નોટોની કરી હતી પથારી, IT રેડમાં મળ્યા એટલા રૂપિયાના બંડલો કે અધિકારીઓની આંખો થઈ ગઈ પહોળી
DGGIને કનોજમાં પિયુષ જૈનના ઠેકાણાઓમાં દરોડા દરમિયાન મોટી રોકડ અને સોનું મળી આવ્યું છે. જ્યારે ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો ત્યારે ત્યાં એક ભૂગર્ભ ટાંકી મળી આવી હતી. આ સીલબંધ ટાંકીમાંથી 17 કરોડ રોકડા અને 23 કિલો સોનું મળી આવ્યું છે. સોના પર ઈન્ટરનેશનલ માર્કો છે. દરોડા દરમિયાન સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ પીયૂષ જૈનની ધરપકડ કરવામાં આવી હતી. મેડિકલ તપાસ બાદ પીયૂષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
પરફ્યુમના વેપારી પિયુષ જૈનના તમામ રહેઠાણો અને ગોડાઉનો પર આવકવેરાના દરોડા પડ્યા બાદ આ કાર્યવાહી ચર્ચામાં આવી હતી. કરોડોની રોકડ સાથે કેટલાય કિલો સોનું અને ચાંદી મળતા અધિકારીઓની ઊંઘ ઉડી ગઈ હતી. જેના કારણે યુપીનો રાજકીય પારો પણ ચડી ગયો હતો.
બિનહિસાબી સંપત્તિ મળી
IT અને GST વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં 187 કરોડ રૂપિયાથી વધુની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી છે. બિનહિસાબી કાચો અને તૈયાર માલ મળી આવ્યા બાદ CGST એક્ટની કલમ 67 હેઠળ તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
પીયૂષે આ વાતનો ખુલાસો કર્યો હતો
ધરપકડ પર DGGIએ કહ્યું છે કે પીયૂષ જૈને કબૂલ્યું છે કે રહેણાંક જગ્યામાંથી જપ્ત કરાયેલી રોકડ GSTની ચૂકવણી કર્યા વિના માલના વેચાણ સાથે સંબંધિત છે. ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝ, કનોજ દ્વારા મોટા પાયે GST ચોરીનો સંકેત આપવામાં આવ્યો છે. રેકર્ડ પર ઉપલબ્ધ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.
કોણ છે પીયૂષ જૈન
વાસ્તવમાં પીયૂષ જૈન કનોજ અને કાનપુરનો પરફ્યુમનો મોટો વેપારી છે. પિયુષનો જન્મ કનોજમાં થયો હતો અને ત્યાં તેનું ઘર પણ છે. જૈન 40 થી વધુ કંપનીઓના માલિક છે અને આશ્ચર્યની વાત એ છે કે તેની બે કંપનીઓ મિડલ ઈસ્ટમાં પણ છે. કનોજમાં જૈનની પરફ્યુમ ફેક્ટરીની સાથે કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલ પંપ પણ છે. પિયુષે તેની કંપનીઓની હેડ ઓફિસ મુંબઈમાં બનાવી છે અને અહીંથી તેની કંપનીનું પરફ્યુમ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ પીયૂષનું મુંબઈમાં પણ એક આલીશાન ઘર છે.
પથારીમાં નોટો ભરેલી હતી
આવકવેરા વિભાગ અને ડીજીજીઆઈની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા અને આ કાર્યવાહી લગભગ 36 કલાક સુધી ચાલી. આ દરમિયાન અધિકારીઓને લગભગ 180 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. સ્થિતિ એવી હતી કે દિવાલો અને તિજોરીઓની સાથે પથારીમાં નોટોના બંડલો ભરેલા હતા. આટલા પૈસા લઈ જવા માટે અધિકારીઓને પણ ઘણી મહેનત કરવી પડી અને આ માટે 80 બોક્સ મંગાવવામાં આવ્યા. દરોડા દરમિયાન ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.