નવા જીવનની શરૂઆત કરે તે પહેલાં મોતને ભેટી પડ્યા, લગ્નગીતોને બદલે મરશિયા ગવાયા
એક અરેરાટીભર્યો બનાવ સામે આવ્યો છે. સુરતમાં ભીમરાડ નજીક કાળનો કોળિયો બનીને આવેલા ડમ્પરે મોપેડ સવાર યુવક-યુવતીને અડફેટે લેતા બન્નેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. પરિવારે કહ્યું કે સગાઈ કરીને 6 મહિના જ થયા હતા. નવા જીવનની શરૂઆત કરવાના હતા. બન્ને પરિવારના એકના એક દીકરા-દીકરી હતા. બન્ને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે ઘટના બાદ પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
પરિવારે કહ્યું હતું કે સંતોષ રણછોડ ખલાસી (ઉ.વ. 25) ગભેણી ગામ વાડી ફળિયામાં રહેતો હતો. વિધવા માતાનો એકનો એક દીકરો અને બે પરિણીત બહેનોનો એકનો એક ભાઈ હતો.
સંતોષ ડાઇંગ મિલની લેબમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. માતા પુત્રના મોતના સમાચાર સાંભળી આઘાતમાં સરી પડી છે. 6 મહિના પહેલા પુત્રની સગાઇ કરી લગ્નની તૈયારી ચાલી રહી હતી.
મહિલાના પરિવારજનોએ કહ્યું હતું કે એકની એક દીકરીને ડમ્પર ચાલકે કચડી મારતા પિતા સહિત આખું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સામાન્ય પરિવારમાંથી આવતા બન્ને પરિવારના એકના એક સંતાનના મોતને લઈ આખું ગામ શોકમાં ડૂબી ગયું છે. ખટોદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.