વધુ એક… એકતરફી પ્રેમમાં યુવકે સરાજાહેર દીકરીનું ગળું કાપી નાખ્યું, દીકરી આજીજી કરતી રહી પણ…
સુરતની ગ્રીષ્માની હત્યા બાદ ગુનેગારો બેફામ બન્યાં હોય તેવી સ્થિતિ બની છે. પ્રેમ સંબંધ મુદ્દે મહિલાઓની હત્યાના બનાવ અટકવાનું નામ લેતું નથી. સુરત બાદ મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના દુધેલા ગામમાં એક અતિ વિચલિત કરનારી ઘટના સામે આવી છે. અહીંયા એક પ્રેમીએ એક તરફી પ્રેમમાં 21 વર્ષની યુવતીની ચાકુના ઘા મારીને હત્યા કર્યા બાદ યુવકે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ જઘન્ય ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે.
દુધેલા ગામની 21 વર્ષની રમીલા તેના પરિવાર સાથે ઘઉંની કાપણી કરવા ખેતરમાં ગઈ હતી. તે દરમિયાન તેના જ ગામનો શૈલેષ ફુલાભાઈ પગી ખેતરમાં આવી પહોંચ્યો હતો અને રમીલા ખેતરનું કામ પતાવી ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન શૈલેષે ચાકુના ઘા ઝીંકી પ્રેમ સંબંધ રાખવાનું ના કહેતી રમીલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
હત્યારો શૈલેષ ઘટના સ્થળેથી નાસી છૂટયા બાદ હત્યારાએ ઘરે જઈ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો.
ડીવાયએસપી પી.એસ.વડવીએ જણાવ્યું હતું કે, આરોપી સ્વસ્થ થતાં તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેની હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે. જેમાં શૈલેષ નામનો યુવક રમીલા નામની તેની પ્રેમિકાને પ્રેમ સંબંધ રાખવા મજબૂર કરતો હતો. જેથી રમીલાએ ના પાડતાં ઝઘડો થયા બાદ મોતને ઘાટ ઉતારી દીધી છે. આરોપીઓની ઓળખ થઈ ગઈ છે.
પ્રેમિકાની જાહેરમાં હત્યા કર્યા બાદ હત્યારો ઘરે ગયો હતો અને તેણે ઝેરી દવા પી લેતા પરિવારના સભ્યોએ તેને તેને બચાવી લીધો હતો અને તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ તેની તબિયત સ્થિર છે.