મહાઠગ સુકેશ ચંદ્રશેખર અને એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ વચ્ચે ઈલુ-ઈલુ? સોશિયલ મીડિયા પર રોમેન્ટિક ફોટો વાઇરલ
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ મની લોન્ડરિંગ કેસને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. આ કેસમાં એક મોટો પુરાવો સામે આવ્યો છે. થોડા સમય પહેલાં જેકલીન અને લાંચના કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખરના રિલેશનની વાતો સામે આવી હતી. હાલ સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, તેમાં બંને વચ્ચેનું રિલેશન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, પરંતુ તપાસ એજન્સીની પૂછપરછમાં જેકલીને સુકેશને ડેટ કરવાની ચોખ્ખી ના પાડી હતી.
વાઇરલ ફોટો એક મિરર સેલ્ફી છે. ફોટોમાં સેલ્ફી લઇ રહેલો સુકેશ જેકલીનને ગાલ પર કિસ કરી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે, આ ફોટો સુકેશ વચગાળાના જામીનમાં તિહાડ જેલની બહાર હતો. એ પછી તે ફ્લાઇટથી ચેન્નાઇ ગયો. આ ફોટો ચેન્નાઇની ફાઈવ સ્ટાર હોટેલનો છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સુકેશના હાથમાં રહેલા આઈફોન 12 પ્રોથી જ ઇઝરાયલના સિમ કાર્ડનો ઉપયોગ કરીને 200 કરોડ રૂપિયાની ખંડણી કરી હતી. જામીન મળ્યા પછી સુકેશ આ જ ફોન વાપરી રહ્યો છે. ED માટે આ ફોટો મહત્ત્વનો છે કારણકે તેમાં ફિલ્મ એક્ટ્રેસ જેકલીન અને સુકેશ ક્લિર દેખાઈ રહ્યા છે.
દરોડા પાડ્યા પછી EDએ સ્ટેટમેન્ટમાં કહ્યું, સુકેશ ચંદ્રશેખર આ ખંડણીનો માસ્ટરમાઈન્ડ છે. 17 વર્ષની ઉંમરથી અપરાધની દુનિયાનો ભાગ રહ્યો છે. EDએ 24 ઓગસ્ટના રોજ સુકેશનો ચેન્નાઈમાં આવેલો સી-ફેસિંગ બંગલો સીઝ કર્યો હતો. તેના ઘરમાંથી 82.5 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું અને એક ડઝનથી પણ વધારે લક્ઝરી કાર જપ્ત કરી હતી.
તપાસ એજન્સીએ લાંચના કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દરેક શક્ય તપાસ કરી હતી. અગાઉ સુકેશ અને તેની પત્ની સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી.EDના જણાવ્યા પ્રમાણે, બોલિવૂડના સેલેબ્સ પણ આ કેસમાં સક્રિય ભાગીદાર છે. આ દરમિયાન જેકલીન વ્યક્તિગત બહાનું આપીનેપૂછપરછ માટે હાજર નહોતી થઈ.
આ કેસ દિલ્હી પોલીસના આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા સુકેશ અને અન્યની વિરુદ્ધ કથિત ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને લગભગ 200 કરોડ રૂપિયાની ખંડણીને લઈને દાખલ કેસ પર આધારિત છે.