રાજકોટના ઉદ્યોગપતિની અંતિમયાત્રામાં પરિવારનું કરુણ આક્રંદ, સર્જાયા ભાવુક દ્રશ્યો, જુઓ તસવીરો

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પરિવારજનોના હૈયાફાટ રૂદન વચ્ચે હાલ તેમના ઘરેથી તેમની અંતિમયાત્રા નીકળી છે. હાલ ઉદ્યોગપતિના પરિવારજનોને રાજકીય અગ્રણીઓ સાંત્વના પાઠવવા પહોંચ્યા છે. આ સમગ્ર મામલે ઉમિયાધામ સીદસરના ઉપપ્રમુખ જગદીશ કોટડીયાએ મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટ જેવા નાના શહેરમાં આવી ઘટના ખૂબ જ ગંભીર કહેવાય જયારે પાટીદાર અગ્રણી જેરામ પટેલે જણાવ્યું હતું કે,સમગ્ર મામલે પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઈએ.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આજે સવારના સમયે ઝેરી દવા પી અને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતાં પહેલાં એક સ્યૂસાઈડ નોટરૂપી પ્રેસ નોટ લખી હતી, જે દરેક અખબારોમાં મોકલી હતી. આ પ્રેસ નોટમાં તેમને તેમના આપઘાત પાછળ ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાનું જણાવ્યું છે, સાથે જ અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ, અતુલ મહેતા અને અમદાવાદના લોકો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.

બનાવની જાણ થતાં તેમનાં પરિવારજનો મિત્રો તેમજ રાજકીય આગેવાનો તેમના ઘરે આવી પહોંચ્યાં હતાં. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમના નજીકના મિત્ર છે, તેઓ પણ આજે આ બનાવ બનતાં અવાચક થઈ ગયા હતા. મિત્ર મહેન્દ્રભાઈ ક્યારેય આવું પગલું ભરે એવું સ્વપ્ને પણ વિચારી શકાય એમ ન હતું, પરંતુ આજે આ ઘટના બનતાં સૌકોઈ લોકો શોક થઇ ગયા છે.

હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરાઇ છે, જ્યાં મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ, મિત્રો, રાજકીય આગેવાનો અને પરિવારજનો આવી પહોંચ્યાં છે.

ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર ફળદુને સંતાનમાં એક જ દીકરો છે જેનું નામ પ્રિયાંક ફળદુ છે. એ પણ પિતાના વ્યવસાયમાં સાથે કામ કરતા હતા અને થોડા સમય પહેલાં જ તેમના લગ્ન થયા હતા.

ગઇકાલે રાત્રિના મહેન્દ્ર ફળદુએ ઓફિસ સ્ટાફને સવારે ઓફિસ મોડું આવવા માટે સૂચના આપી હતી અને પોતે સવારે 8.30 વાગ્યે ઘરેથી નીકળી સીધા ઓફિસ પહોંચ્યા હતા અને ઓફિસ પહોંચી આત્મહત્યા કરી લીધી હતી.

error: Content is protected !!