ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમા થયો ચોંકાવનારો ખુલાસો, પ્રેમી અને યુવતીના પરિવાર વચ્ચે….
સુરતમાં પાસોદરામાં એક અતિ વિચલિત કરનારી ઘટના સામે આવી છે. સમાજ માટે ખતરાસમાન આ ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. એક તરફી પ્રેમનાં પાગલ 20 વર્ષીય યુવકે 21 વર્ષીય યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જાહેરમાં રહેંસી નાખી હતી. એક વર્ષથી ગ્રીષ્માને હેરાન કરતા ફેનિલને પરિવારે સમજાવ્યો હોવા છતાં તે શનિવારે ઘરે આવી ગયો હતો. જો કે, તેને ફરી સમજાવવા જતાં ગ્રીષ્માના મોટા પપ્પા-ભાઈને તેણે ચપ્પુના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.
સરાજાહેરમાં બનાવ બનતાં તથા હત્યાનો વીડિયો ફરતો થતાં માત્ર સુરત જ નહિ આખા ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીથી દીકરીને બચાવવા માટે પરિવારે અગાઉ સાત-સાત વાર સમાધાનના પ્રયાસો કર્યા હતા. જોકે તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા અને સમાજના ડરે પોલીસ ફરિયાદ નોંધાવી નહિ, જેનું ગંભીર પરિણામ સામે આવ્યું હતું.
ગ્રીષ્માની હત્યા થઈ એ અગાઉ હત્યારો ફેનિલ સતત હેરાન કરતો હતો, જેથી ફેનિલથી છુટકારો મેળવવા પરિવાર મથામણ કરી રહ્યો હતો. ફેનિલ સાતેક વાર પરિવારે સમજાવવાની કોશિશ કરી હોવાનું કહેતાં ગ્રીષ્માના પરિવારના સભ્યએ ઉમેર્યું કે પરિવારની બદનામી ન થાય એ માટે અંદરખાને પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. પોલીસની મદદ લઈએ અને પરિવારનું નામ ખરાબ થાય એથી બચવા માટે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.
ચકચારી હત્યા કેસમાં હવે જો અને તો વચ્ચે વાત આવીને ઊભી રહી છે. ગ્રીષ્માના પરિવારના સભ્યો આરોપીને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે. જોકે પરિવારને બદનામીના ડરથી તેને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે.
અતિસંવેદનશીલ બનેલી સુરતની આ ઘટના તમામ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે કે દીકરીને રંજાડતા આવાં તત્ત્વોની સામે શરમમાં મુકાયા વગર જ પોલીસ ફરિયાદ કરીને સબક શીખવવો જોઈએ, એવું જાગ્રત નાગરિકો કહી રહ્યા છે.