કેનેડા-યુએસ બોર્ડર પર બરફ નીચેથી ગુજરાતના પટેલ પરિવારના 4 મૃતદેહ મળ્યા, કલોલનો પટેલ પરિવાર 4 દિવસથી ગુમ

કેનેડામાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ત્યારે કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 મૃતદેહ મળ્યા હતા અને આ ગુજરાતનો પટેલ પરિવાર હોવાનું બહાર આવ્યું હતું.(નોંધ-તમામ તસવીરો નવા ડિંગુચા ગામનાં પટેલ પરિવારની છે. જે લોકોનો પરિવાર સાથે બે દિવસથી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. તેઓ 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહી નીકળ્યા હતા. મૃતદેહો કોના છે તેની પૃષ્ટી હજી સુધી થઈ શકી નથી)

ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહેતો એક પટેલ પરિવાર હોવાની વાત વહેતી થતાં મિડીયા સાથેની વાતચીત દરમિયાન કલોલના પટેલ પરિવારના મોભીએ જણાવ્યું હતું કે તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે, પુત્ર 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. પરિવારના અન્ય સભ્ય સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમે એમ્બેસીમાં સંપર્ક કરી રહ્યા છે. સોમવારે હકીકત જાણવા મળશે.

બરફ નીચેથી મૃતદેહો મળ્યા હતા
રોયલ માઉન્ટેન પોલીસને ત્રણ મૃતદેહ બરફ નીચેથી મળ્યા હતા. જ્યાં વધુ તપાસ કરતાં વધુ એક મૃતદેહ પણ મળ્યો હતો. આ ચારેય મૃતદેહો મળી આવ્યા પછી ફ્લોરિડાના એજન્ટ સ્ટીવ સેન્ડને દબોચી લેવાયો હતો. તે સાત જેટલા શખસને બોર્ડર ક્રોસ કરાવવામાં સામેલ હોવાની સંભાવના વર્તાઈ રહી છે. બીજી તરફ, આ સમગ્ર મુદ્દે ભારતના વિદેશમંત્રીએ અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ભારતીયનાં મોતની નોંધ લીધી હતી. જેઓ ઉત્તર ગુજરાતનો પટેલ પરિવાર હોવાની પ્રાથમિક વિગત બહાર આવી હતી.

બે મહિના પહેલાં જ કલોલ રહેવા આવ્યા હતા
ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેના નવા ડિંગુચા ગામનાં મૂળ વતની જગદીશભાઈ બળદેવભાઈ પટેલ (ઉ. 35) અને તેમના પત્ની વૈશાલીબેન (ઉ. 33), પુત્રી વિહંગા(ગોપી) (ઉ. 12) અને પુત્ર ધાર્મિક (ઉ. 3) દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા. જેઓ કલોલ ગ્રીન સિટી ખાતે રહેતા હતા. હમણાં જ બે મહિના અગાઉ મકાનનું રિનોવેશન કરાવીને રહેવા માટે આવ્યા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.

કેનેડા જવાનું કહીને પુત્ર નીકળ્યો હતોઃ પિતા
આ અંગે નવા ડિંગુચા ગામમાં રહેતા જગદીશભાઈના પિતા બળદેવભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દસ દિવસ અગાઉ પુત્ર કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. તેઓ કેવી રીતે જવાના હતા તેની કઈ ખબર નથી અને કોણ કોણ સાથે હતું એ પણ ખબર નથી. છેલ્લા બે દિવસથી તેનો સંપર્ક થઈ શક્યો નથી.

error: Content is protected !!