દીકરી જન્મદિવસની કેક કાપે તે પહેલા પિતાએ જીવન ટૂંકાવ્યું, કારણ જાણી પરિવાર સ્તબ્ધ
સુરતના નવાગામમાં એક પિતા એકની એક દીકરીના જન્મ દિવસની કેક કાપવાના 30 મિનિટ પહેલા જ પરિવારને રસોડામાંથી બહાર કાઢી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. પરિવારે જણાવ્યું હતું કે, બે વર્ષથી આર્થિક ભીંસમાં હતા. બીજી બાજુ TBની બીમારીમાં સપડાયા હતા. 24 મહિનામાં ત્રણથી ચાર વાર પરિવારને ઘર બહાર કાઢી દરવાજો બંધ કરી દેતા હતા. 30 મિનિટ બાદ ખોલી દેતા હતા.જો કે આ વખતે તેઓએ આપઘાત કરી લીધો હતો.
પરિવારે જણાવ્યું હતું કે, મોતને વ્હાલું કરનાર પ્રવીણ પીતાંબર શિરસાડ (ઉ.વ.આ.39) રહે. ગોવર્ધન નગર નવાગામના રહેવાસી અને મહારાષ્ટ્રના વતની હતા. એક દીકરી અને એકના એક દીકરાના પિતા હતા. મોપેડ અને બાઇક રીપેરીંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગતરોજ સાંજે પ્રવીણભાઈ દારૂના નશામાં ઘરે આવ્યા હતા. ત્યારબાદ રસોડામાં કામ કરતા પરિવારને બહાર કાઢી દરવાજો અંદરથી બંધ મરી દીધો હતો. ઘણા સમય બાદ દરવાજો ન ખોલતા દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા પ્રવિણભાઇ ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા.
બે વર્ષથી પ્રવિણભાઈ TB ની બીમારીમાં સપડાયા હતા. જેથી દારૂ પીવાના રવાડે ચડી ગયા હતા. પત્ની સંગીતા સાથે અવાર નવાર નાની નાની રકમની માગણી કરી માથાકૂટ કરતા હતા. ખાનગી કંપનીમાં કામ કરતા સંગીતબહેન ઘર ચલાવવાની સાથે વતન મહારાષ્ટ્રમા અભ્યાસ કરતા દીકરાનો ભણવાનો ખર્ચ પણ કાઢતા હતા.રવિવારના રોજ એકની એક દીકરીનો જન્મ દિવસ હોવાથી માતા સંગીત બહેન બજારમાંથી કેક બનાવવાનો સમાન લઈ આવ્યા જતા અને ઘરમાં જ પરિવાર સાથે ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. જોકે સંપૂર્ણ તૈયારી થઈ ગયા બાદ દીકરી મામાને બોલાવવા ગઈ હતી. એવા સંજોગોમાં પ્રવીણભાઈ ઘરે આવી રસોડામાં ફાંસો ખાઈ લેતા પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.