ગુજરાતમાં અહીં આગામી 3 દિવસમાં વરસાદ પડવાની હવામાન વિભાગની મોટી આગાહી, ખેડૂતો ચિંતામાં

ખેડુતો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં રાત્રે હજી ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે દિવસે ઉનાળાની દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ એટલે કે 7થી 10 માર્ચ સુધી માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. જે મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે.

3 દિવસ વરસાદની આગાહી
હવામાન ખાતાની આગાહી મુજબ, 7થી 10 માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરાવલી, ખેડા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે.

ખેડૂતોમાં ચિંતા વધી
આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ફરીથી એક વખત કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અમદાવાદમાં આ હવામાન સ્વચ્છ રહેશે અને તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી રહેશે.

ઉત્તર ગુજરાતમાં 43 ડીગ્રી સુધી ગરમી પડી શકે છે
રાષ્ટ્રીય હવામાન વિભાગે માર્ચથી મે મહિના સુધીમાં ગરમીની સ્થિતિનો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ ઉત્તર ગોળાર્ધની વસંત દરમિયાન લા નીના (La Niña) નબળું પડવાની શક્યતા છે. વેધર એક્સપર્ટના મતે, ઉત્તર ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધીની ઉનાળુ સીઝનમાં રેકોર્ડબ્રેક કરે એવી ગરમીની શક્યતા ના બરાબર બની રહી છે.

ઉનાળુ સીઝનમાં ગરમીના 6 રાઉન્ડ આવી શકે છે. આ 6 રાઉન્ડમાં ગરમીનું પ્રમાણ 41થી 43 ડીગ્રીની વચ્ચે રહે એવી શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનામાં ત્રીજા, એપ્રિલ મહિનામાં પ્રથમ અને ચોથા તેમજ મે મહિનામાં પ્રથમ, બીજા અને ચોથા સપ્તાહમાં ગરમીનો અનુભવ વધુ રહેશે.

error: Content is protected !!