એકના પત્નીની રાજકારણમાં જવાની ના તો બીજાને રાજકારણમાં જ થયો પ્રેમ, આવી છે બે દિગ્ગજોની લવ સ્ટોરી

પ્રેમની અભિવ્યક્તિ કરવાનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે, આજે વેલેન્ટાઈન્સ ડેના દિવસે અમે તમને ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવતા એક રાજકારણી અને બીજા લેઉવા પટેલ સમાજના અગ્રણીના જીવનની વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક પૂર્વ સીએમ વિજય રૂપાણી છે અને બીજા સીએમ પદના દાવેદાર નરેશ પટેલવી વાત થઈ રહી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી અને ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલની જેઓ રાજકારણમાં સક્રિય થવાના હોય તેવા પડઘમ વાગી ચૂક્યા છે. બંનેના જીવનમાં પ્રેમનું અનેરૂ મહત્વ છે તો શું છે તેમની લવ સ્ટોરી ચાલો જાણીએ.

રૂપાણીને લગ્ન પહેલા જ પ્રેમ થયો
રાજકોટ ગુજરાતના પૂર્વ સીએમ વિજયભાઇ રૂપાણીને લગ્ન પહેલા જ અંજલીબેન સાથે પ્રેમ થયો હતો. બાદમાં વડીલોની સહમતિ અને મંજૂરી લઈ વિધિવત લગ્ન થયા હતા. રૂપાણી રાજકોટમાં પરિવાર સાથે રહેવા 1960થી આવી ગયા હતા. તેઓ જન્મે બર્મીસ છે પણ કર્મે ગુજરાતી છે. પ્રેમપ્રકરણની જેમ રાજકારણમાં પણ સફળ રહ્યા છે. સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.

કેવી રીતે પ્રેમ થયો
વિજય રૂપાણીની જેમ અંજલીબેન પણ પહેલેથી રાજકારણ સાથે જોડાયેલા છે. તેઓ જનસંઘના કાર્યકર પણ હતા. વિજયભાઇ કાર્યકર કમ સંઘના જૂના પ્રચારક હતા. તે સમયથી એવી સિસ્ટમ હતી કે, પ્રચારકો જે કોઇ ગામમાં પ્રચાર કરવા જાય ત્યાં મુખ્ય કાર્યકરના ઘરે જમવા જાય. વિજયભાઇ અમદાવાદ અવારનવાર પ્રચાર અર્થે જતા. અંજલીબેનના પિતા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર. આ વાતને લઇ વિજયભાઇ ત્યાં અનેક વખત જમવા ગયા હતા. આ સમયગાળામાં વિજયભાઇ અને અંજલીબેન વચ્ચે પ્રેમ પાંગર્યો. અંતે વડીલોની સહમતી અને મંજૂરી લઇ વિધિવત લગ્ન કર્યા. અંજલીબેન ભાજપ મહિલા પાંખના સભ્ય છે.

દીકરી અને જમાઈ લંડનમાં CA
મુખ્યમંત્રી વિજય રૂપાણીની દીકરી રાધિકાના લગ્ન નીતિન મિશ્રા સાથે થયા છે. હાલ રાધિકા અને નીતિન લંડનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેને સંતાનમાં એક દીકરો છે. તેમજ રૂપાણીનો દીકરો રૂષભ હાલ નિરમા યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યો છે.

અંતે પ્રપોઝ પણ મેં જ કર્યું: શાલિનીબેન પટેલ
લેઉવા પટેલ સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશ પટેલે લવ મેરેજ કર્યા છે. તેમણે અને તેની પત્નીએ પોતાની લવ સ્ટોરીની નિખાલસ પણે ખાનગી મિડીયા સાથે વાત કરી હતી. પત્ની શાલિનીબેન હરિયાણાના જૈન પરિવારના દિકરી છે. તેને નિખાલસપણે વાત કરી કે, હું એમનાથી સવા વર્ષ મોટી છું. એસવાયબીકોમમાં તે મારી પાછળ પાછળ ફરતા. એકવાર મેં કહ્યું કે શું પાછળ આવો છો, અંતે પ્રપોઝ પણ મેં જ કર્યું.

પરસ્પરનો વિશ્વાસ અને બન્નેની ફ્રિડમ
નરેશ પટેલ અને તેમના પત્નીએ જણાવ્યું હતું કે, કોલેજમાં અભ્યાસ વખતે જ નરેશ પટેલને શાલિનીબેન સાથે પ્રથમ નજરમાં પ્રેમ થઇ ગયો હતો. બન્ને છે છેલ્લી બેન્ચે જ બેસતા, 1984માં અમે લવ મેરેજ કર્યા. તે સમયે પટેલ સમાજમાં લવ મેરેજ બહુ મોટી વાત ગણાતી. થોડી પરિવારને સમજાવટ બાદ લગ્ન થયા, માત્ર પ્રેમલગ્ન થઇ જાય એટલે વાત પૂરી નથી થતી. પરંતુ તેને સફળ બનાવવા પરસ્પરનો વિશ્વાસ અને બન્નેને ફ્રિડમ મહત્વનો ભાગ ભજવે છે.

લવ મેરેજમાં સ્ત્રીપાત્રે જ વધુ જતું કરવું પડે છે
ખોડલધામ નરેશ પટેલે નિખાલસતા સાથે વધુમાં જણાવ્યું હતું કે, લવ મેરેજ પછી સ્ત્રી પાત્રએ વધુ જતું કરવું પડે છે, ઘર, પરિવાર, રહેણીકરણી બદલાવી પડે છે. આજના યુગના પ્રેમમાં ધીરજ નથી, જતુ કરવાની સહનશક્તિ નથી. ઓડી અને પૈસા પાછળનો પ્રેમ વધ્યો છે. હું તો પ્રથમ વખત મારૂતિ ફ્રન્ટીમાં પત્નીને ફરવા લઇ ગયો હતો. પરિવારનો થોડો વિરોધ હતો કે લગ્ન ટકશે કે નહીં, પરંતુ અમારા આત્મવિશ્વાસે આ લગ્નજીવન સફળ બનાવ્યું છે.

પત્નીની જીદ રાજકારણ નહીં
11 જુલાઇ 1965ના રોજ નરેશ પટેલનો જન્મ થયો હતો. તેઓ છ ભાઇ-બહેનોમાં સૌથી નાના છે. શાલિનીબેને જણાવ્યું છે કે, નરેશે મને અને મારી લાઇફને ખૂબ મહત્વ અને માન આપ્યું છે. તેમને રાજકારણમાં જવું હતું પણ મારી જીદ હતી કે, રાજકારણ તો નહીં જ.

નેશનલ લેવલના બાસ્કેટબોલ પ્લેયર
સંગીત અને સ્પોર્ટસના શોખીન નરેશ પટેલ નેશનલ લેવલે બાસ્કેટબોલ રમી આવ્યા છે. ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ બાદ ત્રણ ડિફેન્સ વિંગમાંથી કોઇ પણ એક વિંગમાં જવાની ઇચ્છા હતા. જેમાં આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે. પરંતુ પિતાનો આદેશ આવ્યો કે, કારખાનું સંભાળી લો અને નરેશ પટેલે પિતાની વાત માની.

નરેશ પટેલ શિવભક્ત સંતાનોના નામ પણ તેના પરથી જ રાખ્યા
નરેશ પટેલને સંતાનમાં બે દીકરી છે શિવાંગી અને સોહમ. એક દીકરો છે જેનું નામ છે શિવરાજ. દીકરીઓ પરણીને વડોદરા સાસરે છે. દીકરો પટેલ બ્રાસ વર્કસમાં ડાયરેક્ટર છે. નરેશ પટેલ પાકા શિવભક્ત છે એટલે સંતાનોના નામ શિવજીના સ્વરૂપ પ્રમાણે જ રાખ્યા છે. જોકે, તેમના ઘરનું નામ શિવાલય અને વાડીનું નામ શિવોત્રી છે. બહુ ઓછા લોકો જાણે છે કે, શ્રાવણ મહિનામાં નરેશ પટેલ પ્રવાસ કરતા નથી.

પટેલ બ્રાસ વર્કસના મેનેજિંગ ડિરેક્ટર
નરેશ પટેલ હાલ પટેલ બ્રાસ વર્કસના મેનેજિંગ ડાયરેક્ટર છે. નરેશ પટેલે બિઝનેસ સંભાળ્યો ત્યારે એક્સપોર્ટ ઝીરો હતું. આજે ટોટલ બિઝનેસનું એક્સપોર્ટ 65 ટકા જેટલું છે.

સૌજન્ય- દિવ્ય ભાસ્કર

error: Content is protected !!