રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના લગ્નમાં જાજરમાન જલસો, 65 ફ્લેવરની ચા, 18000 ની થાળી, નોંધાયા બે વર્લ્ડ રેકોર્ડ

રાજકોટઃ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી અને સોનલબેન ઉકાણીના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હિમાંશી સાથે રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાઇ રહ્યા છે. ગઇકાલથી શરૂ થયેલા શાહી લગ્નોત્સવનો આજે બીજો દિવસ છે. ગઇકાલે પહેલા દિવસે આ જાજરમાન લગ્નમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. જેમાં 65 ફ્લેવરની ચા પીરસવામાં આવતા અને વિશ્વનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ વરઘોડિયાને આપવામાં આવતા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ગઇકાલે બાન લેબ્સ દ્વારા દુનિયાનું સૌથી મોટુ ગિફ્ટ બોક્સ જય અને હિમાંશીને આપવામાં આવ્યું હતું. જેની સાઇઝ 12x12x12 ફૂટ હતી. આ ગિફ્ટ બોક્સ વિશ્વનું સૌથી મોટુ જાહેર થતા જ તેને પણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

આ બંને વર્લ્ડ રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સિનિયર જુરી મેમ્બરની ટીમ જોધપુરના ઉમેદભવન પેલેસ હોટેલ ખાતે ઉપસ્થિત રહી હતી અને બંને રેકોર્ડના સર્ટિફિકેટ મૌલશ ઉકાણીને એનાયત કરવામાં આવ્યા હતા.

જાજરમાન લગ્નોત્સવમાં આજે પ્રથમ દિવસે, એટલે કે ગઈકાલે સાંજે મહેંદી અને સંગીત સેરેમની યોજાવાની છે, જેને રાજસ્થાની રજવાડી લુક આપવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરે 3.15થી 6.15 વાગ્યા સુધી ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સ ખાતે મહેંદી રસમ યોજાઈ હતી.

સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી તથા બાદમાં રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ગુજરાતની જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે પોતાના સૂર રેલાવ્યા હતા.

ત્રિ- દિવસીય ફંક્શનનો ગઈકાલથી પ્રારંભ થયો છે. શનિવારે ઉકાણી પરિવાર અને આમંત્રિત મહેમાનો રાજસ્થાનના ઉમેદભવન પેલેસ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમનું રજવાડી સ્ટાઇલથી વાજતેગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગઇકાલે મહેંદી રસમ તેમજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં ઐશ્વર્યા મજમુદાર સાથે રાસની રમઝટ જામી હતી. જ્યારે આજે 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિએ બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવશે.

શનિવારે સવારે રાજકોટ એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેન મારફત જય ઉકાણી અને પરિવાર તેમજ આમંત્રિત મહેમાનો રાજસ્થાન જવા રવાના થયા હતા, જ્યાં પહોંચતાં ઉમેદભવન પેલેસ ખાતે તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

એમાં મહેમાનોનું સ્વાગત પ્રથમ પતિયાલા બેન્ડ પછી રોયલ નગારાં અને બ્યૂગલથી કરવામાં આવ્યું હતું, સાથે જ પેલેસની અંદર પ્રવેશ કરતાં રોયલ રાજસ્થાની ડાન્સ અને ગરબા રમ્યા હતા.

error: Content is protected !!