રાજકોટમાં બ્રેનડેડ જુવાનજોધ દીકરાનાં અંગોનું માતા-પિતા અને બહેને ભારે હૈયે દાન કર્યું, જાણો કયા અંગો ક્યાં દાન કરાયા
રાજકોટઃ જામનગરમાં દીપક ત્રિવેદી નામના યુવાનને બ્રેનસ્ટ્રોક આવ્યો હતો, આથી તેને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલ લવાયો હતો, પરંતુ તબીબોએ બ્રેનડેડ જાહેર કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જોકે દીપક તેમના નામના અર્થ મુજબ બીજાના જીવનમાં પ્રકાશ પ્રજ્વલિત કરીને કાયમ જીવંત રહી શકે એ માટે પરિવારજનોએ તેનાં અંગોનું દાન કરવા નિર્ણય કર્યો હતો. આજે બપોરે અમદાવાદની સિમ્સ હોસ્પિટલની ટીમ રાજકોટ આવી હતી અને દીપકનું ધબકતું હૃદય બહાર કાઢ્યું હતું.
બાદમાં સિનર્જી હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફત ધબકતું હૃદય સાડાછ મિનિટમાં એરપોર્ટ પહોંચાડ્યું હતું અને ત્યાંથી બાય એર અમદાવાદ રવાના થયું છે. આ ઉપરાંત બે કિડની, લિવર અને બે આંખનાં દાન થકી દીપક 6 વ્યક્તિમાં જીવિત રહેશે.
જામનગરની પંચવટી સોસાયટીમાં રહેતા દીપક ત્રિવેદી નામના યુવાનને સોમવારે સવારે તેમના ઘરે અચાનક માથું દુખવા લાગતાં ઊલટી થવા લાગી હતી. બાદમાં જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ રાજકોટની સનર્જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
અહીં ગઇકાલે બપોરે ટૂંકી સારવાર બાદ તેને બ્રેનડેડ જાહેર કરાયો હતો. આજે પરિવારજનો દ્વારા તેમનાં અંગોનું દાન કરવા નિર્ણય કરાયો હતો. દીપકનાં અંગો થકી બીજી 6 જિંદગીને નવજીવન મળશે. તેમના પુત્રને હંમેશ માટે જીવંત જોવા પરિવારે આ નિર્ણય કર્યો હતો.
દીપકના પિતા કિશોરચંદ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારો પુત્ર દીપક તેમના નામના અર્થ મુજબ બીજા 6 લોકોની જિંદગીમાં પ્રકાશ પ્રજ્વલિત કરી નવજીવન આપશે. તેનાં અંગોનું દાન કરવામાં આવ્યું છે અને એના થકી બીજાની જિંદગીમાં કાયમ જીવંત રહેશે. તેનાં અંગો થકી બીજા લોકોના શરીરમાં અમે તેને કાયમ જીવંત જોઈશું. ભગવાન તેના આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના છે.
ઉલ્લેખનીય છે કે દીપક અપરિણીત હતો અને બી.કોમ. સુધી અભ્યાસ કરી પ્રાઇવેટ નોકરી કરતો હતો. દીપક ત્રણ ભાઇ-બહેનમાં સૌથી મોટો હતો. 42 વર્ષની ઉંમરે બ્રેનસ્ટ્રોકને કારણે બ્રેનડેડ જાહેર થતાં આજે પરિવારજનોએ અંગદાન અંગે નિર્ણય કર્યો હતો અને 6 લોકોને નવજીવન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સિનર્જી હોસ્પિટલ ખાતેથી અગાઉ બે વખત કિડની ડોનેટ અમદાવાદ ખાતે કરવામાં આવી હતી, જ્યારે હૃદય અને લિવરનું પ્રથમ વખત ડોનેશન કરવામાં આવ્યું હતું.
સિનર્જી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો.સુરસિંહ બારડે જણાવ્યું હતું કે જામનગરના દીપક ત્રિવેદી નામના દર્દીને નાની ઉંમરે બ્રેનસ્ટ્રોકને કારણે બ્રેનડેડ જાહેર થતાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા પરિવારને અંગદાન અંગે જાગ્રત કર્યો હતો.
પરિવારજનોએ 6 અંગનું દાન કરવા નિર્ણય કરવામાં આવતાં આજે ગ્રીન કોરિડોરની મદદથી હૃદયને બાય એર અમદાવાદ સિમ્સ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે બે કિડની, લિવર ઝાયડસ હોસ્પિટલ ખાતે બાય રોડ પહોંચાડવામાં આવશે અને દર્દીની બંને આંખનું રાજકોટમાં દાન કરવામાં આવશે.