યુવતીને ફરવાના બહાને મહેસાણા લાવ્યો, હથોડીના 16 ઘા ઝીંકી હત્યા કરી લાશ સળગાવી દીધી

મહેસાણા: મહેસાણાના નુગર સુવિધા સર્કલ બ્રિજ નીચે 30 નવેમ્બરના રોજ અજાણી યુવતીની સળગેલી હાલતમાં લાશ મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જો કે પોલીસે પણ આરોપીઓને શોધવા એડી ચોંટીનું જોર લગાવ્યું હતું અને માત્ર 48 કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. એમાં હત્યારો મૃતક યુવતીની માતાનો પ્રેમી હોવાનું સામે આવતાં લોકોએ ધિક્કાર વરસાવ્યો છે. હત્યારો યુવતીને ફરવાના બહાને મહેસાણા લઈ આવ્યો હતો. ત્યાં ખારી બ્રિજ હેઠળ બાવળની ઝાડીમાં તેણે તેની નિર્મમ હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું હતું.

સૂત્રો અનુસાર, મૃતક યુવતી અને તેનો પરિવાર અગાઉ ચાણસ્મા રહેતો હતો. ત્યારે યુવતીની માતાને પાડોશમાં રહેતા પરેશ સાથે સંબંધ બંધાયો હતો. એ દરમિયાન તારીખ 29મી ડિસેમ્બરે હત્યારો પરેશ યુવતીને ફરવાના બહાને મહેસાણા લઈ આવ્યો હતો. ત્યાં ખારી બ્રિજ હેઠળ બાવળની ઝાડીમાં તેણે તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપીએ યુવતીના પરિવારને ગેરમાર્ગે દોર્યો હતો અને યુવતીને સિદ્ધપુર ચોકડી પાસે ઉતારી ગયાની સ્ટોરી બનાવી હતી.

મહેસાણા એસપી પાર્થરાજસિંહ ગોહિલે સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, યુવતીની લાશ આશરે 18થી 20 વર્ષની જણાતી હતી, જે સંપૂર્ણ બળેલી હાલતમાં હતી અને ચહેરો અર્ધબળેલી હાલતમાં હતો. જેથી આ લાશની ઓળખ કરવા માટે થઈને તેમજ ઘટના અંગે તપાસ કરવા 4 ટીમો બનાવવામાં આવી હતી. તેમજ આજુબાજુના જિલ્લાઓમાંથી આશરે 100 જેટલી છોકરીઓના ફોટા મંગાવી સરખામણી કરતાં ધ્યાનમાં આવ્યું હતું કે સિદ્ધપુર ખાતેથી એક છોકરી ગુમ થયેલી છે. તેમજ લાશનો ચહેરો તેની સાથે મળતી આવે છે. જેનાથી યુવતીની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી.

આરોપીની પૂછપરછ કરાતાં તેણે મૃતકની માતા સાથે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો કર્યો હતો. આરોપી મૃતકની માતાને વારંવાર મળતો હતો જે મૃતક યુવતીને પસંદ આવતું નહોતું. તેથી તેણે આ ગુનો આચર્યો હોવાની કબુલાત કરી હતી. હત્યારો પોતે છોકરી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ આપવા સિદ્ધપુર પોલીસ સ્ટેશને પણ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

સૂત્રો અનુસાર, નરાધમ હત્યારા પરેશે યુવતીને ફરવાના બહાને મહેસાણા લાવ્યો હતો. તે તેને ખારી બ્રિજ નીચે લઇ જઇ હથોડીના 16 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ તેની લાશને સળગાવી નાખી હતી.

નુગર બ્રિજ પાસે એક અજાણી યુવતીની સળગેલી લાશ મળી આવતાં તેની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની હતી. જોકે યુવતીના હાથમાં એક વીંટી અને એક ઘડિયાળ જોવા મળી હતી, જેથી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. જોકે મળતી માહિતી પ્રમાણે, મૃતક યુવતીનો અત્યારથી ત્રણ દિવસ પહેલાં જન્મદિવસ હતો, ત્યારે તેની મિત્રએ આપેલી ઘડિયાળથી ભેદ ઉકેલ્યાનું જાણવા મળ્યું હતું.

એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની પોલીસ તપાસ કરાતાં ચાણસ્માનો રહેવાસી પરેશ જોષી આ યુવતી સાથે છેલ્લે જોવા મળ્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરાઓ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કેમેરાઓની ચકાસણી કરતાં એક શંકાસ્પદ બલેનો ગાડી 24થી 26 નવેમ્બરની તારીખોમાં તેમજ ઘટનાના સમયે આવતી જતી દેખાઈ હતી. એ જ ગાડી પાટણ અને સિદ્ધપુરમાં પણ દેખાઈ હતી. તેના આધારે ગાડી માલિકની તપાસ કરાઈ હતી. તેમજ સીસીટીવીના આધારે અમુક હોટેલમાંથી આ ગાડી નીકળતી દેખાઈ હતી. જેમાં એક વ્યક્તિ તેમજ સાથે એક યુવતી બેઠેલી જોવા મળી હતી. જેના આધારે પોલીસે સઘન પૂછપરછ કરતાં આરોપી પરેશે ગુનો આચર્યો હોવાની કબુલાત કરી હતી.

મહેસાણા તાલુકા પોલીસને આરોપી ચાણસ્માનો રહેવાસી હોવાની જાણકારી મળતાં પોલીસ ચાણસ્મા આવી પહોંચી હતી. ચાણસ્મા સ્થાનિક પોલીસની મદદથી આરોપી પરેશ જોષીને ઝડપી લીધો હોવાનું પીઆઇએ જણાવ્યું હતું. તેમણે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ જ આરોપી વિરુદ્ધ એક માસ અગાઉ ચોરી કરવાની ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકમાં નોંધાઇ હતી, જેથી ચાણસ્મા પોલીસ પાસે આરોપી બાબતે પૂરી વિગતો ઉપલબ્ધ થઇ હતી, જેથી મહેસાણા તાલુકા પોલીસને તપાસ માટે વધુ સરળતા રહી હતી.

error: Content is protected !!