કાશ્મીરીબાપુને ભારે હૈયે સમાધિ આપવામાં આવી, સંતો-મહંતો અને સેવકોની આંખો ભીંજાઈ, જુઓ તસવીરો

ગિરનાર તળેટી જંગલમાં આમકુ ખાતે આવેલા આશ્રમના મહંત કાશ્મીરીબાપુનું ગઈકાલે 97 વર્ષની વયે અવસાન થયું હતું. પાર્થિવદેહને અંતિમદર્શન માટે રખાયા બાદ આજે બપોરના સમયે આશ્રમમાં જ શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપવામાં આવી હતી. આ સમયે ઉપસ્થિત સંતો-મહંતો અને સેવકોની આંખો ભીંજાઈ હતી.

ગિરનારમાં વર્ષો સુધી દત્ત અને દાતારની તપોભૂમિમાં તપ અને સાધના કરીને હજારો-લાખો સેવકોના દિલમાં રહેતા એવા કાશ્મીરીબાપુના હુલામણા નામથી પ્રચલિત થયેલા બાપુનું મુળ નામ ઓમકારગીરી ગુરુ નિરંજનદેવ હતું. તેઓ વર્ષોથી ગિરનાર તળેટી જંગલ વિસ્તારમાં આવેલ આમકુ ખાતેની જગ્યાના મહંત તરીકે સેવા-પૂજા કરતા હતા. કાશ્મીરી બાપુનો એક જ જીવનમંત્ર હતો “માનવ સેવા એ જ પ્રભુ સેવા”. આ મંત્રને સાર્થક કરવા માટે બાપુએ આશ્રમ ખાતે આવતા સેવકો, ભક્તો અને યાત્રાળુઓને ક્યારેય પ્રસાદી લીધા વગર જવા નથી દીધા. આશ્રમમાં સતત અન્નક્ષેત્ર ચાલુ રાખીને ભૂખ્યાઓની આંતરડી ઠારવાનું કર્મ કર્યું છે.

યુવાનીમાં તેઓ દાતારની જગ્યાએ પટેલ બાપુના સમયમાં જંગલના રસ્તે ચાલીને દાતાર જતા હતા. તેમજ દત્ત શિખર પર જવાનો તેમનો નિત્યક્રમ હતો. પરંતુ તેમની ઉંમરના કારણે ગત મહીને તેઓની તબિયત લથડી હતી અને તેઓને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બાપુને ફેફસામાં હવા ભરાઈ જવાના કારણે પંચર પડી જતા અહી તબીબોની ટીમે તેઓની 12 દિવસ સુધી સારવાર કરીને સ્વસ્થ કર્યા હતા અને હજુ ચાર દિવસ પહેલા જ તેઓને રજા આપવામાં આવી હતી.

કાશ્મીરીબાપુના બ્રહ્મલીન થયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા તેઓને અંતિમ દર્શન માટે ગઈકાલ આખો દિવસ બાદ આજે સવારથી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં સેવકોનો મોટો સમૂહ ઉમટી પડેલ જોવા મળતો હતો. આજે બપોર બાદ કાશ્મીરી બાપુના નશ્વરદેહને સંતો મહંતોની હાજરીમાં સમાધિ આપવામાં આવી હતી. નિરંજન અખાડાના સાધુ સંતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સમાધિ આપવામાં આવી હતી.

પૂ.કાશ્મીરી બાપુની જીવન ઝરમર અંગે સેવકોમાંથી જાણવા મળતી વિગતો મુજબ તેઓ હિમાચલ પ્રદેશના વતની હોવાનું મનાય છે. માત્ર દસ વર્ષની નાની ઉંમરે દિક્ષા લઇ સંતનો માર્ગ અપનાવ્યો હતો. પૂ.કાશ્મીરીબાપુએ 6 થી વધુ વખત ભારતભરમાં પરિભ્રમણ કરી 12 જયોતિલિંગની તીર્થ યાત્રા કરી હોવાનું કહેવાય છે અને અંદાજીત પાંચ દાયકા પહેલા જંગલ વિસ્તારમાં ઓમકારેશ્વર મહાદેવની આરાધના શરૂ કરી ભજનની ધુણી ધખાવી અને બાદમાં ધીમે જગ્યાનો વિકાસ કરી આવનાર પ્રત્યેક ભાવિકોને ચા પાણી ભોજન પ્રસાદ પણ આપવામાં આવતો હતો.

પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યુ હતુ કે અત્યંત સરળ અને સાધુતાભાવ જણાવ્યુ હતુ કે અત્યંત સરળ અને સાધુતાભાવ જેમનામાં સદાય સ્નેહ છંલકાતા રહેતો એવા પુ.બાપુના નિવાર્ણથી સમગ્ર સંત સમાજને તેમની ખોટ કાયમ રહેશે. તાજેતરમાં જ મારી ભાગવત કથા પુ.શેરનાથબાપુના આશ્રમે યોજાઇ હતી. દરમ્યાન પુ.કાશ્મીરી બાપુના દર્શનનો લાભ લેવા આશ્રમે હુ ગયેલ ત્યારે પુ.બાપુ દ્વારા ઢોલનગારા સાથે મારું સ્વાગત કર્યું હતું. એકાદ કલાક ત્યાં રોકાણ કરી પ્રસાદ પણ લીધો હતો. અને પુ. બાપુને પોરબંદર પધારવા મે નિમંત્રણ આપ્યુ તેઓ સહર્ષ સ્વીકારી આવવા રાજીપો વ્યકત કર્યો હતો. અને દ્વારકા દર્શન જઇશ ત્યારે ચોક્કસ આવીશ તેમ પૂ.બાપુએ જણાવ્યુ હતુ પૂ.કાશ્મીરીબાપુની દિવ્ય ચેતાને વંદન કરું છું. અને તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરું છું.

ભારત અખિલ સાધુ સમાજના પ્રમુખ પુ.મુકતાનંદનબાપુએ જણાવ્યું હતુ કે સાધુ સમાજને માટે ખૂબ આદરનું સ્થાન ધરાવતા પૂ.કાશ્મીરીબાપુની દિવ્ય ચેતનાને મારા વંદન કરું છું. તેમને સાધુસંતો પ્રત્યેનો પ્રેમ કયારેય નહીં વિસરાય તેઓ સંતો ભકતોના પ્રિતી પાત્ર સંત હતા. તેમના બ્રહ્મલીન થવાની સાધુ સમાજ અને સેવકોને પણ એક સંત ગુમાવ્યાની ખોટ કાયમ અનુભવાશે.

error: Content is protected !!