કિશન ભરવાડની બારમાની વિધિમાં પત્નીનું આક્રંદ, પુત્રના ફોટા પર હાર ચઢાવતાં પિતા રડી પડ્યા

ધંધૂકામાં વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટ બાદ કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. કિશનના વતન ચચાણામાં આજે તેનું બારમું છે અને સમગ્ર પરિવાર તેમજ સંબંધીઓ શોકમગ્ન છે. કિશનના પિતા આજે તેમના મૃતક દીકરાના માળા ચડેલા ફોટા પાસે ગમગીન થઈને બેઠા છે અને ન્યાયની આશા લગાવી રહ્યા છે.કિશનના સસરા જેસિંગભાઇ વડોદરાથી ધંધૂકાના ચચાણા ખાતે જમાઈની ઉત્તરક્રિયામાં પહોંચ્યા હતાં. કિશનના નાનાભાઈએ ઉત્તરક્રિયાની વિધિ કરી હતી.

ધંધૂકા નજીક આવેલા વતન ચચાણા ગામે આજે કિશનની ઉત્તરક્રિયા કરવામાં આવી હતી. આ દરમિયાન પરિવાર, સગાં-સંબંધીઓ અને માલધારી સમાજના લોકો આવ્યા હતા. કિશનનો નાનો ભાઇ ઉત્તરક્રિયાની વિધિ માટે બેઠો હતો. જ્યારે બીજી તરફ આ કરુણ ઘડીએ કિશનની પત્ની રડી રડીને બેહાલ થઇ ગઇ હતી.

કિશનની પત્ની અને અન્ય મહિલાઓના આક્રંદ તેમજ આંસુથી પથ્થર પણ પીગળી જાય એવો ગમગીન માહોલ બન્યો હતો. આમ તો આજે વસંતપંચમી છે અને રાજ્ય સહિત બધે જ લગ્નના મંગળિયા ગવાઇ રહ્યા હશે, ત્યારે દોઢ વર્ષના લગ્ન જીવનમાં જ કિશનની પત્નીની વસંત ઊજડી ગઇ અને આજે પતિની ઉત્તરક્રિયામાં મરશિયા ગવાયા હતા.

ધંધૂકા નજીક કિશન ભરવાડના વતન ચચાણામાં ગમગીનીભર્યો માહોલ છે. ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટ બાદ કિશનની ધરપકડ થઇ હતી. ત્યાર બાદ જામીન પર છૂટેલા કિશન સાથે સમાધાન થયું હતું. બાદમાં વિધર્મીઓએ તેની ભરબજારમાં ગોળી મારી હત્યા કરી નાખી.

કિશનની હત્યાથી તેના પરિવાર સાથે સમગ્ર માલધારી સમાજ અને ગુજરાતમાં શોકની લાગણી છે ત્યારે આજે વતન ચચાણા ખાતે તેનું બારમું રાખવામાં આવ્યું છે. ધંધૂકા-લીંબડી હાઇવે પર આવેલા ચચાણામાં આજે માહોલ ગમગીન છે. કિશનના પિતા શિવાભાઇ અને સંબંધીઓ તેમજ માલધારી સમાજ કિશનના બારમામાં આવી તેના પિતા અને પરિવારને શાંત્વના આપી રહ્યો છે.

કિશનના પિતાએ કહ્યું હતું કે મારું તો એટલું જ કહેવું છે કે મારા છોકરાને ન્યાય મળે, પોલીસ ગુંડાતત્ત્વોને પકડી લે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ મારા દીકરાની ધરપકડ થઇ અને જામીન પર છૂટ્યો. ત્યાર બાદ સમાધાન પણ થયું. જો કે તેના થોડા દિવસ બાદ તેની હત્યા કરવામાં આવી. કિશનની દીકરીને જન્મના આજે એક મહિનોને બે દિવસ થયા છે. સરકાર અમને જલદી ન્યાય આપે. સરકાર પર અમને ભરોસો છે.

કિશનની હત્યા બાદ પિતા શિવાભાઇ ખૂબ જ દુઃખી છે. જે હાથે દીકરા કિશનને તેમણે લાડ લડાવ્યા એ હાથે આજે તેના બેસણામાં પિતા ભારે હૈયા ફોટા પર ફૂલનો હાર અને માળા ચડાવ્યાં હતાં.

ચચાણા ખાતે કિશનના ઘરે બેસણું હોવાને કારણે તેના ઘર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અહીં મહિલા પોલીસ પણ હાજર છે.

error: Content is protected !!