કેનેડા બાદ હવે યુક્રેનમાં ભણતા વડોદરાના 150થી વધુ વિદ્યાર્થીને સૂચના, સામાન તૈયાર રાખો
રશિયા સાથે ચાલી રહેલા તણાવને પગલે યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતાં વડોદરાના 150થી વધુ વિદ્યાર્થીઓને તેમના લગેજ પેક રાખવા માટેની સૂચના એજન્ટોએ આપી છે, જેને પગલે વેસ્ટર્ન યુક્રેનના ચેર્નિવત્સી શહેરમાં બુકોવિના સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વડોદરાના વિદ્યાર્થીઓ ભારત પરત આવવાની તૈયારી કરી રહ્યા છે.
યુક્રેન પેરન્ટ્સ એસો.ના અજયકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની મદદ લઇ વિદ્યાર્થીઓને પરત લાવવા મદદ કરવા માગણી કરી છે અને એરલાઈન્સ દ્વારા વધુ ભાડું વસૂલ કરવામાં આવી રહ્યા છે તે અટકાવવા પણ જણાવ્યું છે. સમગ્ર ભારતના 18000 વિદ્યાર્થીઓ યુક્રેન દેશમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમાં 3000થી 4000 જેટલા વિદ્યાર્થી ગુજરાત રાજ્યના છે.
તે બધા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. વાલીઓએ વિદેશ મંત્રાલયનાં સહયોગથી તેમજ ઉડ્ડયન મંત્રાલયનાં સહયોગથી એર ઇન્ડિયાની ફ્લાઇટ અથવા ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પરત લાવવામાં મદદરૂપ થાય તેવો નિર્ણય લેવા વિનંતી કરી છે. તેમણે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ રજૂઆત કરી હતી. મહેસૂલ મંત્રીએ જણાવ્યું હતું કે, યુક્રેનની સ્થિતિ જોઈને છેલ્લા 2 મહિનાથી સરકાર કાર્યરત છે. ગુજરાત તમામ વિદ્યાર્થીઓને હેમખેમ પરત લવાશે. કેન્દ્રને રજૂઆત કરી યોગ્ય પગલાં લેવાશે.
એક વિદ્યાર્થિની અદિતિ પંડ્યા કહ્યું હતું કે ભણવા આવ્યા ને ત્રણ મહિના થયા છે, ત્યારે યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિના પગલે વિદ્યાર્થીઓને ફસાઇ જવાની ચિંતા છે. અમે ટેમ્પરરી રેસિડન્સીની રાહ જોઇ રહ્યા છે. હજુ ટેમ્પરરી રેસિડન્સી કાર્ડ અમને મળ્યું નથી. માહોલ બગડે એ પહેલાં પરત આવી જવું છે.
આસ્થા સિંધા નામની વિદ્યાર્થિનીએ જણાવતા કહ્યું હતું કે એમ્બસી-એજન્ટોના ગ્રુપ દ્વારા કહી દેવાયું છે કે તમારા લગેજ પેક રાખો ગમે ત્યારે ભારત જવું પડે. અમારા સિનિયર જે ફલાઇટ મળે તેમાં પરત જઇ રહ્યા છે. અમે યુક્રેનના વેસ્ટ ભાગમાં છે, જેથી ડરનો માહોલ નથી, કોલેજે હવે ઓનલાઇન કલાસ ચાલશે તેવી સૂચના આપી છે.
ધર્મેશ ટેલર નામના એક વાલી કહ્યું હતું કે એમારી પુત્રી યુક્રેનમાં એમબીબીએસમાં 3 વર્ષથી અભ્યાસ કરે છે,જાન્યુઆરીના વેકેશનમાં ઘરે આવી હતી. હાલની સ્થિતિ જોતા તેની 14મીની ફલાઇટ હતી પરંતુ તેને પરત યુક્રેન અભ્યાસ માટે મોકલી નથી. સરકારે વિદ્યાર્થીઓને ચાર્ટર ફલાઇટમાં પરત લાવવા જોઇએ.
સાંસદ રંજનબેન ભટ્ટ જણાવ્યું હતું વિદેશ મંત્રાલયમાં ઇ-મેઇલ કરીને જાણ કરાઇ છે ,વડોદરાના વિદ્યાર્થીઓના નંબર એમ્બેસીને આપી તમામ જરૂરિયાતનું ધ્યાન રાખવા કહેવાયું છે. વિદ્યાર્થીઓને પરત આવવું હશે તો એમ્બેસીએ તૈયારી રાખી છે. મુખ્યમંત્રી-શિક્ષણ મંત્રીએ પણ વિદેશ મંત્રાલય સાથે વાત કરી છે.