જે શહેરમાં લીંબુ શરબત વેચતી હતી તે જ શહેરમાં સબ-ઈન્સ્પેકટર બનીને કમબેક કર્યું, વાંચો સિંગલ મધરની સ્ટ્રગલ સ્ટોરી
‘લહરો સે ડરકર નૌકા કભી પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી’. કેરળની સિંગલ મધરની સ્ટોરી હાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. એક સમયે લીંબુ શરબત વેચતી એસ. પી. એની પોતાની મહેનત અને લગનથી પોલીસ ઓફિસર બની છે. કેરળ પોલીસે પણ તેની સ્ટ્રગલનું સન્માન કરીને વેલકમ કર્યું છે. એનીની સ્ટોરી સાંભળ્યા પછી સોશિયલ મીડિયા પર વખાણનો વરસાદ થઈ ગયો છે.
21 વર્ષની ઉંમરે દીકરાની જવાબદારી એનીના માથે આવી પડી
10 વર્ષ પહેલાં એની વર્કાલા શહેરમાં લીંબુ શરબત વેચતી હતી. આ જ શહેરમાં તે શનિવારે લોકલ પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેકટર બનીને પરત આવી છે. એની મૂળ તિરુવનંતપુરમની રહેવાસી છે. તે ફર્સ્ટ યરમાં હતી ત્યારે તેના પેરેન્ટ્સે લગ્ન કરાવી દીધા હતા. બે વર્ષ પછી એની અને તેના પતિ વચ્ચે ઝઘડા શરુ થતા બંને અલગ થઈ ગયા. તે સમયે એની પાસે તેનો 8 મહિનાનો દીકરો પણ હતો. તેના પરિવારે એની માટે દરવાજા બંધ કરી દીધા. 21 વર્ષની ઉંમરે દીકરાની જવાબદારી એનીના માથે આવી પડી. તેની દાદીએ આશરો આપતા તે એમની સાથે રહેવા લાગી.
સેલ્સમેનનું કામ કર્યું, ઇન્શ્યોરન્સ પોલીસ પણ વેચી
એનીને પહેલેથી ભણવાનો શોખ હતો. તેણે ડિસ્ટન્સ લર્નિંગમાં પણ અભ્યાસ ચાલુ રાખ્યો. આ દરમિયાન તેણે ગુજરાન ચલાવવા માટે બેંકની ઈશ્યોરન્સ પોલિસી વેચી, ઘરે-ઘરે જઈ પ્રોડક્ટ વેચીને સેલ્સમેનનું કામ કર્યું. તેણે કોઈ પણ કામ શરમ રાખ્યા વગર કર્યું.
સ્ટ્રેસ ઓછો કરવા ‘બોય કટ’ હેર કરાવ્યાં
એક વખતે એનીના સંબંધીએ તેને કહ્યું કે ,ટુરિસ્ટ વેન્યુ કે પછી ફેસ્ટિવલ ગ્રાઉન્ડમાં લીંબુ શરબત અને આઈસ્ક્રીમ વેચવાથી સારી આવક થાય છે. સિંગલ મધર તરીકે એની ઘણીવાર ભાડું પણ ચૂકવી શકતી નથી. તેણે અનેકવાર ઘર બદલ્યા. તેણે બોય કટ હેર કપાવ્યા. પોતાની હેર સ્ટાઈલ વિશે એનીએ કહ્યું, આ વાળ સાથે હું ગમે ત્યાં રહી અને શાંતિથી ઊંઘી શકું છું.
‘મારા પિતાનું ડ્રીમ હતું કે હું IPS ઓફિસર બનું’
એનીનો સંઘર્ષ ચાલુ જ હતો તેવામાં કોઈકે તેને પોલીસ ઓફિસરની એક્ઝામ આપવા કહ્યું. એક્ઝામની ફી પણ ઓફર કરી. એનીએ કહ્યું, મારા પિતાનું ડ્રીમ હતું કે હું IPS ઓફિસર બનું. આથી જોબ માટે મેં મારી મહેનત ચાલુ રાખી. જીવનમાં તકલીફો જોઇને રડવાનો કોઈ અર્થ નથી. જ્યાં સુધી આપણે પોતે હાર ના માની લઈએ ત્યાં સુધી આપણને હરાવવાની કોઈની તાકાત નથી.
વર્ષ 2016માં સિવિલ પોલીસ ઓફિસર બની
એનીએ પોલીસ એક્ઝામ પાસ કરી અને 2016માં સિવિલ પોલીસ ઓફિસર બની. ત્રણ વર્ષ પછી તેણે સબ-ઇન્સ્પેકટરની એક્ઝામ પાસ કરી. 18 મહિનાની ટ્રેનિંગ પછી તેણે વર્કાલા પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેકટરની પોસ્ટ પર કામ કરવાનું શરુ કર્યું.
‘ભૂતકાળ સાથે આનાથી સારો બદલો શું હોય શકે?’
એનીએ ફેસબુક પર લખ્યું, 10 વર્ષ પહેલાં, હું વર્કાલામાં મંદિરની બહાર લીંબુ શરબત અને આઈસ્ક્રીમ વેચતી હતી. આજે તે જ જગ્યાએ હું સબ-ઈન્સ્પેક્ટર બનીને આવી છું. ભૂતકાળ સાથે આનાથી સારો બદલો શું હોય શકે? કેરળ પોલીસનાં ઓફિશિયલ પેજે પણ એનીની પોસ્ટ કરીને લખ્યું, આ સ્ટ્રગલ સ્ટોરી છે. દરેક ચેલેન્જને એક્સેપ્ટ કરીને સફળ થયેલી અમારી મેમ્બરની લાઈફ સ્ટોરી છે.