સુરતમાં 14 વર્ષીય વિદ્યાર્થિનીએ ઘરમાં ગળાફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યું, માતાનું હૈયાફાટ રૂદન, કારણ અકબંધ

સુરત: સુરતના પાંડેસરામાં એક 14 વર્ષની વિદ્યાર્થિનીએ ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં સરી ગયો હતો. ત્રણ સંતાનોમાં બીજા નંબરની દીકરીના આપઘાતને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. દુઃખમાં સરી પડેલી માતા એ કહ્યું હતું કે બપોરના ભોજન બાદ સૂઈ ગયા અને સાંજે ઉઠ્યા તો ઘર આંગણે બેઠી હતી ત્યારે એકની એક દીકરીએ ઘરને અંદરથી બંધ કરી મોતને વ્હાલું કરી લીધું આવું કરવા પાછળનું કોઈ કારણ જ ન કહ્યું.

દુપટ્ટાને હુક વડે બાંધી આપઘાત કરી લીધો
પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે માસૂમ કિશોરીએ દુપટ્ટાને હુક વડે બાંધી આપઘાત કરી લીધો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી છે. પરિવારે જણાવ્યું હતું કે 14 વર્ષની એકની એક દીકરી ધોરણ-7માં અભ્યાસ કરતી હતી. આજથી શાળાએ જવાની હોવાથી એની તૈયારી કરતી હતી. મંગળવારની બપોરે ભોજન કરી આખું પરિવાર આરામ કરવા ચાલી ગયું હતું. ત્યારબાદ સાંજે 4 વાગે જાગીને ઘર આંગણે બેઠાં હતા.

દીકરી લટકતી હાલતમાં મળી આવી
પરિવારે વધુમાં જણાવ્યું હતું કે થોડીવાર બાદ નાના દીકરાએ બંધ દરવાજો ન ખોલતી બહેનને લઈ બુમાબુમ કરતા બધા દોડી આવ્યા હતા. દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા દીકરી લટકતી મળી આવી હતી.

પપ્પાની લાડકી દીકરીના આપઘાતની વાત સાંભળી પિતા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. કોઈ પણ પ્રકારની તકલીફ ન હોવા છતાં દીકરીએ આપઘાતનો રસ્તો અપનાવ્યો હતો. પાંડેસરા પોલીસ જ હવે તપાસ કરી ને કહે તો ખબર પડે કે આપઘાતનું કારણ શું હોય શકે.

error: Content is protected !!