ઝેરોક્ષની દુકાનથી પરિવારનું ગુજરાન ચલાવતો, પણ એક ક્ષણમાં જ લાડકીના માથેથી પિતાનો આશરો છીનવાયો

અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે રહેતા કિશન ભરવાડની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે હત્યા કરવામાં આવી હતી. કિશનની હત્યાને પગલે પરિવાર ખૂબ જ ઘેરા આઘાતમાં સરી પડયો છે. કિશનના ઘરે 20 દિવસ પહેલાં જ પારણું બંધાયું હતું. બોળિયા પરિવારમાં કિશનના ઘરે દીકરીના જન્મ થયા ને થોડા જ દિવસમાં તેના માથેથી પિતાનું સુખ છીનવી જતાં પરિવાર આઘાતમાં આવી ગયો છે. પરિવારની હવે એક જ માગ છે કે 20 દિવસની દીકરીને તેના પિતાની હત્યા કરનારાને સજા મળે અને પરિવારને ન્યાય મળે.

મૂળ લીંબડીના ચૂડા તાલુકાના ચચાણા ગામના રહેવાસી કિશન બોળિયા ધંધૂકાના મોઢવાડા વિસ્તારમાં તેમની પત્ની, માતા-પિતા અને 20 દિવસની દીકરીના પરિવાર સાથે રહેતા હતા. કિશન ભરવાડ પોતે ઝેરોક્સની દુકાન ધરાવતો હતો. નાનપણથી જ તેઓ ધંધૂકા ખાતે રહેતા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, કિશન ખૂબ જ વ્યવસ્થિત વ્યક્તિ હતો. કોઈપણ વ્યક્તિ સાથે તેને દુશ્મની હતી નહિ. કોઈ ખોટા રસ્તે પણ ચડેલો છોકરો નહોતો, ખૂબ જ સારો હતો.

કિશન ભરવાડના ઘરે હજી 20 દિવસ પહેલાં જ દીકરીનો જન્મ થયો હતો અને ઘરમાં દીકરીના જન્મની ખુશીઓ મનાવાઇ રહી હતી. પિતા કિશન હજી દીકરીને ભરપૂર રીતે પિતાનો પ્રેમ અને રમાડવાનું સુખ આપ્યું ન હતું અને થોડા જ દિવસોમાં કિશનની કટ્ટરવાદી માનસિકતા ધરાવતી વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી નાખી હતી. આજે પરિવારની માસૂમ દીકરીને ન્યાય મળે એવી કિશનની બહેનો પણ માગ કરી રહી છે. મૃતક યુવકની પ્રાર્થના સભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. જ્યાં કિશન ભરવાડની માત્ર 20 દિવસની દીકરીને હાથમાં લઈ તેઓ ભાવુક થયા હતા અને ઝડપથી ન્યાય અપાવશે તેવી પરિવારને ખાતરી આપી હતી.


કિશન ભરવાડનું મકાન અમદાવાદમાં આવેલા કોટ વિસ્તાર જેવા ધંધૂકાના મોઢવાડ વિસ્તારમાં આવેલું છે. કિશનના મકાનની મુલાકાત લીધી ત્યારે તેનું નાનકડી ડેલીવાળું ઘર છે અને ઘરની બાજુમાં જ તેની ઝેરોક્સની દુકાન આવેલી છે. મોઢવાડ વિસ્તારમાં ગલીની અંદર ઘરની 50 મીટર દૂર જ તેની હત્યા કરવામાં આવી હતી. જ્યાં હત્યા કરવામાં આવી હતી ત્યાં પોલીસે બેરિકેડ્સ ગોઠવી દીધાં હતાં.

શું છે મામલો
ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી.

આ હત્યાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.

error: Content is protected !!