કિશન ભરવાડનો વધુ એક વિડીયો આવ્યો સામે, મન મૂકીને ગરબે રમતો કિશન હંમેશા માટે દુનિયા છોડી ગયો

કિશન ભરવાડની ધંધુકા ખાતે હત્યા બાદ તેમના પરિવારજનો અને સાસરીયા ઘેરા શોકમાં ડૂબી ગયા છે. હવે કિશનના જૂના ફોટો અને વીડિયો જ તેમની યાદગીરી બની ગયા છે, ત્યારે ગત ડિસેમ્બર મહિનામાં તારાપુર ખાતે સંબંધીના લગ્નમાં કિશન ગરબે રમ્યો હતો તે વીડિયો પરિવારજનો માટે તેમનો હસતો ચહેરો જોવાની એક યાદગીરી સમાન બની ગયો છે.

સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મુકવા મામાલે 25 જાન્યુઆરીના રોજ કિશન ભરવાડની ધંધુકામાં ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. કિશનની હત્યા થઇ ત્યારે તેમના ઘરે જન્મેલી દીકરી માત્ર 20 દિવસની હતી. આ દીકરીને પિતાએ ઘરમાં કંકુપગલા પણ કરાવ્યા હતા. જ્યાર બાદ કિશનની હત્યા થઇ ગઇ. હવે પરિવાર માટે કિશનની યાદો જ જીવનનો સહારો બની છે.

કિશન ગત ડિસેમ્બર મહિનામાં તારાપુર ખાતે ફોઇજીના દિકરાના લગ્નમાં આવ્યો હતો અને રાત્રે બધા સગા-સંબંધીઓ સાથે ગરબા રમ્યો હતો. ઉત્સાહ અને આનંદમાં ગરબા રમતા કિશનનો આ વીડિયો હવે તેમની પત્ની, પરિવાજનો અને સાસરીયાઓ માટે હવે કિશનને હસતો રમતો જોવા માટેનું એક સંભારણું બની ગયો છે. કિશનની દીકરી પણ જ્યારે મોટી થઇ પિતા વિશે પુછશે ત્યારે કદાચ આ પરિવાર તેને આ વીડિયો બતાવી ભાવુક થઇ જશે.

કિશન ફોઇજીના દિકરાના લગ્નમાં તારાપુર ખાતે આવ્યો હતો અને તેણે રાત્રે ગરબા પણ ગાયા હતા. જ્યાં તે “કાના ઓ કાના ગોકુળ મેલી ના જા” ગીત પર ઉત્સાહમાં સંબંધીઓ સાથે ઝૂમી રહ્યો હતો. જો કે આ વીડિયો હવે તેમના પરિવારજનો માટે એક સંભારણું બની ગયો છે આ ભરવાડ પરિવારનો આ કાનો (કિશન) હંમેશા માટે ગોકુળ (દુનિયા) છોડીને વિદાય લઇ ચુક્યો છે.

કિશનના ઘરે જાન્યુઆરી મહિનામાં દીકરીનો જન્મ થયો હતો. દીકરીનો જન્મ થતાં કિશને છઠ્ઠીના દિવસે પરિવારજનોને કહ્યું હતું કે તે દીકરીને ભણાવી-ગણાવીને ડોક્ટર બનાવશે. જો કે કિશનની આ ઇચ્છા અધુરી રહી ગઇ. હવે તેના સાસરિયા અને પરિવારજનોએ કિશનની આ ઇચ્છાને પૂર્ણ કરવાની નેમ ઉપાડી છે.

કિશનના વડોદરા ખાતે રહેતા સસરા જેસંગભાઇએ જણાવ્યું હતું કે કિશન સામે વિવાદાસ્પદ પોસ્ટ બાદ સામા પક્ષે સમાધાન કર્યું હતું. જ્યાર બાદ તેમણે જમાઇને વડોદરા આવી જવા માટે કહ્યું હતું જેથી મામલો થાળે પડી જાય. જો કે જમાઇ કિશને સસરાને કહ્યું હતું કે હવે સમાધાન થઇ ગયું છે એટલે ચિંતાની કોઇ વાત નથી. પરંતુ થોડા દિવસો બાદ જ તેની પીઠ પાછળ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

error: Content is protected !!