સોમવારે પત્નીનો સીમંત હતો, ને ડૂબતા યુવાનને બચાવવામાં પતિને મળ્યુ મોત, પત્નીનું છાતીફાટ રૂદન

માણસા તાલુકાના જૈનતીર્થ મહુડી પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં શનિવારે કડીથી કેટલાક યુવાનો શ્રાવણી અમાસે દર્શન કરી નદીમાં સ્નાન માટે આવ્યા હતા. આ યુવાનો પૈકી એક યુવક નદીમાં ડૂબતો જોઈ તેના ચાર-પાંચ મિત્રો તેને બચાવવા ઉતર્યા હતા. જેમાંથી કડી ભાઉપુરાના યુવકનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં માણસા ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક મહુડી પહોંચી મૃતકને બહાર લાવી તેના પરિવારજનોને જાણ કરી હતી.

શ્રાવણી અમાસે કડીથી કેટલાક યુવકો મહુડી ખાતે દર્શન કરવા તેમજ અહીંથી પસાર થતી સાબરમતી નદીમાં ન્હાવા માટે આવ્યા હતા. શનિવારે બપોરે આ યુવાનો નદીમાં નહાવા ગયા તે વખતે એક યુવકને પાણીમાં ડૂબતો જોઈ તેના ચાર-પાંચ મિત્રો બચાવવા માટે ગયા હતા. પરંતુ ડૂબનાર યુવક પાણીના પ્રવાહમાં થોડીક ઊંચી જગ્યાએ પહોંચી જતાં તે બચી ગયો હતો.

પરંતુ તેને બચાવવા માટે પડેલા પાંચ યુવકો પૈકી પ્રકાશભાઈ રાવળ નામનો 25 વર્ષીય યુવક ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયો હતો. આ વખતે અન્ય ચાર મિત્રો પણ ડૂબવા લાગ્યા હતા. પરંતુ બહાર કિનારે ઊભા રહેલા લોકોએ તમામ યુવકોને બહાર ખેંચી લાવ્યા હતા. પરંતુ પ્રકાશભાઈ નદીના ઊંડા પાણીમાં જતા રહેતા તેને બચાવી શકાયા ન હતા.

કેવી કરુણતા : સોમવારે પત્નીનો સીમંતનો પ્રસંગ છે
કડીના ભાઉપુરા સ્થિત રાવળવાસમાં રહેતા રાવળ પ્રકાશ દિનેશભાઈ (22)ના દોઢેક વર્ષના લગ્નજીવન બાદ સોમવારે તેની પત્નીનો સીમંતનો પ્રસંગ હતો. તે પહેલાં તેના અવસાનથી પત્ની સહિત પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. યુવક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને મહોલ્લાના અન્ય યુવાનો સાથે મહુડી દર્શને ગયો હતો.

error: Content is protected !!