વૃદ્ધાશ્રમના આંગણે દીકરાને જોતા જ કુંવરબા ચોંધાર આંસુએ રડ્યા, સર્જાયા લાગણીસભર દ્રશ્યો

સમાજમાં અમુક એક એવા કિસ્સાઓ આવતાં હોય છે જે તમને વિચારવા મજબૂર કરી દે છે. આવો જ એક બનાવ રાજકોટમાં સામે આવ્યો છે. પરિવારમાં દીકરો માતા-પિતાને વૃદ્ધાશ્રમ મૂકી આવે એવા અનેક કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે. પણ રાજકોટમાં એક ઘટના સામે આવી એ કંઈક અલગ જ છે. જાતે ઘર છોડી વૃદ્ધાશ્રમ જઈને વસી ગયેલા માતાને પાંચ વર્ષ બાદ દીકરો હરખભેર પાછો લેવા આવ્યો હતો. વૃદ્ધાશ્રમમાં વર્ષો સુધી જેમની સાથે સમય પસાર કર્યો એ સહેલીઓથી દૂર જવાનો સમય આવતા ખૂબ જ સુખદ અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

વાત એમ છે કે રાજકોટના કુંવરબાના પતિનું થોડા વર્ષો પહેલાં અવસાન થયું હતું. બાદમાં પરિવારમા મિલકતને લઈને સમસ્યાઓ ઉભી થઈ હતી. પતિના મૃત્યુ સમયે કુંવરબા પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. જોકે કુંવરબા પાસે પોતાની અમુક મિલકતો હતી. કુંવરબા પાસે રહેલી આ મિલકતને અમુક લોકો ખૂબ સસ્તા ભાવે ખરીદવા માંગતા હતા. કુંવરબાએ ટસના મસ ના થયા અને મિલકત વેચવાની ચોખ્ખી ના પાડી દીધી. બાદમાં કુંવરબા રાજકોટના વૃદ્ધાશ્રમમાં જાતે જ રહેવા ચાલ્યા ગયા હતા.

અહીં વૃદ્ધાશ્રમમાં કુંવરબા પાંચ વર્ષ રહ્યા હતા. દરમિયાન કિંમતો વધતા કુંવરબાએ પોતાની પાસે રહેલી મિલકતો ઉંચા ભાવે વેચી હતી .બીજી તરફ તેમનો દીકરો ખૂબ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યો હતો. આથી માતાએ દીકરાને પોતાની મરણમૂડી આપી દીધી હતી.

માતાએ કરેલી આર્થિક મદદ બાદ દીકરાનું નસીબ ચમકી ઉઠ્યું હતું. દીકરાની આર્થિક સ્થિતિ સુધરી ગઈ અને તેણે પોતાનું મકાન ખરીદ્યું હતું. દીકરાના જીવનમાં ખુશી લહેરાઈ ગઈ હતી. દરમિયાન દીકરાની વહુએ મમ્મી (સાસુ)ને ઘરે લાવવાની વાત કરી હતી. આથી દીકરો, વહુ અને પૌત્ર બાને તેડવા માટે કાર લઈને વૃદ્ધાશ્રમ આવ્યા હતા. દીકરા અને વહુને જોઈને કુંવરબા ભાવુક થઈને રડી પડ્યા હતા. પરિવાર રાજીખુશીથી બાને ઘરે લઈને ગયો હતો.

બીજી તરફ કુંવરબા પાંચ વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહેતા હોવાથી અહીં રહેતા અન્ય વૃદ્ધાઓ સાથે તેમને ઘરોબો થઈ ગયો હતો. બધી વૃદ્ધાઓના સંબંધ ભાવુક તાંતણે બંધાઈ ગયા હતા. આથી કુંવરબા સાથે છૂટા પડવાના સમયે સાથી વૃદ્ધાઓની આંખોમાં આસુંઓ આવી ગયા હતા. અને બધા ચોંધાર આસુએ રડ્યા હતા. તેમના મનમાં એક તરફ બહેનપણી દૂર જવાનું દુ:ખ હતું તો બીજી તરફ બહેનપણી તેના પરિવાર સાથે સુખેથી જીવન જીવશે તેનો આનંદ પણ હતો. આમ આ એક બનાવે માનવતા અને પરિવારની ભાવનાને વધુ મજબૂત કરી છે.

error: Content is protected !!