22 દિવસથી હું ખાતી નથી, ‘ભાઈ, તું ભાણિયાને સાચવજે, હું હવે નહીં રહું’ લખી શિક્ષિકાએ….

કડી તાલુકાના મેડા આદરજ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ મંગળવારે અમદાવાદના ઘાટલોડિયા સ્થિત નિવાસસ્થાને ઘેનની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. મેડા આદરજ શાળાના 11 શિક્ષક અને કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માનસિક ત્રાસ આપતા હોવાની સુસાઈડ નોટ લખતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

કડી તાલુકાના ચંદનપુરા (થોળ) ગામની યુવતી મેડા આદરજ પ્રાથમિક શાળામાં વર્ષ 2011થી શિક્ષિકા તરીકે નોકરી કરે છે. શિક્ષિકાએ ઘાટલોડિયા સ્થિત નિવાસસ્થાને 4 પેજની સુસાઈડ નોટ લખી ઘેનની ગોળીઓ ખાઈ લેતાં અમદાવાદની સત્તાધાર ચોકડી સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં છે, જ્યાં 72 કલાક ક્રિટિકલ હોવાનું ફોઈના દીકરા પ્રફુલભાઈ ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું.

સુસાઈડ નોટમાં શિક્ષિકાએ કડી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પુષ્પાબેન ભીલ અને મેડા આદરજ પ્રાથમિક શાળાના 2 શિક્ષક અને 9 શિક્ષિકા મળી 11 શિક્ષક સામે માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરાયો છે. ગોઝારિયાનાં વતની અને શિક્ષિકાનાં ફોઈના દીકરા પ્રફુલભાઈ પટેલે કહ્યું હતું કે ઘાટલોડિયા પોલીસને જાણ કરતાં તેઓ ભાનમાં આવે પછી જાણ કરવા કહ્યું છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ગૌરાંગ વ્યાસે કહ્યું હતું કે મેડા આદરજ પ્રાથમિક શાળામાં શિક્ષકોનાં 2 ગ્રુપ થઈ ગયાં છે. શિક્ષિકા અને આચાર્ય સામે શાળાના અન્ય શિક્ષકોએ રજૂઆત કરી હતી, જેની તપાસ કડી ટીપીઈઓને આપી હતી. તપાસનો અહેવાલ આવી જતાં શનિવારે સુનાવણી પણ રાખી હતી. શિક્ષિકાના આપઘાતના પ્રયાસ અંગે મને કોઇ જાણ નથી.

શિક્ષિકાની પોતાના ભાઇ સાથેની વાતચીત
શિક્ષિકાએ આત્મહત્યાના પ્રયાસ પહેલા પોતાના ભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે ‘હું એટલી કંટાળી છું કે હું સુસાઇડ કરી લેવાની છું. કડી તાલુકામાં મારું નામ ખરાબ કરી નાખ્યું છે. 22 દિવસથી હું ખાતી નથી, મને ઊંઘ નથી આવતી. હું સુસાઇડ કરી લેવાની છું, ભાણિયાને સાચવજે, હું હવે નહીં રહું. ભાઈ, હું કંટાળી છું, મને હેરાન હેરાન કરી મૂકી છે. ભાઈ, તમે જાણતા નથી, મારી સાથે શું શું થઈ રહ્યું છે. મારા છોકરાને તમે સાચવજો, હું નહીં રહેવાની. પુષ્પા મને હેરાન કરે છે. કડી તાલુકામાં કેટલી મહેનતથી કામ કરીને મારું નામ બનાવ્યું હતું ભાઈ. મેડા આદરજમાં હું પગ નહીં મૂકી શકતી નથી.

પુષ્પાબેન અને પેલો જિલ્લાપ્રમુખ અશ્વિન પટેલ કે શું કામ આની હેલ્પ કરો છો? અમારો પ્રાથમિક જિલ્લા શિક્ષક સંઘનો માણસ છે અશ્વિન પટેલ. તેને પ્રમુખ એટલે બનાવ્યો કે અમારી મદદે આવીને ઊભો રહે, પણ સાલાએ નેગેટિવ ભૂમિકા ભજવી અશ્વિન પટેલે. પટેલનો દીકરો છે તો એટલી બુદ્ધિ ન પહોંચી કે પટેલની દીકરીને હેરાન કરી રહ્યો છે. તેણે અને પુષ્પાએ મને અતિશય ટોર્ચર કરી છે. મારી રજાઓ વિશે પૂછ પૂછ કરે આ રજામાં ક્યાં ગઈ હતી? કોની જોડે ગઈ હતી.

આટલી વાત પોતાના ભાઇ સાથે કરીને શિક્ષિકાએ ઘેનની ગોળીઓ ખાઇને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. આ વાતચીતની એક ઓડિયો-ક્લિપ પણ સામે આવી છે. હાલમાં શિક્ષિકાને અમદાવાદની સતાધાર ચોકડી સ્થિતિ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

error: Content is protected !!