યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓ ફફડી ઉઠ્યા
યુક્રેન સામે રશિયાનું આક્રમણ બુધવારે સાતમા દિવસે પણ ચાલી રહ્યું છે. જેનો ડર હતો તે જ થઈ રહ્યું છે, યુક્રેનમાં સતત બીજા દિવસે ભારતીય વિદ્યાર્થીના મોતના સમાચાર છે. યુક્રેનમાં અભ્સાસ કરી રહેલા મૂળ પંજાબના વિદ્યાર્થી ચંદન જિંદાલનું યુક્રેનમાં બ્રેઈન સ્ટ્રોકના કારણે મોત થયુ છે. મળતી માહિતી મુજબ ચંદન 2 ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતો અને તેને વધુ સારવારની જરુર હતી પરંતુ યુક્રેન-રશિયાના યુદ્ધના કારણે તેને વધુ સારવાર મળી ન શકી અને તેનું મોત થયુ છે.
બુધવારે, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે સંકેત આપતા ત્રીજા વિશ્વ યુદ્ધની ધમકી આપી હતી. તેમણે કહ્યું- જો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો તેના પરિણામો ખૂબ જ ભયાનક આવશે. અને તેમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ પણ ખુલ્લેઆમ થશે. અમે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે યુક્રેનને પરમાણુ હથિયારો મેળવવાની મંજૂરી આપીશું નહીં. જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેના માટે અમેરિકા અને પશ્ચિમી દેશો જવાબદાર છે. તેઓએ રશિયાને આપેલા વચનો પૂરા કર્યા નથી. યુક્રેન શરૂઆતથી જ અમેરિકાના ઈશારે ચાલી રહ્યું છે.
હવે રશિયા હલકટાઈ પર ઊતરી આવ્યું છે. રશિયાની આર્મીએ ખાર્કિવમાં આડેધડ હુમલા શરૂ કર્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયાની સેનાએ યુક્રેનના ઝાયટોમીરમાં પ્રસૂતિગૃહ પર હુમલો કરીને એને સળગાવ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રાલય દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. એમાં લખ્યું છે કે રશિયન સેનાએ ઝાયટોમીરમાં એક પ્રસૂતિગૃહ પર હુમલો કરીને નષ્ટ કરી દીધું છે. રશિયાની સેનાના પ્રસૂતિગૃહ પરના હુમલા બાબતે યુક્રેને કહ્યું કે આ નરસંહાર નથી તો શું છે? રશિયા યુનિવર્સિટીઓ અને રહેણાક વિસ્તારોમાં પણ હુમલા કરી રહ્યું છે.
રાજધાની કિવ અને ખાર્કિવ સહિત અનેક મોટાં શહેરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. રશિયાના પેરાટ્રૂપર્સે ખાર્કિવમાં હોસ્પિટલ પર હુમલો કર્યો છે. યુક્રેનની સેનાએ જણાવ્યું હતું કે રશિયાની એરફોર્સના સૈનિકો ખાર્કિવમાં ઊતર્યા છે અને સ્થાનિક હોસ્પિટલ પર હુમલો કર્યો છે. રશિયાની સેનાએ ખેરસોન શહેર પર કબજો કર્યો છે.
છ દિવસમાં 6 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા- ઝેલેન્સ્કી
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે યુક્રેનની સેનાએ છ દિવસમાં 6 હજારથી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.
યુક્રેનનો દાવો- રશિયાની સેનાએ મેટરનિટી હોમને સળગાવ્યું, યુક્રેને કહ્યું- શું આ નરસંહાર નથી?
યુક્રેનના વિદેશ મંત્રાલય દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. એમાં લખ્યું છે કે રશિયન સેનાએ ઝાયટોમીરમાં એક પ્રસૂતિગૃહ પર હુમલો કરીને નષ્ટ કરી દીધું છે. રશિયાની સેનાના પ્રસૂતિગૃહ પરના હુમલા બાબતે યુક્રેને કહ્યું કે આ નરસંહાર નથી તો શું છે?
ખાર્કિવમાં રશિયાના બોમ્બવિસ્ફોટમાં 21નાં મોત
યુક્રેનના ખાર્કિવ શહેરમાં રશિયન હુમલા ચાલુ છે. શહેરના ગવર્નરે દાવો કર્યો છે કે આ હવાઈહુમલામાં 21 લોકોનાં મોત થયાં છે, જ્યારે 112 લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત ખાર્કિવમાં મિલિટરી એકેડમી પર પણ રોકેટ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઇમારત પર ભીષણ આગ લાગી હતી. યુક્રેનના ગૃહ મંત્રાલયના સલાહકાર દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે પોલીસ વિભાગની ઇમારત પર રશિયાની સેનાનો હુમલો થયો હતો.
રશિયામાં સામાન્ય જનતા પરેશાન, ATM, બેંકો ઠપ, રૂપિયા ઉપાડવા માટે ATM પર લોકોની લાંબી લાઈનો
રશિયાની આક્રમકતાને જોતા અમેરિકા સહિત લગભગ તમામ પશ્ચિમી દેશોએ રશિયા પર કડક આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. રશિયન બેંકો પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે, જેને કારણે તેમના ગ્રાહકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડોલર સામે રશિયન ચલણ રુબલમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
રશિયન ચલણમાં ઘટાડાને કારણે સામાન્ય લોકોની બચતને અસર થઈ છે, જેને કારણે ભયભીત થઈને નાગરિકોમાં રૂપિયા ઉપાડવા માટેની અફરાતફરી મચી છે. ATM પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
સાત લાખથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું
કિવ પર કબજો મેળવવાના યુદ્ધમાં યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકોની હિજરત થઈ રહી છે. એક અહેવાલ અનુસાર, અત્યારસુધીમાં સાત લાખથી વધુ લોકો યુક્રેન છોડીને પડોશી દેશોમાં આશરો લીધો છે. આ સંખ્યા હજુ પણ વધી શકે છે.