યુવકને ‘દોસ્તાના’ ભારે પડ્યું, ગે એપ્લિકેશનથી કોન્ટેકમાં આવેલા અન્ય યુવકે અવાવરું સ્થળે લઈ જઈ…
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સમલૈંગિક મિત્રતાનો વિચિત્ર કિસ્સો નોંધાયો છે. જેમાં ચાણક્યપુરીમાં આવેલી એક સોસાયટીમાં રહેતા અને દરજીકામ કરતા યુવકને સોશિયલ મીડિયાનાં માધ્યમથી અન્ય યુવકે મિત્રતા કરી ભાગવત વિદ્યાપીઠ પાસે બોલાવી પોતાનાં ઘરે લઈ જવાનું કહીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ પોતાનાં ત્રણ મિત્રોને બોલાવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક યુવકનાં એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા જે મામલે સોલા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે.
ફરિયાદી યુવક ચાણક્યપુરી સોસાયટીમાં પત્ની અને બે બાળકો સાથે રહે છે. અને ઘરેથી જ દરજીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવકે પ્લે સ્ટોરમાંથી GRINDR-GAY CHAT નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેમાં રવિ નામનાં યુવકે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કરી હતી. યુવકે ફરિયાદીને સાંજનાં સમયે ફોન કરીને GRINDR-GAY CHAT એપ્લિકેશન મારફતે મિત્રતા થઈ તે રવિ બોલું છું તેમ કહીને સોલા ભાગવત ખાતે મળવા બોલાવ્યો હતો.
યુવક મિત્રને મળવા ત્યાં પહોંચ્યા ત્યારે 20થી 22 વર્ષીય યુવક બાઈક લઈને આવ્યો હતો અને પોતાનાં ઘરે લઈ જવાનુ કહીને યુવકની બાઈક પર બેસીને બન્ને રવાના થયા હતા. સોલા ભાગવતથી થોડા દૂર ખુલ્લી જગ્યામાં બાઈક ઉભુ રખાવ્યું હતુ, તે સમયે ત્રણ યુવકો ત્યાં આવ્યા હતા. યુવકને માર મારી ત્રણેય જણાએ આ જગ્યા અમારી છે તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બાઈકની ચાવી તેમજ મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા.
યુવકને મળવા આવેલા યુવક સહિત અન્ય ત્રણ શખસોએ થોડા દૂર લઈ જઈને ફરી મારઝૂડ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીપૂર્વક યુવકનાં મોબાઈલમાંથી પેટીએમ મારફતે એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.. જે બાદ તમામ શખ્સો ફરાર થઈ ગયા હતા અને જો તે પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી..
ભોગ બનનારે પોતાનાં ફોનમાં જોતા ખાતામાંથી એક લાખ રૂપિયા શિવમ ભાવેશકુમાર નામનાં બેંક ખાતાધારકનાં ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ આ મામલે સોલા હાઈકોર્ટમાં આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સોલા પોલીસે તપાસ કરીને જેના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે શિવમ પટેલ, માર મારનાર અને પૈસા ટ્રાન્સફર કરાવનાર ચિંતન ધોળકિયા અને મુકુંદ પ્રજાપતિની ધરપકડ કરી છે. જ્યારે રાહુલ પરમાર નામનો આરોપી હજુ ફરાર છે.આરોપીઓએ અન્ય એક વ્યક્તિ પાસેથી પણ આ રીતે 50,000 પડાવ્યા છે.
સમલૈંગિક વ્યક્તિ હોવાથી ફરિયાદ નહીં કરે તેવું વિચારીને આરોપી આ રીતે લોકોને ફસાવીને પૈસા પડાવતા હતા. અત્યાર સુધી 15 જેટલા લોકો સાથે આ રીતે પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.