‘લતાદીદી અમર રહે’ના નારા સાથે લતા મંગેશકરની અંતિમ યાત્રા શરૂ, ચાહકો રડી પડ્યા, જુઓ તસવીરો

6 ફેબ્રુઆરી, 2022ને રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્યાંથી તેમનો પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવશે.

સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મુંબઈ પહોંચશે અને લતાદીદીને શ્રદ્ધાંજલિ આપશે. લતાજીના અંતિમ સંસ્કાર પણ શિવાજી પાર્ક સ્થિત સ્મશાન ગૃહમાં સાંજે 6-30 વાગ્યે કરવામાં આવશે.

લતા મંગેશકરના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે અમિતાભ બચ્ચન સહિતની સેલિબ્રિટિઓ પહોંચી રહી છે. અને લતા તાઈના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

લતાદીદીના અવસાનના શોકમાં ભારત સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ બે દિવસ દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીને ઝૂકેલો રહેશે અને તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

8 જાન્યુઆરીએ 92 વર્ષીય લતાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ દાખલ થયાના સમાચાર પણ બે દિવસ પછી 10 જાન્યુઆરીએ સામે આવ્યા હતા. તેઓ 29 દિવસ સુધી કોરોના અને ન્યુમોનિયા બંને સામે એકસાથે લડી રહ્યા હતા.

તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા. લાંબા સમયથી લતાજીની સારવાર કરી રહેલા ડો.પ્રતાત સમધાનીની દેખરેખ હેઠળ તબીબોની ટીમ લતાજીની સારવાર કરી રહ્યા હતા. સારવાર દરમિયાન તેમની તબિયતમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો. તેને સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. લગભગ 5 દિવસ પહેલા તેમની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો હતો. ઓક્સિજન દૂર કરાયો હતો પણ ICUમાં જ રખાયા હતા. જો કે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

લતાજીએ લગભગ બે વર્ષ સુધી ઘરેથી બહાર નીકળ્યા ન હતા. તેઓ ક્યારેક-ક્યારેક સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને સંદેશા આપતા હતા. વધતી જતી ઉંમર અને તબિયતને કારણે તેઓ પોતાના રૂમમાં જ વધુ સમય પસાર કરતા હતા. તેમના ઘરના સ્ટાફના એક મેમ્બરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સ્વર કોકિલા, દીદી તથા તાઈ જેવાં હુલામણાં નામોથી લોકપ્રિય લતાજીના નિધનથી દેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ચાહકો તેમના સાજાં થઈ જવાની દુઆ કરતાં હતાં, પરંતુ આજે કરોડો સંગીતપ્રેમીઓનું દિલ તૂટી ગયું.

લતા મંગેશકર સ્ટુડિયોઝ એન્ડ મ્યુઝિકના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) મયૂરેશ પઈએ કહ્યું હતું કે લતાદીદીને કોરોનાને કારણે શનિવાર (8 જાન્યુઆરી) મોડી રાતના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. ઘરમાં કામ કરતા હાઉસ હેલ્પરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને દીદી તેના સંપર્કમાં આવ્યાં હતાં, આથી લતાજીનો ટેસ્ટ કરાવ્યો તો તેઓ પોઝિટિવ આવ્યાં હતાં.

92 વર્ષીય લતાજીએ 36 ભાષામાં 50 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. એક હજારથી વધુ ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો હતો. 1960થી 2000 સુધી લતા મંગેશકરનાં ગીત વગર ફિલ્મ અધૂરી માનવામાં આવતી હતી. તેમનો અવાજ ગીત હિટ જશે, તેવી ગેરંટી હતી. વર્ષ 2000 પછી તેમણે ગાવાનું ઓછું કરી નાખ્યું હતું. છેલ્લે તેમણે 2015માં આવેલી ફિલ્મ ‘ડોન્નો વાય’માં ગાયું હતું.

અંદાજે 80 વર્ષથી સંગીતની દુનિયામાં સક્રિય લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. 13 વર્ષની નાની ઉંમરથી તેમણે ગાવાનું શરૂ કર્યું હતું. લતાજીના પિતા પંડિત દીનાનાથ મંગેશકર સંગીતની દુનિયા તથા મરાઠી થિયેટરનું જાણીતું નામ હતું. તેમણે જ લતાજીને સંગીતનું શિક્ષણ આપ્યું હતું. પાંચ ભાઈ-બહેનમાં લતાજી સૌથી મોટાં હતાં. ત્રણ બહેનો આશા ભોસલે, ઉષા મંગેશકર, મીના મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકર છે.

લતાજી બહેન ઉષા તથા ભાઈ હૃદયનાથના પરિવાર સાથે મુંબઈના પેડર રોડ સ્થિત પ્રભા કુંજના ફર્સ્ટ ફ્લોર પર રહેતા હતા. બહેન આશા અહીંથી થોડેક જ દૂર રહે છે. વર્ષો સુધી પ્રભા કુંજની સવાર લતાજીના રિયાઝથી પડતી હતી. છેલ્લાં ચારેક વર્ષથી લતાજીએ તબિયતને કારણે રિયાઝ લગભગ બંધ કરી દીધો હતો.

લતાજીને સંગીતની દુનિયામાં 80 વર્ષ થઈ ચૂક્યાં છે. આ દરમિયાન તેમણે 30 હજારથી વધુ ગીતો ગાયાં છે. 2001માં ભારત સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યાં હતાં. 1989માં તેમને દાદા સાહેબ ફાળકે અવોર્ડથી નવાજમાં આવ્યાં હતાં.

error: Content is protected !!