સિંગર કિંજલ દવેએ રોકસ્ટાર સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો બર્થ-ડે, પિતાએ આપી ખાસ સરપ્રાઈઝ, જુઓ સુંદર તસવીરો
અમદાવાદ: કિંજલ દવે નામ જ કાફી છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે કિંજલ દવેને નહીં ઓળખતો હોય. ત્રણ વર્ષ પહેલાં ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાઈને રાતોરાત ગુજરાતીઓના દિલમાં વસી ગયેલી કિંજલનું જીવન ખૂબ સંઘર્ષમય વીત્યું છે. કિંજલના પિતા હિરા ઘસતા અને એક રૂમના ભાડાના મકાનમાં રહેતા. કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કર્યું હતું. 21 વર્ષની આજની કિંજલ અને પહેલાંની કિંજલ દવેમાં જમીન આસમાનનો ફેર છે. આજની કિંજલ એકદમ સ્ટાઈલિસ્ટ બની ગઈ છે. ગામડાની છોકરી કિંજલનો ગ્લમેરસ લુક ભલભલી અક્ટ્રેસિસને પાછળ રાખી દે તેવો છે. તેના દરેક આઉટફીટમાં તેની પર્સનાલિટી ઝલકાઈ છે. તાજેતરમાં જ કિંજલ દવેએ તેનો જન્મ દિવસ ખુબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો, જેની તસવીરો અને વીડિયો પણ સામે આવી રહ્યા છે.
કિંજલ દવેના જન્મ દિવસે ગુજરાતી સેલેબ્રિટીઓ દ્વારા તેને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. ગુજરાતી અર્બન સિનેમાના લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરે, લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડિયાએ, ગીતાબેન રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા. કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું. આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો. ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું, જેમાંથી બે વાર ચા બનતી.
કિંજલ દવેના પિતા લલિત દવેએ પણ તેમના સોશિયલ મીડિયામાં ઉપર કિંજલ દવેના જન્મ દિવસની ઉજવણીની તસવીરો અને વીડિયો શેર કર્યો છે, જેમાં ખાસ અંદાજમાં કિંજલનો જન્મ દિવસની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં કિંજલ કેક કાપતી જોવા મળી રહી છે. અને તેના જન્મ દિવસ નિમિત્તે ખુબ જ ખુશ પણ જોવા મળી રહી છે. કિંજલ દવેના જન્મ દિવસના પ્રસંગે ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને સ્વ. મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ પણ ઉપસ્થિત રહી હતી. કેક કાપવાની સેરેમની દરમિયાન આસપાસ આતીશબાજી પણ થતી જોઈ શકાય છે.
કિંજલના પિતા હિરા ઘસવાની સાથે ગીતો લખતા. કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ. પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું. પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો. સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી. કિંજલે પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું. કિંજલને પહેલો મોટો બ્રેક બાળપણમાં ‘જોનડિયો’ નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો. આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું. ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી.
કિંજલ ભણવાની સાથે સ્ટેજ પ્રોગામ કરતી. કિંજલ દવેને પિતા ઉપરાંત મનુભાઈએ રબારીએ સપોર્ટ કરતાં તેનો સિતારો ચમકવા લાગ્યો. મનુભાઈ રબારીએ કિંજલને અનેક આલ્બમમાં ચમકવામાં મદદ કરી. વર્ષ 2017માં ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ. આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ. ગુજરાતની સંગીતની દુનિયામાં કિંજલ દવેના નામના સિક્કા પડવા લાગ્યા. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે સામાજિક પસંગમાં કિંજલની ડિમાન્ડ ખૂબ વધવા લાગી. કિંજલના કાર્યક્રમોમાં ભરચક પબ્લિક ઉમટવા લાગી.
હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે. કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં પોગ્રામ કર્યા છે.
કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે. કિંજલ યુટ્યૂબ પર પણ સક્રિય છે. કિંજલને ચહેર માતાજી અપાર શ્રદ્ધા છે. તે ગામડે આવેલા ચહેર માતાજીના મંદિર અવાર-નવાર દર્શન કરવા જાય છે. લાખો ચાહકોના દિલમાં રાજ કરનાર કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી. પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે.
કિંજલના મંગેતર પવન જોષીના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. કિંજલ દવેએ 100થી વધુ ગુજરાતી આલ્બમમાં પોતાનો અવાજ આપ્યો છે. કિંજલના દરેક ગીત યુટ્યૂબ પર રેકોર્ડબ્રેક વ્યૂ મેળવે છે. તેના વીડિયો જોનારાની સંખ્યા લાખોમાં હોય છે. કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પોગ્રામ કરી પોતાના અવાજના જાદૂથી ગુજરાતીઓમાં આકર્ષણ ઉભું કર્યું છે. કિંજલ દવે આ વર્ષે અથવા આવતા વર્ષે લગ્ન કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દિવસેને દિવસે કિંજલ દવેની લોકપ્રિયતા વધી રહી છે.