ભાગ્યે જ જોવા મળતો પ્રેમઃ ખેડબ્રહ્માના PSI વિશાલ પટેલના વિદાય સમારંભમાં લોકોની આંખમાંથી આંસૂ સરી પડ્યા
સાબરકાંઠા: પોલીસના સામાન્ય લોકો વચ્ચે કેવા આત્મિયતાના સંબંધો હોય તેનું ઉદાહરણ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના એક પોલીસ સબ ઈન્સપેક્ટરની બદલી થયા પછી તેમની વિદાય વખતે જોવા મળ્યું હતું. ખેડબ્રહ્માના PSI વિશાલ પટેલની બદલી થતાં ખેડબ્રહ્મા તાલુકાના લોકોએ ભારે હૈયે વિદાય આપી હતી. વિદાય કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, પરંતુ સામાન્ય લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેમની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. આ વિદાય સમારંભનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે.
પોલીસની નોકરી એવી છે કે જેમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની અવાર નવાર બદલીઓ થતી હોય છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં PSI તરીકે ફરજ બજાવતા વિશાલ પટેલની બદલી કરવામાં આવતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
સબ ઈન્સપેક્ટરની બદલીના સમાચારથી જ ખેડબ્રહ્માના લોકોમાં જાણે દુખનો પહાડ તૂટી પડ્યો હોય તેમ લાગ્યુ હતું. PSI વિશાલ પટેલના વિદાય સમારંભ દરમિયાન તેમને વિદાય આપવા આવેલા સહકર્મીઓ અને લોકોની આંખમાં આંસુઓ છલકાયા હતા.
આ વિદાય સમારંભનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. પીએસઆઈ વિશાલ પટેલે કોરોના મહામારી દરમિયાન અને લોકડાઉન દરમિયાન લોકોની પૂરી નિષ્ઠાથી સેવા કરી હતી. જેના કારણે લોકો વચ્ચે તે લોકપ્રિય બન્યા હતા.
ત્યારે તેમની બદલી સમયે તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન પોલીસ અને સામાન્ય જનતા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોના દ્રશ્યો જોવા મળ્યા હતા.