પ્રેમીપંખીડાએ ઝાડ પર ગળાફાસો ખાઈ લીધો, આમ કરવા પાછળનું કારણ વાંચીને જ ધ્રુજી જશો

એક ચોંકાવી દેતો બનાવ સામે આવ્યો છે. કાલોલ તાલુકાના ઘૂસર ગામે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની પાછળના સ્મશાન પાસે પ્રેમીપંખીડાંએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં લોકટોળું એકત્ર થયું હતું. વેજલપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને નીચે ઉતારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બંનેએ સ્મશાન નજીક એક વૃક્ષની ડાળ પર ઓઢણીઓ બાંધી એકસાથે ગળાફાંસો ખાઈ લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ડાળ પર ઓઢણીઓ બાંધી એકસાથે ફાંસો ખાધો
કાલોલ તાલુકાના એક ગામની સગીરા અને ડેરોલ સ્ટેશન પાસે આવેલા ખંડીવાડ ગામના ગુનાહિત ભૂતકાળ ધરાવતા યુવક સતીષ જાલમભાઈ રાઠોડ (ઉં.વ. 22) વચ્ચેના પ્રેમસંબંધનો સામાજિક સ્વીકાર નહીં થતાં બંને ઘૂસરના જંગલમાં આવેલા ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યાં હતાં. સાથે જીવી શકાય એમ ન હોવાથી મહાદેવની સાક્ષીમાં સાથે મોત વહાલું કરવાનું નક્કી કરી બંનેએ મંદિર પાછળ આવેલા સ્મશાન નજીક એક વૃક્ષની ડાળ પર ઓઢણીઓ બાંધી એકસાથે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો.

બંને મૃતદેહોને ઉતારી પીએમ માટે મોકલાયા
ઘટનાની જાણ આસપાસના રહીશોને થતાં ઘટનાસ્થળે લોકટોળાં ઊમટ્યાં હતાં. જાણ કરવામાં આવતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને ઉતારી પીએમ માટે મોકલ્યા હતા. ઉપરાંત તપાસ કરતાં યુવક ખંડીવાડ ગામનો અને સગીરા કાલોલ તાલુકાના એક ગામની હોવાનું જાણવા મળ્યું છે.

યુવક દુષ્કર્મના કેસમાં જેલમાં ગયો હોવાનું જાણવા મળ્યું
ખંડીવાડના યુવકનો સગીરા સાથેનો પ્રેમ લગ્નમાં પરિણમ્યો નહોતો. સાથે જીવી નહીં શકતાં બંનેએ સાથે મોતને વહાલું કરવાનો અંતિમ નિર્ણય લીધો હતો. ખંડીવાડનો આ યુવક પહેલાં હાલોલ જીઆઇડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. યુવક પોતાનું ગામ છોડી સગીરાના ગામે રહેતો હતો, જ્યાં તેની આંખ નવમા ધોરણમાં ભણતી સગીરા સાથે મળી જતાં બંને વચ્ચે પ્રેમના બીજાંકુર જન્મ્યા હતા.

સગીરાના પિતા-ભાઈએ યુવક સામે રોષ ઠાલવ્યો
પુત્રી સગીરા હોવાથી તેમજ યુવકની (ઉંમર) 22 વર્ષની હોવાથી અને તેનો ભૂતકાળ જોતાં બંનેના સંબંધ પર સગીરાના પરિવારજનો લગ્નની મહોર મારે તેમ નહોતા, જેને પગલે સમાજ બંનેના પ્રેમસંબંધને સ્વીકારશે નહીં એવા ડરથી બંનેએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ સગીરાના પરિવારને થતાં તેના પિતા અને ભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે યુવક પર રોષ ઠાલવતાં યુવક તેનું ગામ છોડી અહીં રહેવા આવ્યો અને અમારી દીકરીને ભરખી ગયો એવી વેદના વ્યક્ત કરી હતી.

સતીષ રાઠોડ અને સગીરા મોડી રાત્રે ઘરેથી નીકળ્યાં હતાં અને ઘૂસર પહોંચી જીવનનો અંત લાવવાનું નક્કી કરી બંનેએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટના અંગે વેજલપુર પોલીસ સબ-ઈન્સ્પેક્ટર મયૂર જાદવે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!