ખેલ પાડે એ પહેલાં જ લૂંટેરી દુલ્હનને પોલીસે ઝડપી પાડી, પછી થયા આવા હાલ

ઊનાઃ ઊનામાં લગ્ને-લગ્ને કુંવારી લૂટેરી દુલ્હન આજે સવારના સમયે એક યુવક અને તેના મળતિયાઓ સાથે વાજતે-ગાજતે લગ્ન કરવા પહોંચી હતી. પણ વરરાજાને તેની પોલ અંગે પહેલેથીજ જાણ થઇ જતાં તેણે પોલીસને જાણ કરી. અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી લૂટેરી દુલ્હન, દલાલ મહિલા સહિતની ટોળકીને પકડી લીધી હતી.

સગાઈ વખતે લેવડ-દેવડની વાત કરી હતી
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, તાલુકાના નાળિયેરી મોલી ગામે રહેતા રમેશભાઇ હરીભાઇ રાખોલિયાના એકના એક પુત્ર હિતેષ (ઉ. 30) ના લગ્ન કરાવવાના હોઇ તેમણે બાજુના કાકડીમોલી ગામે રહેતા વિનુભાઇ રણછોડભાઇ રાઠોડને વાત કરી હતી. આથી વિનુભાઇએ કન્યા રાજકોટ હોઇ ત્યાં જવું પડશે એમ કહ્યું હતું. આથી હિતેષ, તેનો મિત્ર પરેશ રામાણી અને વચેટિયા વિનુભાઇ સહિતના લોકો રાજકોટ ગયા હતા. ત્યાં સપના રમેશભાઇ કોસિયા નામની યુવતી સાથે હિતેષની મુલાકાત કરાવાઇ હતી. હિતેષ અને સપનાએ વાતો કરી એકબીજાને પસંદ પણ કર્યા. પણ સગાઇ નક્કી કરવાની વાત આવી ત્યારે સપનાની સાથે રહેતી જૂનાગઢની યુવતી કાજલ પરેશ હિરપરાએ લેવડ-દેવડની વાત કરી.

ઉના કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હોય
સપનાના લગ્નની ખરીદી માટે રૂપિયા માંગતાં હિતેષે રૂ. 20 હજાર રોકડા અને ખરીદી માટે કુલ રૂ. 41 હજાર રોકડા આપ્યા હતા. લગ્ન બાદ રૂ. 2 લાખ રોકડા આપવાના અને કન્યાના દાગીના પણ બનાવી આપવાનું નક્કી થયું હતું. વરરાજા હિતેષ પણ કન્યાપક્ષની વાતમાં સહમત થયો. તા. 21 જુને કન્યા પક્ષના લોકો ઊના આવી કોર્ટમાં લગ્ન કરશે એવું નક્કી થયું. ત્યારબાદ શનિવારે કન્યા સહિત તેમના મળતિયા કારમાં ઊના પહોંચ્યા. કારનું રૂ. 5500 ભાડું પણ વરરાજાએ ચૂકવવાનું કહેતાં ભાડું પણ વરરાજાએ ચૂકવી આપ્યું. બાદમાં હિતેષભાઇ અને તેમના પરીવારજનો તેમના વકીલની ઓફીસે ગયા હતા. વકીલને વાત કરતા વકીલે કન્યાના આધારકાર્ડ, જન્મ તારીખનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જે સપનાએ આપ્યા.

સાદા ડ્રેસમાં આવેલી પોલીસે ઝડપી પાડ્યાં
બાદમાં વરરાજાના વકીલે સઘળા ડોક્યુમેન્ટની તપાસ કરતાં તે બોગસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાયું હતું. આથી તેમણે ગિર-સોમનાથ એસપીને અરજી કરી. મંગળવારે સપનાનો ફોન હિતેષ પર ફોન આવ્યો કે, અમે 23 મીએ આવીશું. તમે દાગીના અને રૂ. 2 લાખ રોકડા તૈયાર રાખજો. આથી હિતેષભાઇએ ઊના પોલીસને આ વાતથી વાકેફ કરી હતી. ​​​​​​​સવારે 11 વાગ્યે સપના, તેની માતા કાસીબેન રમેશ કોસિયા, કાજલ પરેશ હિરપરા, કાકડીમોલી ગામનો વચેટિયો વિનુ રાઠોડ અને તેની પત્નિ ક્રિષ્ના અને બીજા બે શખ્સો ઊના કોર્ટમાં આવ્યા. એ વખતે સાદા ડ્રેસમાં આવેલી પોલીસે તમામને ઝડપી લઇ પોલીસ સ્ટેશને લાવ્યા હતા. અને સમગ્ર કૌભાંડ અંગે પુછપરછ હાથ ધરી હતી. આ અંગેની વરરાજા હિતેષ રમેશભાઇ રાખોલિયાની ફરિયાદનાં આધારે નવેય સામે ગુનો નોંધાયો છે.

લૂંટેરી દુલ્હન સાથે પકડાયેલા 9 શખ્સોનાં અસલી નામ
વિનોદભાઇ ઉર્ફે વિક્રમ રણછોડ રાઠોડ, ક્રિષ્ના ઉર્ફે ગિતાંજલી વિનોદ રાઠોડ, અંજુમ ઉર્ફે સપના નાઝીર હુસેન સોલંકી, શારબાઇ ઉર્ફે સાયરા ઉર્ફે કાશીબેન હનિફભાઇ ઠેબા, ભાવનાબેન ઉર્ફે કાજલબેન રાજેશ ગડારા, ગોવિંદ હિરાભાઇ વ્યાસ, અશ્વિન ધરમશી લીંબોડીયા, વિશાલ બેચર સરવૈયા, ગોવિંદ ધરમશી લીંબોડીયા.

error: Content is protected !!