તાલિબાનના ચુંગાલમાંથી નવસારીના બે યુવાનોની વતનવાપસી, એક અમેરિકન એમ્બેસીમાં તો બીજો યુરોપિયન કંપનીમાં નોકરી કરતો હતો
નવસારીઃ નવસારી જિલ્લાના બીલીમોરા અને ચીખલીના બે યુવાનો અફઘાનિસ્તાનથી પરત ફરતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે. હાલ કેટલાય ભારત સહિતના દેશોના વિદેશીઓ ત્યાં ફસાયા છે. જેમને પોતાના દેશ પરત લાવવા દરેક દેશની સરકાર જોર લગાવી રહી છે. ગણદેવી તાલુકાના બીલીમોરા નજીકના નાંદરખા ગામે ઉંટડી ફળિયામાં રહેતો મનુભાઈ છગનભાઇ પટેલ (ઉ.વ. 51)એ છેલ્લા 8 વર્ષથી વર્ષ-2013થી અફઘાનિસ્તાન કાબુલ સ્થિત અમેરિકન એમ્બેસી (રાજીકીય દુતાવાસ)નાં જનરલ મેઈન્ટેનન્સ વિભાગમાં ફરજ બજાવે છે.
અફઘાનિસ્તાનમાં અમેરિકા એમ્બેસીમાં નોકરી કરતા મનુભાઈ પટેલ પણ સ્વદેશ આવવા આતુર બન્યાં હતા. અફઘાનિસ્તાન સ્થિત અમેરિકન એમ્બેસીમાં ફરજ બજાવનાર મનુભાઈ સહિત તમામ સ્ટાફને અમેરિકન આર્મીએ 14મી ઓગસ્ટની રાત્રે અફઘાનિસ્તાનના પડોશી દોહામાં કાર્ગો વિમાનમાં તેમના સહિતના સરકારી સ્ટાફને હેમખેમ એરલિફ્ટ કર્યા હતા. દોહાથી તેમને વિસ્તારા એરલાઇન્સમાં 22મી ઓગસ્ટે વહેલી સવારે દિલ્હી એરપોર્ટ ઉપર ઉતારાયા હતા. જ્યાં તેમનો કોરોનાનો ટેસ્ટ બાદ તેઓ સોમવારે વતન નાંદરખા ગામે પહોંચ્યા હતા.
પરિવાર સાથે મિલન થતા એકદમ ભાવવિભોર દૃશ્યો સર્જાયા હતા. મનુભાઈ પટેલના પરિવારજનોમાં ધર્મપત્ની કલાવતીબેન પટેલ, પુત્રી પ્રિયાંશી, યશ્વી અને પુત્ર શિવ તેમજ સગાસંબંધીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરિવારના મોભીની વતન વાપસી થતા પરિવારમાં હર્ષના આંસુ છલકાય ગયા હતા.અફઘાનિસ્તાન ઉપર તાલિબાનોએ કબ્જો કર્યા બાદ ભારે અંધાધૂંધી સર્જાતા અહીંથી નોકરી ધંધા અર્થે ગયેલાના પરિવારજનો ચિંતાતુર બન્યાં હતા. ચીખલીના મણીયાર સ્ટ્રીટમાં રહેતા ડેરીક કિશોરભાઈ લાડ વર્ષ-2017મા નોકરી અર્થે અફઘાનિસ્તાન ગયા હતા.
દરમિયાન થોડા સમય પહેલા પરિવારના સભ્યનું નિધન થતા પરત આવી ફરી 15થી 20 દિવસ પૂર્વે જ અફઘાનિસ્તાન ગયો હતો. ડેરીકભાઈ લાડ કાબુલ એરપોર્ટ ઉપર નાટો દેશોના બેઇઝ કેમ્પમાં ઇકોલમ ઇન્ટરનેશનલ નામની યુરોપિયન કંપનીમાં ફાયર એલાર્મ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો હતો. હાલ અફઘાન પર તાલિબાનોના કબ્જા બાદ ચીખલી સ્થિત તેમના પરિવારજનો ચિંતિત બન્યા હતા. આ દરમિયાન ડેરીક લાડના જણાવ્યાનુસાર અફઘાનમાં ફસાયેલા ભારતીયોની મદદે ભારત સરકાર આવી હતી અને ઇન્ડિયન એમ્બેસી દ્વારા દરેક પ્રકારની મદદ કરી હતી.
તેમની કંપની દ્વારા જ તેઓના 160 જેટલા ગ્રુપને ત્રણ ગ્રુપમાં યુએસના કાર્ગો વિમાનમાં કાબુલ એરપોર્ટ પરથી કતાર લાવવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસના રોકાણ દરમિયાન સરકાર દ્વારા બધી જ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદમાં કતારથી ભારત સરકારના ટાટા વિસ્તારા એરલાઇન્સમાં તેઓને દિલ્હી અને ત્યારબાદ ત્યાંથી સુરત વિમાન માર્ગે લાવી મંગળવારે સવારના સમયે ચીખલી મણીયાર સ્ટ્રીટ પોતાના ઘરે હેમખેમ આવી પહોંચ્યા હતા.
સરકારનો પૂરતો સહયોગ મળ્યો
ડેરીક લાડના જણાવ્યાનુસાર હાલ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારત સરકારની ખૂબ સહાય મળી છે. મારી સાથે એક બીલીમોરા અને વલસાડના માલવણનો એક એમ ત્રણ જેટલા અફઘાનથી સાથે માદરે વતન આવ્યા છે અને રાહતની લાગણી અનુભવી રહ્યાં છે.