કિશનના નિધન બાદ પરિવારના સૂકાતા નથી આંસુ, બહેનનું કરુણ આક્રંદ, જાણો માતાએ શું કહ્યું?

ધંધૂકાના યુવક કિશન ભરવાડની હત્યા બાદ ગુજરાતભરમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકોએ હત્યારોને કડડમાં કડક સજા કરાવવાની માંગ કરી છે. અનેક લોકોએ કિશન ભરવાડના જઈને તેમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. જુવાનજોધ દીકરાના મોત બાદ પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. હજી 20 દિવસ પહેલાં જ દીકરીના પિતા બનેલા કિશનની હત્યાથી પરિવારની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. પત્ની, માતા, બહેન અને પિતાની આંખોમાં આંસુમ કેમેય કરીને રોકાતા નથી. ઝેરોક્સની દુકાન ચલાવી ગુજરાત ચલાવતા કિશનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

બહેન- ભાઈ વગર હવે અમે શું કરીશું
ભાઈના મોતથી બહેનની આંખોમાં હજી પણ આંસુ સૂકાવાનું નામ નથી લેતા. તેણે રડતાં રડતાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘એ લોકોએ ખોટી રીતે માર્યો મારા ભાઈને, દગો દઈને પીઠ પાછળ ઘા કર્યો છે. અમારે બીજું કશું નથી કહેવું, બસ મારા ભાઈને ન્યાય અપાવો. અમોને તાત્કાલિક ન્યાય આપો બસ.., અમે બહેનો ભાઈ વગરની થઈ ગઈ, હવે અમે શું કરીશું.’

માતા- દીકરા પાસે માફી મગાવી પછી દગાથી મારી નાખ્યો
કિશન ભરવાડનાં માતાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, ‘મારા દીકરાને ખોટી રીતે મારવામાં આવ્યો છે. પહેલાં એની પાસેથી માફી મગાવી.અને પછી એને દગાથી મારી નાખ્યો છે.’

પિતા- આરોપીને તાત્કાલિક સજા કરવામાં આવે?
જુવાનજોધ દીકરાના નિધનથી કિશન ભરવાડના પિતા પણ દુ:ખી દુ:ખી થઈ ગયા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘સોશિયલ મીડિયા પર શું ચાલે છે તેની તો મને ખબર નથી. પરંતુ મારા દીકરાને એણે મૂકેલી પોસ્ટને લઈને અદાવત રાખીને મારી નાખવામાં આવ્યો છે. અમારી અપેક્ષા એ છે કે આરોપીની તાત્કાલિક જે સજા થવી જોઈએ એવું અમે માંગી રહ્યા છીએ.’

ઝેરોક્સની દુકાન સાથે પશુપાલનનો ધંધો કરતો
મૂળ લીંબડીના ચૂડા તાલુકાના ચચાણા ગામના રહેવાસી કિશન બોળિયા ધંધૂકાના મોઢવાડા વિસ્તારમાં તેમની પત્ની, માતા-પિતા અને 20 દિવસની દીકરીના પરિવાર સાથે રહેતો હતો. કિશન ભરવાડ પશુપાલન સાથે ઝેરોક્સની દુકાન ચલાવતો હતો. નાનપણથી જ તેઓ ધંધૂકા ખાતે રહેતા હતા. મોઢવાડ વિસ્તારમાં ગલીની અંદર ઘરની 50 મીટર દૂર જ તેની હત્યા કરવામાં આવી હતી

શું ઘટના હતી?
ગયા 25મી જાન્યુઆરીના રોજ ધંધૂકામાં કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. આ ઘટના બહાર આવતા માલધારી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જોકે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.

આ ઘટનાના બે દિવસ બાદ ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારની મુલાકાત લઈને ઝડપી ન્યાયની ખાતરી આપી હતી. પોલીસે પણ કેસની ગંભીરતા પારખીને હત્યામાં સામેલ બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બાદમાં અમદાવાદ મૌલવીને દબોચી લીધો હતો. કેસમાં હથિયાર પુરા પાડનાર રાજકોટના શખસેને પકડી લેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 6 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ કેસમાં રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.

error: Content is protected !!