વડોદરામાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીના માતા-પિતાની વેદનાઃ ‘મારી દીકરી લેખક બનવા માંગતી હતી, ઘરેથી નીકળ્યા બાદ પરત જ ન ફરી’

નવસારીઃ ‘મારી દીકરી ભણવામાં ખુબજ હોશિયાર હતી તેને લેખક બનવું હતું અમે પણ તેની પ્રગતિમાં ખુશ હતા. છેલ્લી વખત મને ગળે લાગી મરોલી જવાનું કહી ગયા બાદ હાલ તેની માત્ર યાદો જ રહી છે.’ આ શબ્દો વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીની માતાના છે. દિવાળીના દિવસે વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત કવીન ટ્રેનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

ફોનના આધારે યુવતીની ઓળખ થઈ હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. એ મામલે નવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

પરિવારજનો વડોદરા જવા રવાના
નવસારીમાં રહેતો મૃતક યુવતીનો પરિવાર આ ઘટનાથી ઊંડા આઘાતમાં સરી પડ્યો છે. યુવતીની માતા અર્ધબેભાન હાલતમાં હોય તેમ કંઈપણ બોલવાની તેમનામાં તાકાત વધી નથી. પરિવારની એકનીએક દીકરીને લેખક બનવું હતું પણ કાળને કાંઈક બીજુ જ મંજુર હતું. તેથી યુવતી સાથે અઘટિત ઘટના બની છે, જેને લઇને પોલીસ તપાસમાં જોતરાઈ છે.

મારી દીકરીને લેખક બનવુ હતું: યુવતીની માતા
માતા આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે, મારી દીકરી ભણવામાં ખુબજ હોશિયાર હતી તેને લેખક બનવું હતું અમે પણ તેની પ્રગતિમાં ખુશ હતા. છેલ્લી વખત મને ગળે લાગી મરોલી જવાનું કહી ગયા બાદ હાલ તેની માત્ર યાદો જ રહી છે.

યુવતી પોતાના ભાઈનો મોબાઈલ લઈ ગઈ હતી
યુવતી જે દિવસે છેલ્લી વખત ઘરેથી ગઈ ત્યારે તે પોતાના ભાઈનો મોબાઈલ લઈ ગઈ હતી અને તેના પર પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ સમગ્ર મામલે કેસનો ઉકેલ આવ્યાની આશંકા સેવાઈ રહી છે. જેથી પરિવારને તાત્કાલિક વડોદરા બોલવામાં આવ્યો છે.

ગુજરાત કવીન ટ્રેનમાંથી યુવતીની લાશ મળી આવી હતી
4 નવેમ્બરની વહેલી સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનની સફાઈ કરતા સફાઈ કામદારને ગુજરાત કવીન ટ્રેનમાંથી એક યુવતીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. સફાઈ કામદારે તાત્કાલિક વલસાડ સ્ટેશન માસ્ટર અને GRPની ટીમને બનાવની જાણ કરી હતી. જેથી વલસાડ GRPની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ચેક કરતાં યુવતી પાસે ટિકિટ કે પાસ મળી આવ્યો નહોતો. જોકે, યુવતી પાસે મળેલા ફોન પરથી નવસારી રહેતા યુવતીના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!