Exclusive:ભ્રષ્ટાચાર ન કરવાના સોગંદ ખાનાર સરપંચ કોણ છે? કેમ ખાધા હતા સોગંદ?

અમદાવાદ: તાજેતરમાં જ ગ્રામપંચાયતની ચૂંટણી સંપન્ન થઈ છે. ચૂંટણી દરમિયાન એકથી બે સરપંચના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા, જેમાનો એક વીડિયો એવો હતો, જેમાં સરપંચ હનુમાનજીના સાક્ષીએ ભ્રષ્ટાચાર ન કરવાના સોગંદ લેતા નજરે પડ્યા હતા. કદાચ દેશમાં પહેલીવાર એવું બન્યું હશે કે કોઈ સરપંચે ભગવાન સામે ભ્રષ્ટાચાર ન કરવાના સોગંદ લીધા હોય. વીડિયો વાઇરલ થવાથી ગુજરાત આખામાં જાણીતા થયેલા આ સરપંચની અજાણી વાતો પહેલીવાર તમારા સમક્ષ લઈને આવ્યા છીએ.

વાઇરલ વીડિયોમાં નજરે પડતા સરપંચનું નામ રમેશભાઈ બારડ છે. અમરેલી જિલ્લાના ભૂરખિયા ગામના સરપંચ રમેશભાઈ વ્યવસાયે ખેડૂત છે. નાડોદા રાજપૂત સમાજમાંથી આવતા રમેશભાઈની માતાનું નામ ઉજીબેન બારડ તો પિતાનું નામ અરજણભાઈ બારડ છે. ઉલ્લેખનીય છે કે રમેશભાઈ બારડ હાલમાં જ યોજાયેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભૂરખિયા ગામના બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયા છે.

રમેશભાઈ બારડનું ગામ ભૂરખિયા પ્રાચીન ભૂરખિયા હનુમાનજી મંદિરને કારણે ગુજરાતમાં જાણીતું છે. રમેશભાઈના માતા સ્વર્ગસ્થ ઉજીબેને આ મંદિરમાં વર્ષો સુધી સેવા આપી હતી. સેવાભાવી ઉજીબેન ઈચ્છતાં હતાં કે પોતાનો દીકરો સેવા કાર્ય કરે, આથી રમેશભાઈ જ્યારે બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયા ત્યારે ગામ લોકોને લઈ ભૂરખિયા હનુમાનજી મંદિરમાં ગયા હતા. અહીં તેમણે હનુમાનજીની સાક્ષીમાં સોગંદ ખાધા હતા કે પોતે ભ્રષ્ટાચાર કરશે નહીં અને કોઈને કરવા પણ નહીં દે.

આ દરમિયાન હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલમાં વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સરપંચ રાતોરાત ફેમસ થઈ ગયા હતા. રમેશભાઈએ જણાવ્યું હતું કે ‘પોતાનાં માતા-પિતાના સંસ્કાર અને ભૂરખિયા દાદાની નિશ્રામાં રહેતા હોવાથી ભ્રષ્ટાચાર કરવાનો વિચાર પણ ન આવે, એથી સોગંદ ખાધા હતા.’

ભૂરખિયા ગામના લોકો સાથે પણ વાતચીત કરી હતી. હનુમાનજી મંદિરના પૂજારીથી લઈ દુકાનદાર સુધી સૌકોઈને આશા છે કે નવા સરપંચ વિકાસનાં કામો કરશે. ભ્રષ્ટાચાર ન કરવાના સોગંદ ખાધા ત્યારે જ સરપંચ રમેશભાઈ બારડે ગામમાં કરવાનાં કામોનું લિસ્ટ બનાવ્યું હતું. આપણે આશા રાખીએ ભૂરખિયાના નવનિયુક્ત સરપંચ પાંચ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન વિકાસનાં એ તમામ કામો કરે, જેનું લિસ્ટ બનાવ્યું છે.

error: Content is protected !!