લાખો દિલમાં રાજ કરે છે આ ગુજરાતી, પોલીસ માટે ત્રણ મહિના જેલ ભોગવી, પાટીદાર આંદોલનથી અચાનક ચર્ચામાં આવ્યા
અમદાવાદઃ તહેવારો અને પોલીસ. આપણે તહેવારો શાંતિથી ઉજવી શકીએ તેનું એક મોટું કારણ એટલે પોલીસ. દિવાળી જ નહીં દરેક તહેવારોમાં પોલીસકર્મીઓ રાત-દિવસ ખડેપગે રહે છે, પરિવારને પણ ભૂલી જાય છે કારણ કે, આપણે તહેવાર મનાવી શકીએ. એમનું આ બલિદાન આપણી એ કલ્પના બહારની વાત છે. જો કે, આ જ તહેવારોમાં આ જ પોલીસ સાથે એક ગુજરાતી પણ ખડેપગે રહે છે. આ ગુજરાતી એટલે અમદાવાદના વિષ્ણુભાઈ ઠાકોર.
કોણ છે વિષ્ણુભાઈ ઠાકોર?
વિષ્ણુભાઈ ઠાકોર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહે છે. ભાઈની સાથે પાનનો ગલ્લો ચલાવી તે પરિવારનું ગુજરાન ચલાવે છે. સામાન્ય પરિવારના વિષ્ણુભાઈ માટે ગુજરાત પોલીસ તેમનો બીજો પરિવાર છે. પોલીસ માટે તે સર્વસ્વ કરી જાણે છે. પોલીસના સુખ-દુઃખમાં હંમેશા તે સાથે રહે છે. હા, એટલે જ તો તે સાચા અર્થમાં પોલીસના મિત્ર છે.
પાટિદાર આંદોલન વખતે ચર્ચમાં આવ્યા
આમ તો વિષ્ણુભાઈ વર્ષ 2011થી પોલીસની સેવા કરી રહ્યા છે. પણ વર્ષ 2015ના પાટિદાર આંદોલન સમયથી તેઓ ચર્ચામાં આવ્યા છે. પાટિદાર આંદોલન સમયે 50થી વધુ પોલીસકર્મીઓ પર સસ્પેન્શનની તલવાર લટકી હતી. આ પોલીસકર્મીઓ સસ્પેન્ડ ના થાય તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓ સુધી લડત આપી હતી. તેમના આ જ પ્રયાસોને કારણે તમામ પોલીસકર્મીઓનું સસ્પેન્શન અટક્યું હતું. અને અધિકારીઓએ તેમની પ્રશંસા કરી હતી.
લૉકડાઉન સમયે જેલમાં પણ ગયા
લૉકડાઉન વખતે રાજ્યમાં કલમ 188 અમલી બનાવાઈ હતી. જેને કારણે આ કલમનો ભંગ કરનાર લોકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાતા હતા. આ દરમિયાન કેટલાયે પોલીસકર્મી કોરોનાગ્રસ્ત થયા હતા. આ વખતે તેમણે આ કલમ રદ કરવાની માગ કરી હતી. જેને કારણે તેમના પર ત્રણ ગુના દાખલ થયા હતા અને પાસા અંતર્ગત તેમને સુરતની લાજપોર જેલમાં બંધ કરી દેવાયા હતા. આ ત્રણ મહિના દરમિયાન તેમને અને તેમના પરિવારને ખુબ જ યાતના ભોગવવી પડી હતી.
IPS વિપુલ વિજોયના પત્ની સામે કેસ કર્યો હતો
આખા ગુજરાતમાં આ કેસ ખુબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. IPS વિપુલ વિજોયના પત્નીએ કેટલાક પોલીસકર્મીઓને ઘરના ગેરેજમાં જ બંધક બનાવ્યા હતા. આ દરમિયાન વિષ્ણુભાઈ ઠાકોરે ડભોળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમનો આ પ્રયાસ સફળ રહ્યો હતો.
મૃતક પોલીસના પરિવારને મદદ કરે છે
ચાલુ નોકરી દરમિયાન કોઈ પોલીસ કર્મચારીનું મોત થાય તેવા સમયે વિષ્ણુભાઈ અને તેમના મિત્રો અચૂક મદદ કરે છે. તેઓ ખુદ આ કર્મચારીના બેસણામાં જાય છે અને ઓછામાં ઓછા રૂ. 5 હજારનું કવર આપે છે. પોલીસ શહીદ દિવસે પણ તેમણે એક પરિવારના બાળકોને રૂપિયા 15 હજાર આપ્યા હતા.
ટ્રમ્પની અમદાવાદ મુલાકાત વખતે ખુબ સેવા કરી
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાત વખતે તેઓ ત્રણ દિવસ સુધી પોલીસની સેવામાં ખડેપગે રહ્યા હતા. આ દરમિયાન તેમણે લગભગ રૂ. 6 લાખ જેટલો ખર્ચ કર્યો હતો. પોલીસ બંદોબસ્તમાં કોઈ કર્મચારી ભૂખ્યા ના રહે તેનું તેમણે ધ્યાન રાખ્યું હતું. આ સમયે સામાન્ય કર્મચારીથી માંડી IPS અધિકારી સુધી પાણી અને ફૂડ પેકેટ પહોંચાડ્યા હતા
પોલીસની સમસ્યાઓ નજરે જોઈ છે
વિષ્ણુભાઈ કહે છે કે, પોલીસ જેવી સમસ્યા લભભગ કોઈને નહીં હોય. આજે એવા કેટલાયે પોલીસ સ્ટેશન છે જ્યાં ચોમાસામાં છતમાંથી પાણી ટપકતાં હોય છે. પોલીસકર્મીઓ એવી ગાડીઓમાં ફરતાં હોય છે, જેના કિલોમીટર પૂરા થઈ ગયા હોય છે. કેટલીય પોલીસચોકીઓ એવી હોય છે કે જ્યાં કાળા ઉનાળામાં પંખાઓ ચાલતાં હોતા નથી. આવા દરેક કિસ્સામાં તેઓ શક્ય હોય તેટલી મદદ કરે છે.
પાલિકાના કામ પણ પોલીસ કરે છે
વિષ્ણુભાઈ ઠાકોર કહે છે કે, આ પોલીસની સૌથી મોટી સમસ્યા છે. વરસાદમાં રોડ તૂટી ગયા હોય તો પણ પોલીસકર્મીઓને કપચી પુરતાં તેમણે જોયા છે. રોડ પર ઝાડ પડી ગયા હોય ત્યારે પોલીસકર્મીઓ પોતાની ગાડી પાછળ બાંધીને ઝાડ ઢસડી રસ્તા ક્લીઅર કરતાં હોય છે. રસ્તા પર ઢોર રખડતાં હોય એને પકડવાનું કામ પાલિકાનું પણ આવા કામ પણ પોલીસ કર્મચારીઓએ કરવા પડે છે. ટ્રાફિક પર કોઈ લોકો પકડાય અને વેક્સિન ના લીધેલી હોય તો આ લોકોને વેક્સિન અપાવવાનું કામ પણ પોલીસ પાસે કરાવવામાં આવે છે. આ દરેક કામ એવા છે જે જે-તે પાલિકાએ કરવાના હોય છે પણ પોલીસે કરવા પડે છે. એટલું જ નહીં જે કામ વહીવટી તંત્રનું છે એ કામ પોલીસકર્મીઓએ કરવું પડે છે.