હાથની મહેંદીનો રંગ પણ નહોતો ઉતર્યો ને પતિએ આપ્યું ધ્રુજાવી દેતું મોત, કારણ જાણી પરિવાર પણ હચમચી ઉઠ્યો

ઓલપાડ તાલુકાના કીમ ગામે 22 વર્ષીય પરપ્રાંતીય પરિણીતાની પતિએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેતા ચકચાર મચી છે. 6 માસ પહેલા જ લગ્ન થયા હતા. લગ્નગાળાના ટૂંકા સમયમાં ઝઘડા શરૂ થયા હતા. મળસ્કે પણ કોઈ કારણસર ઝઘડો થતા આવેશમાં આવી પતિએ પત્નીની છાતીમાં ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંક્યા બાદ તકીયાથી મોઢું દબાવી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો.

 

ઓલપાડ તાલુકાના કીમ ગામને અડીને અંબિકા નગર(કઠોદરા) સોસાયટી છે, જ્યાં પરપ્રાંતીય પરિવાર સાથે પિતાના જ મકાનમાં કિરણબેન હરિશચંદ્ર નિશાદ (ઉ.વ 22) પોતાના પતિ સાથે રહે છે. કિરણ નિશાદ અને પતિ હરીશચંદ્ર રામમનોહર નિશાદ(મૂળ વિનાયકપુર, અયોધ્યા ઉત્તરપ્રદેશ, હાલ રહે અંબિકા નગર, કીમ -કઠોદરા) વચ્ચે 6 મહિનાના લગ્નના સમયગાળામાં અનેક વખત ઝઘડો અને મારપીટ થયા કરતી હતી.

સોમવાર વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ કિરણબેનના પિતાએ તેના પતિને સાઇકલ લઈ બહાર જતા જોયા બાદ દીકરીના રૂમ તરફ જોતા બહારથી તાળું મારેલું જણાયું હતું. કઈક અજુગતું જણાતા પિતાએ પડોશીઓને જાણ કરતા શોધ કરતા રૂમની બારી ખોલીને જોતા દીકરી કિરણ નિશાદને મૃત હાલતમાં જોતા પિતા અને પડોશીઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. મૃતકની છાતીમાં ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. બાદમાં તકીયાથી મોઢું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી સાઇકલ લઈ ભાગી છૂટ્યો હતો.

આ અંગે પિતાએ કીમ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બહારથી દરવાજાનું તાળું તોડી પ્રવેશ કરતા તપાસ શરૂ કરી હતી. જેમાં હત્યામાં વપરાયેલું ચપ્પુ મૃતકની છાતીમાં ઘુસેલી હાલતમાં મળ્યું હતું. જેને કબજે લઈ હત્યારા અંગે મૃતકના પરિવાર પાસેથી જરૂરી વિગતો લઈ હત્યારાને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃતકનું પીએમ કરાવવા સાથે ડોગ સ્કોવડથી તપાસ શરૂ કરી છે. મૃતકના પિતા કમલેશ હરગોવિંદ ગોંડની ફરિયાદ લઈ હત્યારા પતિ હરીશચંદ્ર રામમનોહર નિશાદ વિરુદ્ધ ઈપીકો કલમ 302 મુજબ હત્યાનો ગુનો નોંધી તપાસ પોલીસે હાથ ધરી છે.

મૃતક પરિણીતા કિરણ અને હત્યારા પતિ હરીશચંદ્ર નિશાદ બન્નેના છ માસ અગાઉ જ લગ્નજીવનનો પ્રારંભ કર્યો હતો. આ લગ્નજીવનના છ માસના સમયગાળામાં બન્ને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોવાનું જાણવા મળે છે.ત્યારે હત્યાની રાત્રે કઈ બાબતે ઝઘડો થયો હોય કે પછી કઈ બાબતનો રોષ રાખી કિરણની હત્યા કરી દેવામાં આવી એ હાલ જાણી શકાયું નથી. હત્યાનું ખરું કારણ હત્યારો પકડાયા બાદ જ સામે આવશે.

હત્યારા પતિને પકડવા એલસીબીના 12 અને એસઓજીના 8 પોલીસકર્મીઓ મળી 20 પોલીસકર્મીઓએ દિવસભર વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ત્યારે વિસ્તારમાં 9 જેટલા સીસીટીવી ચેક કરતા હત્યારો સીસીટીવીમાં ઝડપાઇ ગયો હતો. જેમાં એક સોસાયટીના કેમેરામાં હત્યારો સાઇકલ થોભાવી કમરે પટ્ટો બાંધતો સ્પષ્ટ નજરે પડતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!