રૂ. 1200ના પગારે મીલમાં કામ કરતા કામદારનો એક પુત્ર સ્પેનમાં વૈજ્ઞાનિક, બીજો સ્કૂલમાં પ્રિન્સિપાલ તો દીકરી બની શિક્ષિકા

મીલમાં સામાન્ય નોકરી કરતા પિતાએ ખૂબ મહેનત કરીને સંતાનોને ભણાવ્યા જેમાંથી આજે એક પુત્ર સ્પેનમાં વૈજ્ઞાનિક છે અને બાકીના બે સંતાનો શિક્ષણ વિભાગમાં સારી કારકિર્દી બનાવી શક્યા છે. નડિયાદના સલુણ ગામે રોહિત ફળીયામાં રહેતા જશભાઇ મણીભાઇ મકવાણા આજે નિવૃત્ત જીવન જીવે છે. તેમણે ખૂબ મહેનત કરીને ત્રણ સંતાનોને ઉજ્જવળ કારકિર્દી બક્ષી. તેમનો વચલો દીકરો રજનીકાંત મકવાણા વિશ્વની ત્રીજા નંબરની અને સ્પેનમાં આવેલ સાલામનકા યુનિવર્સિટીમાં ન્યુક્લિયર રિએક્શનના અભ્યાસ માટે ફેલોશીપ હેઠળ કામગીરી કરી કરી રહ્યો છે. સમગ્ર દેશમાંથી રજની એકમાત્ર એવો વૈજ્ઞાનિક છે, જેણે આ સિદ્ધિ હાંસલ કરી છે.

આજે વિશ્વ પિતા દિને દીકરાના અભ્યાસના દિવસોને વાગોળતા પિતા જશભાઇ એ જણાવ્યું કે પારિવારિક જવાબદારીઓને કારણે તેઓ 18 વર્ષની ઉંમરથી જ મીલમાં કામ કરતા થઇ ગયા હતા. પરંતુ સંતાનોને સારો અભ્યાસ મળે તે માટે તેઓએ રૂ.1,200 ના પગારમાં થી રૂ.500 ઘર ખર્ચમાં અને બાકીના રૂપિયા ત્રણ સંતાનોનાં અભ્યાસ પાછળ વાપર્યા હતા.

ઘેર ગાયો-ભેંસો પણ હતી. પરંતુ પત્ની સંતાનોનાં અભ્યાસ પાછળ ધ્યાન આપી શકે તે માટે ગાયો-ભેસો વેચી દીધી, અને ત્યાંથી આવેલા રૂપિયા પણ સંતાનોનાં અભ્યાસ પાછળ ખર્ચ કર્યા. જેના ફળ સ્વરૂપ આજે રજની સ્પેનની યુનિવર્સીટીમાં સાયન્ટિસ્ટ છે. સૌથી મોટો દીકરો મુકેશ મકવાણા સરકારી શાળામાં પ્રિન્સિપાલ છે, અને દીકરી પણ સુરતની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે.

રજનીને MBBSની ફી ભરવા માટે બેંકે લોનની ના પાડી દીધી
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા રજનીભાઇએ જણાવ્યું કે, ધો.12માં રજનીના સારા માર્ક્સ તેને ડોક્ટર બનાવવો હતો, ફી ભરવા માટે રૂપિયાની જરૂર પડતા બેંકમાં અરજી કરી. બેંકવાળાઓએ દીકરાની ઉજ્જવળ કારકિર્દી સામે જોવાને બદલે મારો 1200 રૂપિયાનો ટૂંકો પગાર જોયો અને મને લોન આપવાની ના પાડી દીધી.

મને મારા પિતા પર ગર્વ છે, તેઓએ હંમેશા મને સપોર્ટ આપ્યો
મારા પિતા એક ખુશી મિજાજી કામદાર વ્યક્તિ છે. તેઓએ હંમેશા મને અને મારા ભાઇ-બહેનને સપોર્ટ આપ્યો છે. ભલે તેમની પાસે ક્ષાન ઓછું હતુ, પરંતુ તેઓએ હંમેશા મને સપોર્ટ આપ્યો હતો. તેઓએ હંમેશા એકજ વાત વિચારી હતી કે કેવી રીતે ભ‌‌‌વિષ્યમાં મારા સંતાનો આગળ આવે. > રજની મકવાણા, દીકરો

error: Content is protected !!