
9 માર્ચે તેનું હેર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ત્યાર બાદ તે શેખપુરા પરત ફર્યો હતો. રાતમાં અચાનક માથામાં દુખાવો થવા લાગ્યો તો સાથી જવાન તાત્કાલિક સ્કિન કેર સેન્ટર લઈ ગયા. સ્થિતિ ગંભીર જોઇ સ્કિન કેર સેન્ટરના લોકોએ તેને રુબન હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, પરંતુ ગુરુવારે મોડી રાતે તેનું મોત થયું.
ઘટના બાદ પરિવારજનોએ હોબાળો મચાવ્યો. તેઓ સ્કિન કેર સેન્ટર પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યા હતા. નાના ભાઇએ જણાવ્યું હતું કે ભાઈના મોત બાદ સ્કિન કેર સેન્ટરના માલિકનો ફોન બંધ આવી રહ્યો છે. સેન્ટર અત્યારે બંધ છે. મામલાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. નાના ભાઈએ સ્કિન કેર સેન્ટરના સંચાલક પર કાર્યવાહી કરવાની માગ કરી છે.
મૃતકના ભાઈ ગૌતમે જણાવ્યું હતું કે ભાઈના લગ્ન 11મેના રોજ થવાના હતા. એ માટે દરેક પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી હતી. કંકોત્રી પણ છપાવવા આપી દીધી હતી. ભાઈએ થોડા દિવસો પહેલાં જ નિર્ણય લીધો હતો કે માથાના આગળના ભાગમાં વાળ ખરી રહ્યા છે તો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી દઉં.
હપતામાં ફી ચૂકવી હતી
ભાઈએ જણાવ્યું હતું કે સ્કિન કેર સેન્ટરમાંથી હેર ટ્રાન્સપ્લાન્ટ 51,000 રૂપિયામાં નક્કી થયું હતું. ડાઉનપેમેન્ટના રૂપે મનોરંજને 11,767 રુપિયા ઓનલાઈન પેમેન્ટ પણ કર્યા હતા અને બાકીના પૈસા 4000 રૂપિયા પ્રતિ મહિનાની EMIમાં ચૂકવવાના નક્કી થયા હતા.