માત્ર 21 વર્ષની દીકરી ચૂંટણી જીતી સરપંચ બની, ધોરણ 12 પાસ આ દીકરીનો શાનદાર વિજય

ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે.

21 વર્ષની 12 પાસ યુવતી સરપંચ બની
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સમણવા ગામની યોજાયેલી ચૂંટણીમાં સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ રતનજી ઠાકોરનો 105 મતે વિજય થયો છે. કાજલબેન ઠાકોરે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. સમણવામાં સરપંચ તરીકે વિજેતા થયા બાદ હવે આગામી પાંચ વર્ષ ગામના વિકાસની જવાબદારી તેના પર રહેશે.

વિજેતા બન્યા બાદ કાજલબેન ઠાકોરે ગામલોકોનો આભાર માન્યો હતો. આગામી દિવસોમાં સરકારની તમામ યોજનાઓનો ગામલોકો સુધી લાભ પહોંચાડવાની વાત કરી હતી.

32 વર્ષીય ગ્રેજ્યુએટ યુવક સરપંચ બન્યો
અમરેલીના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના લોકોએ પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યુવા સરપંચની પસંદગી કરી છે. સરપંચ પદના ઉમેદવાર નરેન્દ્ર વરુનો 1439 મતથી વિજય થયો છે. નરેન્દ્ર વરૂની ઉંમર 32 વર્ષ છે. તેને ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે. નાગેશ્રી ગામના યુવા સરપંચે જણાવ્યું હતું કે,અમારી ટીમે ચૂંટણી પહેલા ગામલોકોને વિકાસના જે વચનો આપ્યા હતા તે પૂર્ણ કરવા માટે પ્રયાસો કરીશું. ગામના લોકોને તમામ સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે અમે પ્રયત્નશીલ રહીશું. પોતાની અને પોતાની ટીમને જીત અપાવવા બદલ યુવા સરપંચે ગામલોકોનો આભાર માન્યો હતો.

23 વર્ષીય એન્જિનિયર યુવાન સરપંચ બન્યો
​​​​​​​ગાંધીનગરનાં દહેગામ, માણસા, ગાંધીનગર અને કલોલની 156 ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં ચારેય તાલુકામાંથી સૌથી નાની વયે ઉમેદવારી નોંધાવનાર શાહપુર ગામના 23 વર્ષીય અર્પિત હસમુખભાઈ પટેલનો સરપંચ તરીકે વિજય થયો છે. શાહપુર ગામના સરપંચ તરીકે અર્પિત પટેલનો 1165 મતે વિજય થતાં ખુશીની લહેર સાથે વિકાસથી વંચિત શાહપુર ગામની કાયાપલટ થશે તેવી ગ્રામજનોમાં આશા બંધાઈ છે.

ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષણ મેળવીને અર્પિત પટેલે અમદાવાદની એન્જિનીયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી છે. શરૂઆતથી જ વડીલોની સેવાથી અર્પિત પણ નાનપણથી ગામના વિકાસ માટેની ખેવના રાખતો હતો. જેનાં પિતા હસમુખભાઈ પટેલ ગાંધીનગરમાં એચ. કે. નાં હુલામણા નામથી જાણીતા છે. જેઓનો મૂળ વ્યવસાય ખેતી ઉપરાંત કન્સ્ટ્રક્શનનો છે.

21 વર્ષીય યુવતી સરપંચ બની
દાહોદના ઘેસવા ગામના લોકોએ 21 વર્ષીય યુવતી પર વિશ્વાસ વ્યકત કર્યો છે. ઘેસવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના યુવા ઉમેદવાર રિન્કુ ડામોરનો વિજય થયો છે. રિન્કુ ડામોરના વિજયનો ગામલોકોએ આવકાર્યો હતો. તો રિન્કુ ડામોરે પોતાની જીત બદલ ગામલોકોનો આભાર વ્યકત કર્યો હતો અને આગામી દિવસોમાં ગામનો વિકાસ કરવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

error: Content is protected !!