વધુ એક યુવાન લૂંટેરી દુલ્હનના જાળમા ફસાયો, લગ્ન થયાના અઠવાડિયામાં જ સ્વરૂપવાન યુવતી બધું લઈ છૂમંતર

રાજ્યમાં લગ્નવાંછુક યુવકને ફસાવીને ભાગી જતી લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય થઈ છે. અનેક એવા યુવકો છે, જેમને પોતાની જીવનસાથી શોધવામાં અનેક મુશ્કેલીઓ પડે છે તેવા સમયમાં માસૂમ લોકોને ફસાવવા માટે આખી ગેંગ સક્રિય હોય છે. એમાં કન્યા, તેનાં પરિવારજનો, ઘર અને બધું બોગસ હોય છે. જ્યારે લગ્ન થાય ત્યાર બાદ યુવતી એક સપ્તાહમાં હાથફેરો કરીને જતી રહે છે.

જ એક યુવકને ફસાવીને તેના ત્રણ લાખ રૂપિયા લઈને એક અઠવાડિયામાં દુલ્હન, તેના સ્વજન ફરાર થઈ ગયાં છે. એટલું જ નહીં, યુવતીએ પહેલાં પણ લગ્ન કર્યાં અને યુવકને નૈવેદ્ય કરવાનું કહીને ગઈ અને બીજા લગ્ન પણ કરી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના માણસા પાસે રહેતા 38 વર્ષના અલ્પેશભાઈ સોની પોતે સોનીની દુકાનમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. માતાના મોત બાદ અલ્પેશભાઈ અને તેમના પિતા ઘરે એકલા જ રહેતા હતાં. અલ્પેશ ભાઈ પોતાના માટે સારું પાત્ર શોધતા હતા, એવા સમયે તેમના પિતાના પરિચયથી એક મહિલાનો નંબર મળ્યો, જેને સોનલ નામની યુવતીની વાત કરી હતી.

સોનલને જોવા માટે અલ્પેશભાઈ અમદાવાદ આવ્યા હતા. ત્યાર બાદ સોનલ અને પરિવારને ઘર જોવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાર બાદ લગ્ન નક્કી થઈ ગયા અને અમદાવાદ ગોમતીપુર નજીક વકીલની ઓફિસ પાસે લગ્ન કરાવ્યા હતા. લગ્ન સમયે સોનલના કહેવાતાં સગાંએ અલ્પેશભાઈ પાસે 3 લાખ રૂપિયા લીધા હતા.

એ રૂપિયા થોડા થોડા કરીને અલ્પેશભાઈએ ભેગા કર્યા હતા. અલ્પેશભાઈ અને સોનલના લગ્ન થયા બાદ તેઓ માણસા રહેવા ગયા હતા, જ્યાં એક સપ્તાહ બાદ સોનલની માસી તેને નૈવેદ્યના બહાને લેવા આવી હતી અને પોતાની સાથે લઈ ગઈ હતી.

માસી સાથે પિયર ગયેલી સોનલ પાછી આવતી નહોતી અને અનેક વખત વાયદા કરાતા હતા. જેથી અલ્પેશભાઈ સોનલને શોધવા અમદાવાદ આવ્યા તો તેના ઘરે તાળું હતું. એટલું જ નહીં, થોડા દિવસ બાદ અલ્પેશભાઈના ઘરે એક ભાઈ આવ્યા અને કહ્યું, મારા સોનલ સાથે લગ્ન થયા હતા અને તમારી પાસેથી ગયા બાદ પણ સોનલના લગ્ન બીજે થયા હતા. આમ, લૂંટરી દુલ્હનનો પર્દાફાશ થયો, પણ હજી કોઈ આરોપી મળી આવ્યા નથી. હાલ આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!