સુરતમાં AAPમાં જોડાયેલા મહેશ સવાણીને શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ ઉતારાતા કિન્નાખોરીના ભાજપ પર આરોપ
સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટીનું રાજકીય વધતું જાય છે. આપમાં રાજકીય કાર્યકરોથી લઈને સમાજસેવો અને ઉદ્યોગપતિ પણ જોડાઈ રહ્યા છે. ત્યારે સામાજિક અને ઉદ્યોગક્ષેત્ર સાથે જોડાયેલા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાતા જ વરાછા વિસ્તારમાં તેમને શુભેચ્છા આપતા બોર્ડ લાગી ગયા હતાં. જેથી બેનર અને હોર્ડિંગ પાલિકા દ્વારા હટાવવામાં આવ્યાં હતાં. નિયમ વિરૂદ્ધ બેનર લાગ્યા હોવાના નામે બેનર હોર્ડિંગ હટાવાયા હતાં. જેથી મહેશ સવાણીએ કહ્યું કે, ભાજપ દ્વારા કિન્નાખોરી દાખવવામાં આવી રહિ છે.
અલગ અલગ ઝોનમાંથી બેનર હટાવાયા
આપમાં જોડાયેલા મહેશ સવાણીને શુભેચ્છા આપતાં બેનરો વરાછા સહિત સરથાણા, યોગીચોક, પુણા, હીરાબાગ સર્કલ તમામ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા હતાં. સવારથી કોર્પોરેશનની અલગ-અલગ ઝોનની ટીમ દ્વારા જે તે વિસ્તારના મહેશ સવાણીના લાગેલા તમામ બેનરો પોસ્ટરો ઉતારી લેવાની કામગીરી શરૂ કરાઇ હતી. આપમાં મહેશ સવાણી જોડાવાની સાથે જ અનેક બાબતોને લઈને ચર્ચાએ જોર પકડયું હતું. મહેશ સવાણી જોડાયા ત્યારથી જ તેમને હેરાન કરાશે તેવી અટકળો હોવાનું કહેતા આપના નેતાઓએ કહ્યું કે, સતા પક્ષ પોતાની સત્તાનો ગેરઉપયોગ કરીને લોકોને હેરાન કરવાનું ષડયંત્ર યોજી રહ્યું છે.
લોકો જવાબ આપશે- મહેશ સવાણી
મહેશ સવાણીએ જણાવ્યું કે, વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીમાં જોડાતા ની સાથે જ તેમના સમર્થકો દ્વારા શુભેચ્છા પાઠવવા માટે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે બેનરો લગાડવામાં આવ્યા છે. આજે સવારે જ મને માહિતી મળી કે, કોર્પોરેશનના અધિકારીઓની ટીમ દ્વારા ફક્ત મારા બેનરો ઉતારવાનું શરૂ કરાયું છે. આમ આદમી પાર્ટીને શુભેચ્છા આપતા બેનરોમાં જ્યાં પણ મારો ફોટો છે તે બેનરો એકાએક ઉતારવાનું શરૂ કરી દેવાયું છે. જો આ પોસ્ટરો અને બેનરો ગેરકાયદેસર રીતે લાગ્યા હોય તો તેને કોર્પોરેશનની ટીમ દ્વારા ઉતારી લેવા જોઇએ અને તેની સાથે હું સહમત છું. પરંતુ જો કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કર્યા વગર આ બેનરજો શુભેચ્છા પાઠવવા માટે લગાડવામાં આવ્યા હોય તો તે ઉતારવા કેટલું વ્યાજબી છે, તે તમે સમજી શકો છો. પરંતુ આ બાબતે હું વધુ કંઇ કહેવા માંગતો નથી, લોકો યોગ્ય સમયે તેનો જવાબ આપી દેશે.