હૃદય કંપાવતી આપવીતી: 4 મહિનાથી પ્રોફેસર પતિ કોમામાં, રડતા રડતા પત્નીએ કહ્યું, ખુશી મનાવું કે દુઃખ!

રાજકોટઃ રાજકોટનાં કોઠારિયા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય પ્રોફેસર રાકેશ વઘાસિયા હાલ કોમામાં છે. ગત એપ્રિલ માસમાં કોરોના થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં બીજા જ દિવસે તેમને વેન્ટિલેટર પર ખસેડવાની ફરજ પડી હતી. જોકે તેના થોડા સમયમાં પ્રોફેસર કોમામાં ચાલ્યા ગયા હતા. છેલ્લા ચાર મહિનાથી પ્રોફેસરની સારવાર થઇ રહી હોવાને કારણે પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે. પત્ની નમ્રતાબેને રડતા રડતા જણાવ્યું હતું કે, મારા પતિ કોમામાં છે અને તેને ખબર પણ નથી કે મેં પુત્રને જન્મ આપ્યો છે. પુત્રના આવવાની પરિવારમાં ખુશી મનાવું કે પતિ કોમામાં છે તેનું દુઃખ તે સમજાતું નથી.

પતિનો ઈલાજ પુત્રીનો અભ્યાસ અને ઘર ચલાવવાનાં પણ રૂપિયા બચ્યાં નથીઃ નમ્રતાબેને વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી પતિની આ સ્થિતિ છે. અમારો નાનકડો પરિવાર તેમના લીધે જ ચાલતો હતો. અત્યાર સુધી તેમનો અડધો પગાર આવતો હતો. પરંતુ આવતા મહિનેથી તે પણ બંધ થવાનો છે. જેને લઈને ઘર કેવી રીતે ચલાવવું તેનો પ્રશ્ન ઉભો થયો છે. એટલું જ નહીં મારી નાની પુત્રીને શાળામાં બેસાડવાની છે, તેને લઈને તેની ફી સહિતનાં પ્રશ્નો ઉભા થયા છે. એક સમયે અન્યની મદદ કરવા સક્ષમ પરિવાર આજે પોતાને કોઈ સહાય મળે તેની રાહ જોઈ રહ્યો છે. જોકે સ્વાભિમાન પૂર્વક જિંદગી જીવેલા પ્રોફેસરની પત્ની અને માતા કોઈ પાસે હાથ પણ લાંબો કરી શકતા નથી.

સમાજ જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થનાં કરે – પત્નીઃ પતિનાં ઈલાજ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી તો અમારી નાની-મોટી બચત તેમજ સગા-સંબંધીઓની મદદથી તેમનો ઈલાજ કરાવ્યો છે. પણ હજુ તેમની સારવાર કેટલો સમય ચાલશે તે પણ નક્કી નથી. અને આ માટેની આર્થિક સગવડ પણ હવે રહી નથી. ત્યારે સરકાર અને સમાજને મારી વિનંતી છે કે, સમાજનાં લોકો તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થનાં કરે. સરકાર અમારી અને અમારા પરિવારની સામે જોઇને બનતી મદદ કરે.

નાનકડી દીકરી કહે છે, પપ્પા જલ્દી ઉભા થાવ, રમકડાં લઈ દ્યોઃ પોતાની હાલની સ્થિતિ અંગે જણાવતા નમ્રતાબેન રડી પડ્યા હતા અને કહ્યું હતું કે, જે રસોઈ અમે સાથે મળીને ખાતા-પીતા એ જગ્યા જોઈને આજે તેઓ બેડ પર હોવાનું યાદ આવી જાય છે. ત્રણ વર્ષની નાની દીકરી કહે છે કે, પપ્પા જલ્દી ઉભા થાવ, રમકડાં લઈ દ્યો, ઘણીવાર મને કહે છે કે, પપ્પા ઉભા થાયને ત્યારે મને આ રમકડું લઈ દેજે અને બહાર ફરવા પણ જવું છે. એ જોઈને અમારી આંખો ભરાય જાય છે.

પિતાને ખબર નથી કે તેના ઘરે પુત્રનું આગમન થયું છેઃ ઉલ્લેખનીય છે કે, જ્યારે રાકેશભાઇ વઘાસિયા કોમામાં ગયા ત્યારે પત્ની નમ્રતાબેન ગર્ભવતી હતા અને બાદમાં પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ કરૂણતા એ છે કે ઘરે પુત્ર આગમનના ખુશીના સમાચાર પતિને કંઇ રીતે કહેવા. આ અંગેની જાણ રાકેશભાઇને પણ નથી. જોકે લગ્નની વર્ષગાંઠ આવતાં તેઓ પતિ પાસે ગયા હતા અને પતિને કોમામાં જોતાં આક્રંદ મચાવ્યો હતો. દરમિયાન તેણીએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મદાતા પિતાને આજે પણ ખબર નથી કે તેના ઘરે પુત્ર રમી રહ્યો છે.

હોસ્પિટલનો ખર્ચ ઉપાડવા સેવાભાવી લોકો તૈયારઃ પ્રોફેસર રાકેશ વઘાસિયા કોમામાંથી જલ્દી બહાર આવે તે માટે નામાંકિત ડોક્ટર્સનો પણ લોકો સંપર્ક કરી પરિવારને આશ્વાસન આપી રહ્યાં છે. કોમામાંથી બહાર લાવવાના પ્રયાસ માટે આયુર્વેદિક ડોક્ટર્સે તેમના પત્નીની તેમજ ભાઈ સાથે વાત કરી છે. હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ઉપાડવા પણ સેવાભાવી લોકો તૈયાર થયા છે. પરિવાર આર્થિક રીતે ભાંગી પડ્યો છે, છતાં બીજા પાસેથી મદદ લેતા અચકાય છે, તે અંગે લોકો વાકેફ હોવાથી પરિવારને રૂબરૂ મ‌ળવા પહોંચી રહ્યાં છે.

શૈક્ષણિક સંસ્થાઓ, પ્રોફેસરો મદદ માટે તૈયારઃ પ્રોફેસર લાંબા સમયથી કોમામાં હોવાની જાણ થતાં એજ્યુકેશન સાથે સંકળાયેલ અનેક સંસ્થાઓ અને પ્રોફેસરોએ આ પરિવાર સાથે વાત કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. નિદત્ત બારોટ, હરદેવસિંહ જાડેજા, સુનિલ વોરા તેમજ મુકેશ દોશી (દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ) સહિતના આગેવાનો પરિવારને રૂબરૂ મળવા પહોંચ્યા હતા અને પરિસ્થિતિ જાણી હતી. સાથે જ પ્રોફેસરના પત્ની નમ્રતાબેનનો બેંક એકાઉન્ટ નંબર મેળવી મદદ માટે આયોજન શરૂ કર્યું છે.

error: Content is protected !!