મેકેનિકે યુટ્યુબ પર વીડિયો જોઇને જૂની સ્વિફ્ટ કારમાંથી લક્ઝરી કાર લેમ્બોર્ગિની બનાવી, જુઓ તસવીરો
એવું જરૂરી નથી કે મોંઘી વસ્તુઓ પૈસા ખર્ચતા જ ખરીદી શકાય, આ વસ્તુઓ પોતાના ટેલેન્ટથી બનાવી પણ શકાય છે. આસામમાં એક મોટર મેકેનિકે જાતે લક્ઝરી કાર લેમ્બોર્ગિની બનાવી છે. નુરુલ હકે એક જૂની મારુતિ સ્વિફ્ટ કારની કાયાપલટ એટલી સારી રીતે કરી કે તેમાંથી લેમ્બોર્ગિની કાર બનાવી. સ્વિફ્ટ કાર હવે ઇટાલિયન લક્ઝરી કાર લેમ્બોર્ગિની બની ગઈ છે. આ કાર બનાવવા માટે તેણે યુટ્યુબ પર વીડિયો જોયા હતા.
નુરુલ હવે જૂની કારમાંથી ફરારી બનાવશે
30 વર્ષીય નુરુલ આસામના કરીમગંજ જીલ્લામાં મોટર મેકેનિક તરીકે કામ કરે છે. તેણે લેમ્બોર્ગિની કાર બનાવવા માટે 6.2 લાખ રૂપિયા ખર્ચ્યા. નુરુલને પહેલેથી સ્પોર્ટ્સ કાર ચલાવવાનો શોખ હતો. નેક્સ્ટ પ્રોજકેટમાં તે ફરારી કાર બનાવવા ઈચ્છે છે.
નુરુલને પોતાનું ગેરેજ છે
નુરુલે કહ્યું, મારું સપનું હતું કે હું લક્ઝરી કાર બનાવું અને તે ચલાવું. મને લેમ્બોર્ગિની કાર બહુ જ ગમે છે. ફાઈનલી મેં જૂની મારુતિ સ્વિફ્ટને મારી ડ્રીમ કારમાં ફેરવી. નુરુલને પોતાનું ગેરેજ પણ છે.તેનું નામ N મારુતિ કેર છે.
લોકડાઉનમાં કાર બનાવવાનું કામ કર્યું
કોરોનાની પ્રથમ લહેરમાં નુરુલને પોતાનું કામ બંધ રાખવું પડ્યું હતું. ઘરે નવરા બેસી રહેવાને બદલે તે યુટ્યુબ પર વીડિયો જોઈને લક્ઝરી કારના પાર્ટ બનાવતા શીખ્યો અને સમયનો સદુપયોગ કરીને પોતાની મહેનત અને આવડતથી લેમ્બોર્ગિની કાર બનાવી.
લેમ્બોર્ગિની કાર બનાવતા નુરુલને 8 મહિના લાગ્યા. શરુઆતમાં તેણે યુટ્યુબ પર વીડિયો જોઇને લેમ્બોર્ગિની મોડેલના પાર્ટ બનાવવાનાં શરુ કર્યા. નુરુલે કહ્યું, મને લેમ્બોર્ગિની કારની કિંમત ખબર છે. કરોડોની કાર તો હું ખરીદી શકું તેમ નથી પણ મારી ડ્રીમ કાર ચોક્કસ બનાવી શકું તેમ છું. નુરુલ હાલ લોકલ સેલિબ્રિટી બની ગયો છે. લોકો તેની લેમ્બોર્ગિની કાર પાસે સેલ્ફી લેવા આવી રહ્યા છે.