અંતિમપળોમાં ખુશખુશાલ દેખાતો હતો કિશન ભરવાડ, કહ્યું હતું મારી લાડલીને ભણાવી-ગણાવી ડોક્ટર બનાવીશ

ધંધૂકાના યુવક કિશન ભરવાડની હત્યા બાદ ગુજરાતભરમાં રોષ ફાટી નીકળ્યો છે. ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી મૂકી છે. લોકોએ હત્યારોને કડડમાં કડક સજા કરાવવાની માંગ કરી છે. અનેક લોકોએ કિશન ભરવાડના જઈને તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. જુવાનજોધ દીકરાના મોત બાદ પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. હજી 20 દિવસ પહેલાં જ દીકરીના પિતા બનેલા કિશનની હત્યાથી પરિવારની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. પત્ની, માતા, બહેન અને પિતાની આંખોમાં આંસુમ કેમેય કરીને રોકાતા નથી. ઝેરોક્સની દુકાન ચલાવી ગુજરાત ચલાવતા કિશનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

કિશનની સાસરી વડોદરામાં તેના સસરા, સાળા સહિતના સંબંધીઓ શોકની લાગણીમાં ડૂબી ગયા છે. કિશનના સસરા જેસંગભાઈ તો પોતાના જમાઈની હત્યાના આઘાતથી ભાંગી પડ્યા છે. તેમણે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા જમાઈ કિશનભાઈના ઘેર દીકરીના જન્મના 20 દિવસ બાદ જ તેમની હત્યા કરી દેવાઈ. અમારા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જમાઇ કિશન દીકરી જન્મતાં ખૂબ ખુશ હતા અને તેને ભણાવી-ગણાવીને ડોક્ટર બનાવવા માગું છું, એમ તેમણે અમને છઠ્ઠીના દિવસે કહ્યું હતું. એ દિવસે અમારી દોહિત્રીનાં કંકુપગલાં પડાવ્યાં હતાં. અમારા જમાઈનું આ સપનું હવે અમે પૂરું કરીશું.

સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂક્યા બાદ પોલીસ કેસ થયો અને જામીન પર છૂટેલા કિશન ભરવાડની ધંધૂકામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જ્યારે કિશનની હત્યા કરવામાં આવી ત્યારે તેમના ઘરે દીકરીને જન્મ થયાને માત્ર 20 દિવસ જ થયા હતા. મિડીયા સાથેની વાતમાં કિશનના વડોદરા ખાતે રહેતા સસરા જેસંગભાઇએ જણાવ્યું હતું કે ભાણીનો જન્મ થતાં છઠ્ઠીના દિવસે વસ્ત્રો અને અન્ય વસ્તુઓ લઇને અમે વડોદરાથી ધંધૂકા ગયા હતા. ત્યારે અમને જાણવા મળ્યું કે અમારા જમાઇની ઇચ્છા હતી કે મારા ઘરે લક્ષ્મી (દીકરી)નો જન્મ થાય. દીકરીનો જન્મ થયા પછી જમાઇ કિશન ખૂબ ખુશ હતા અને તેમના હરખની કોઇ સીમા નહોતી.

નામકરણ વખતે તેમણે અમારી બધાની હાજરીમાં જમાઇ કિશને કહ્યું હતું કે મારું સપનું છે કે હું મારી દીકરીને ભણાવી-ગણાવીને ડોક્ટર બનાવીશ. તેમની એ ઇચ્છા રહી ગઇ, પણ હવે તેમની આ ઇચ્છા અમે પૂરી કરીશું. હું તેમના પરિવારના સભ્યોને પણ આ અંગે કહીશ અને અમે બધા મળીને કિશનની ઇચ્છા પૂરી કરીશું.

કિશન દીકરીના જન્મ બાદ એટલો ખુશ હતો કે પત્નીને ડિલિવરી બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે તેના ઘરમાં પ્રથમ કંકુપગલાં કરાવ્યાં હતાં. ઘરમાં આવતાં જ કિશન અને તેમની પત્નીએ દીકરીને તેડીને ફૂલોની ચાદર પર પાપા પગલી કરાવી હતી. એ બાદ કંકુથી દીકરીનાં પગલાં ઘરમાં પડાવ્યાં હતાં અને એ કાપડ પર પાડેલાં પગલાં યાદગીરી રૂપે સાચવી રાખ્યાં છે. ઘરમાં પણ તેના આગમન ટાણે વેલકમ બેબી લખી ડેકોરેશન કર્યું હતું. ઉત્તરાયણ પર્વ હોવાથી દીકરીના આજુબાજુ પતંગ, ફિરકી અને ચિક્કીનું ડેકોરેશન કરી ઉત્તરાયણની થીમ પર ફોટોગ્રાફી અને વીડિયો પણ બનાવ્યો હતો તથા વહાલ વરસાવ્યું હતું.

વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ નજીક ખોડિયાનગર વિસ્તારમાં રહેતા કિશનના સસરા જેસંગભાઇએ મિડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે હત્યા થયાના આઠ દિવસ પહેલાં જમાઇ કિશનભાઇ સાથે મારે ફોન પર વાત થઇ હતી. મેં તેમને કહ્યું હતું કે તમે સોશિયલ મીડિયા પર જે પોસ્ટ મૂકી એની વિરુદ્ધ તમારી સામે આવેદનપત્ર આપી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને માફી પણ મગાવવામાં આવી તેમજ ધરપકડ બાદ જામીન મળ્યા છે. તેથી હવે તમે ત્યાં ન રહેશો, મામલો થાળે પડી જાય ત્યાં સુધી તમે વડોદરા આવી જાઓ. મેં વેવાઇ શિવાભાઇને પણ કહ્યું હતું કે જમાઇને વડોદરા મોકલી દો, પરંતુ નરાધમોએ જમાઇ કિશનને એવી રીતે વિશ્વાસમાં લઇ લીધા હતા કે હવે સમાધાન થઇ ગયું છે, પરંતુ વિશ્વાસમાં લીધા બાદ એ લોકોએ દગો કર્યો અને પાછળથી હુમલો કર્યો, ગોળી મારી હત્યા કરી. અમારી વેદના છે કે તમને અલ્લાહ અને અમારો ઠાકર ક્યારેય માફ નહીં કરે.

વિધર્મીઓ દ્વારા ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા બાદ વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર ખોડિયારનગર ચાર રસ્તા પાસે સયાજી ટાઉનશિપ નજીક રહેતા કિશન ભરવાડના સસરા જેસંગભાઇ મોતીભાઇ ભરવાડ અને સાળા પ્રકાશભાઇએ જણાવ્યું હતું કે અમારી માગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે અથવા તો તેમનું જાહેરમાં એન્કાઉન્ટર કરવામાં આવે. જો આરોપી મૌલવીઓ છે તેમને પણ કડકમાં કડક સજા થવી જોઇએ.

ધંધૂકામાં ગત 25 જાન્યુઆરીએ ધોળા દિવસે કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત ATS તપાસ કરી રહી છે, જેમાં અત્યારસુધીમાં દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માની સહિત 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓને ધંધૂકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ ATS તરફથી માગવામાં આવ્યા હતા. જોકે કોર્ટ દ્વારા 7મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!